Mon Sep 07 2026

Logo

પશ્ચિમ રેલવેમાં રાજકોટ ડિવિઝનને ઉત્કૃષ્ટ કાર્ય પ્રદર્શન માટે ચાર પ્રતિષ્ઠિત શીલ્ડ એનાયત

2026-05-09 20:09:51
Author: Devayat Khatana
પશ્ચિમ રેલવેમાં રાજકોટ ડિવિઝનને ઉત્કૃષ્ટ કાર્ય પ્રદર્શન માટે ચાર પ્રતિષ્ઠિત શીલ્ડ એનાયત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ
: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને તાજેતરમાં દક્ષિણ મુંબઈ સ્થિત યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન હોલ ખાતે આયોજિત 71માં રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ઉત્કૃષ્ટ કાર્ય પ્રદર્શન બદલ જનરલ મેનેજર સ્તરની ચાર પ્રતિષ્ઠિત શીલ્ડ મેળવીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે દ્વારા રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના અને તેમની ટીમને વર્ષ 2025-26 દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. 

રાજકોટ ડિવિઝનને મળેલી આ ચાર શીલ્ડમાં મુસાફરોની ફરિયાદોના ઝડપી નિરાકરણ માટે 'રેલ મદદ શીલ્ડ', સ્ટેશનો પર ઉત્કૃષ્ટ સ્વચ્છતા માટે 'કોમર્શિયલ ક્લીનલીનેસ શીલ્ડ', ટ્રેક મેન્ટેનન્સ મશીનોની શ્રેષ્ઠ કામગીરી માટે 'ઇન્ટર ડિવિઝનલ શીલ્ડ' અને પાછલા વર્ષની સરખામણીમાં વિવિધ વિભાગોના શ્રેષ્ઠ પ્રદર્શન માટે 'બેસ્ટ ઇમ્પ્રૂવમેન્ટ શીલ્ડ'નો સમાવેશ થાય છે. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજરે આ સફળતા બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ તમામ પ્રતિષ્ઠિત શીલ્ડ અધિકારીઓ અને કર્મચારીઓની અથાક મહેનત અને ખંતનું પરિણામ છે.