રાજ્ય સરકાર દ્વારા નવી શિક્ષક ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જે શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટેનું આવકાર્ય અને હકારાત્મક પગલું છે. શાળામાં શિક્ષકની ઘટ દૂર કરવા તથા વિદ્યાર્થીઓને ગુણવાત્તાયુક્ત શિક્ષણ મળી રહે એ દિશામાં પ્રયાસ થઈ રહ્યા છે. રાજકોટ જિલ્લાના અનેક શિક્ષત મિત્રો છેલ્લા ઘણા સમયથી પોતાની પસંદ મુજબની શાળા, વતનની શાળા અથવા વતનની નજીકની શાળામાં બદલી થવાની રાહ જોઈ રહ્યા હતા. આવા શિક્ષકોના હિતને ધ્યાને રાખીને ભરતીની પ્રક્રિયા પૂરી થાય એ પહેલા તાલુકા અંતર્ગત બદલી કેમ્પ યોજવામાં આવી એવી પ્રાથમિક શિક્ષણ મહાસંઘ રાજકોટની માગ છે.
નવી ભરતી સાથે બદલી પ્રક્રિયા કરવામાં આવે તો શિક્ષકોને વતનમાં શાળા અથવા વતનથી નજીક શાળામાં જવાનો ચાન્સ મળી રહે. નવા શિક્ષકોનો પ્રશ્ન હળવો થાય અને ઘટ પણ ઓછી થાય એમ છે. જે તે શિક્ષકોને પણ પોતાની પસંદગી અનુસાર શાળા પસંદ કરવાની તક મળશે. લાંબા સમય સુધી પડી રહેલી બદલીની અરજીઓનો નિકાલ થશે. નવા ભરતી થયેલા શિક્ષકોને પણ જે તે ખાલી જગ્યાઓ પર નિમણૂંક મળશે અને વિષય તરીકે જવાબદારી મળશે. બીજી તરફ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પણ મળી રહેશે.
સમગ્ર શિક્ષકોની વ્યવસ્થા વધારે સુગમ અને સરળ બની રહેશે. શિક્ષકોને પોતાના પરિવારથી દૂર રહેવાની મુશ્કેલી પણ ઘટી જશે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક સંઘ રાજકોટના જિલ્લા તરફથી ગુજરાત પ્રાંત શિક્ષણ વિભાગને અપીલ કરવામાં આવી રહી છે. શિક્ષકોના હિતલક્ષી વાત રાજ્યવ્યાપી એક મુદ્દા તરીકે લઈને ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ આને ગંભીરતા લઈ નિર્ણય કરી શકે.
આ માટે એક અસરકારક રજૂઆત કરવામાં આવી છે. નવી ભરતી પહેલા વધ-ઘટની બદલી અને તાલુકા-જિલ્લામાં આંતરિક બદલીને લઈ ફેરબદલીના કેમ્પ નિયમિત રીતે યોજાય એ પણ પ્રયાસ કરવામાં આવે. આ માટે શિક્ષણ વિભાગને પણ રજૂઆત કરવામાં આવી છે.