રાજકોટઃ રાજકોટની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાવાના કારણે આજથી આગામી 6 દિવસ એટલે કે 21 તારીખ સુધી શહેરમાં તબક્કાવાર પાણી વિતરણ ઠપ્પ રહેશે. આ પાણીકાપ તમામ વોર્ડમાં ક્રમ મુજબ લાગુ કરવામાં આવશે, જે અંતર્ગત આજે વોર્ડ નંબર 5 ના રહીશોને પાણી નહીં મળે. તંત્ર દ્વારા નાગરિકોને અગાઉથી જ આ પાણીકાપ અંગે જાણ કરી દેવામાં આવી છે. નાગરિકોએ પાણી આપો નહીં તો રાજીનામું આપોના સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કર્યો હતો.
રાજકોટમાં કેમ પાણી કાપ
મળતી માહિતી મુજબ, પાણીની ત્રણ મુખ્ય લાઈનમાં ખામી સર્જાતા પાણી પુરવઠા પર અસર પડી છે. જેના કારણે લાખો લોકોને પીવાના પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડશે. પાણીકાપને લઈને શહેરમાં ‘પાણી આપો નહીં તો રાજીનામું આપો’ જેવા સવાલો સાથે વિરોધનો સૂર ઉઠ્યો છે.
એક તરફ રાજકોટ શહેરમાં એક્સપ્રેસ ફીડર લાઈન નાખવાની વાતો કરવામાં આવી રહી છે, તો બીજી તરફ પાણીની લાઈનમાં ખામી સર્જાતા લાંબો પાણીકાપ જાહેર કરવાની સ્થિતિ ઉભી થઈ છે. રાજકોટમાં ઓછા વરસાદના કારણે આજી, ન્યારી અને ભાદર સહિતના જળાશયોમાં પણ પાણીની સ્થિતિ ચિંતાજનક બની હતી. જોકે, સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી આજી અને ન્યારી ડેમમાં ઠાલવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
આવી સ્થિતિમાં એક તરફ નર્મદાનું પાણી જળાશયોમાં પહોંચાડવામાં આવી રહ્યું છે અને બીજી તરફ શહેરમાં છ દિવસનો તબક્કાવાર પાણીકાપ જાહેર થતા રાજકોટવાસીઓમાં સવાલો ઉઠી રહ્યા છે. મનપા દ્વારા પાણી પુરવઠાની લાઈનમાં સર્જાયેલી ખામીને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં પાણી પુરવઠો રાબેતા મુજબ થાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.