રાજકોટઃ રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. ડેમની સ્થિતિની વાત કરવામાં આવે તો, ભાદરમાં સવા ફૂટ, આજીમાં 0.20 ફૂટ અને ન્યારીમાં 0.49 ફૂટ આવક થઈ છે. રાજકોટમાં રાત્રિના બાર વાગ્યા બાદ સેન્ટ્રલમાં બે ઇંચ (53) ઇસ્ટમાં દોઢ ઇંચ (36મીમી) અને વેસ્ટઝોનમાં અઢી ઇંચ (59 મીમી) વરસાદ નોંધાયો છે. રાજકોટમાં ગઇકાલથી સર્જાયેલા ભારે મેઘાડંબર વચ્ચે બપોરે ચાર વાગ્યાથી શરૂ થયેલી હળવા ભારે વરસાદી ઝાપટાં બાદ રાત્રિના વરસાદનું જોર વધ્યું હતું અને એક જ રાતમાં અઢી ઇંચ વરસાદ નોંધાઇ ગયો હતો.
ભાદર-1 ડેમમાં સવાફૂટ પાણીની આવક
રાજકોટ જિલ્લામાં અને ઉપરવાસના વરસાદના કારણે રાજકોટને પાણી પુરૂં પાડતા ભાદર-1 ડેમમાં સવાફૂટ પાણીની આવક થઇ છે જ્યારે આજી-1માં 0.19 ન્યારી-1માં 0.49 અને ભાદર-1માં સૌથી વધુ સવા ફૂટ પાણીની આવક થઇ છે. રાજકોટ માટે એક દિવસનો જળજથ્થો ત્રણેય જળાશયોમાં આવ્યો છે. રાત્રિના બાર વાગ્યા બાદ સેન્ટ્રલ ઝોનમાં બે ઇંચ (53મીમી) ઇસ્ટમાં દોઢ ઇંચ (36મીમી) અને વેસ્ટઝોનમાં અઢીઇંચ (59 મીમી) વરસાદ નોંધાયો છે. મોસમનો કુલ વરસાદ 8.61 ઇંચ થયો છે.
રાજકોટના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ
રાજકોટમાં લાંબા સમયના ઇંતઝાર પછી મેઘરાજાએ એન્ટ્રી કરી છે. ગઈ કાલે બપોરે ચાર વાગ્યાથી રાત્રિના બાર વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 16, ઇસ્ટઝોનમાં 10 અને વેસ્ટઝોનમાં 15 મીમી વરસાદ થયો હતો. એટલું જ નહીં પરંતુ રાત્રે વરસાદનું જોર વધ્યું હતું. મધરાતે 12 થી 1 દરમિયાન એક જ કલાકમાં સેન્ટ્રલ ઝોનમાં 34 મીમી (દોઢ ઇંચ), ઇસ્ટઝોનમાં 25 મીમી (એક ઇંચ) અને વેસ્ટઝોનમાં 36 મીમી (દોઢ ઇંચ) વરસાદ પડ્યો હતો. આ પછી શહેરમાં સવારે આઠ વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં બે ઇંચ (53 મીમી), ઇસ્ટ ઝોનમાં દોઢ ઇંચ (36 મીમી), અને વેસ્ટ ઝોનમાં અઢી ઇંચ (59 મીમી) વરસાદ પડ્યો હતો.
150 ફૂટ રીંગરોડ પર અયોધ્યા ચોકમાં એક વૃક્ષ ધરાશાયી
આ સામાન્ય વરસાદ વચ્ચે 150 ફૂટ રીંગરોડ પર અયોધ્યા ચોકમાં એક સ્થળે વૃક્ષ ધરાશાયી થયાની ફરિયાદ મળ્યાનું ઇન્ચાર્જ ચિફ ફાયર ઓફિસર અમીત દવેએ જણાવ્યું હતું. ઉપરવાસ અને જિલ્લામાં વરસાદને પગલે રાજકોટને પાણી પુરૂ પાડતાં ભાદર-1 ડેમમાં એક જ રાતમાં સવાફૂટ પાણીની આવક થઇ છે. ગઇકાલે ભાદરની સપાટી 14.05 ફૂટ હતી એક રાતમાં 1.25 ફૂટ નવું પાણી આવતાં કુલ સપાટી વધીને 15.30 ફૂટ (175.1 એમસીએફટી) થઇ છે. તેવી રીતે આજી- 1 ડેમની સપાટી 20.41 ફૂટ હતી તેમાં 0.19 ફૂટ (13.26 એમસીએફટી) નવું પાણી આવતાં સપાટી વધીને 20.60 ફૂટ (436.57 એમસીએફટી) થઇ છે.
રાજકોટના બીજા મુખ્ય જળસ્ત્રોત ન્યારી-1માં પણ છેલ્લા 24 કલાકમાં 0.49 ફૂટ (26.88 એમસીએફટી) આવક થઇ છે. આ કારણે ન્યારીની સપાટી વધીને 15.25 ફૂટ થઇ છે. વરસાદને કારણે ન્યારી ડેમમાં 26.88 એમસીએફટી તેમજ 311 ક્યુસેક આવક સાથેની નર્મદા નીરની સપાટી વધીને 15.25 ફૂટ થઇ છે.
રાજકોટ જિલ્લાના 11 જળાશયોમાં નવા નીર
રાજકોટ સિંચાઇ વિભાગ ક્ધટ્રોલરૂમના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લાના 27માંથી 11 જળાશયોમાં છેલ્લા 24 કલાક દરમિયાન પાણીની સપાટી વધી છે. આમાં ભાદર-1માં સવા ફૂટ પાણીની આવક થતાં કુલ સપાટી 15.30 ફૂટ થઇ છે. આવી જ રીતે ફોફળમાં 0.20 ફૂટ, આજી-1માં 0.19 ફૂટ, આજી-3માં1.25, સુરવોમાં 6.23,ન્યારી-1માં 0.49, ન્યારી-2માં 0.98, ખોડાપીપરમાં 4.59, છાપરવડીમાં 9.84, કર્ણુકીમાં 0.66 ફૂટ આવક થઇ છે. આજી અને ન્યારીમાં એક દિવસનો જળજથ્થો આવ્યો હોવાનું મહાનગરપાલિકાના વોટરવર્કસ વિભાગે જણાવ્યું છે. વરસાદને પગલે રાજકોટ જિલ્લાના 27 જળાશયોમાં 28.22 ટકા જળજથ્થો છે.