અમદાવાદઃ રાજકોટ મનપાએ 23મી ફેબ્રુઆરી એટલે કે સોમવારથી જંગલેશ્વર વિસ્તારના અતિક્રમણો દૂર કરવાનું નક્કી કરી લીધું હતું. શહેર પોલીસની મદદ લઈ લગભગ 1400 કરતા વધારે ગેરકાયદે બંધાયેલા મકાનો-દુકાનો પાડવામાં આવશે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી. ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 6 હેઠળ આજી નદી કિનારે અને 15-મીટર ટાઉન પ્લાનિંગ (ટીપી) રોડ પર સ્થિત અનધિકૃત બાંધકામોને તોડી પાડવા માટે 1,200 થી વધુ મનપા સ્ટાફ સભ્ય અને 1,500 થી વધુ પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવશે.
ઔપચારિક ડિમોલિશન પહેલા, મનપા ટીમો 19 ફેબ્રુઆરીથી સ્થળની મુલાકાત લઈ રહી છે જેથી રહેવાસીઓને માર્ગદર્શન આપી શકાય અને સ્વૈચ્છિક રીતે અતિક્રમણ દૂર કરવામાં મદદ મળી શકે. રહેવાસીઓને તેમના મકાનો ખાલી કરવા અને તેમનો સામાન ખાલી કરવા માટે અંતિમ ત્રણ દિવસની સમયમર્યાદા આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘણા રહેવાસીઓએ વહીવટીતંત્રને સહકાર આપ્યો છે અને સ્વેચ્છાએ તેમના બાંધકામો ખાલી કરવાનું શરૂ કરી દીધું છે.
અધિકારીઓએ ચેતવણી આપી હતી કે જો 23 ફેબ્રુઆરીએ ડિમોલિશન શરૂ થાય તે પહેલાં રહેવાસીઓ અતિક્રમણ દૂર નહી કરે તો કોઈપણ જાનહાનિ કે સંપત્તિના નુકસાન માટે વહીવટીતંત્ર જવાબદાર રહેશે નહીં. મહાનગરપાલિકાએ 260 થી વધુ મશીન અને સાધનોની વ્યવસ્થા કરી છે, જેમાં 64 જેસીબી મશીનો, 84 ટ્રેક્ટર, સાત હિટાચી એક્સકેવેટર અને 50 બ્રેકર્સનો સમાવેશ થાય છે. પીજીવીસીએલ, પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ અને તબીબી સેવાઓની ટીમો સ્ટેન્ડબાય પર રહેશે.
મનપાના જણાવ્યા મુજબ, અતિક્રમણ દૂર કરવાથી ટીપી રોડ ખુલ્લો થશે, જેનાથી વિસ્તારમાં ટ્રાફિક જામ હળવો થશે. વધુમાં, આજી નદી કિનારેથી અવરોધો દૂર કરવાથી ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા પણ હળવી થશે. આ બન્ને લાંબા ગાળાની સુવિધાઓ છે, જે શહેરને મળે તે જરૂરી છે. આ અતિક્રમણ હટાવવાની ઝૂંબેશથી રહેવાસીઓ ઘણા પરેશાન છે. જોકે ઘણાએ સ્વેચ્છાએ ઘર ખાલી કરી દીધા છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.