અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં સાતમ આઠમનો મહિમા અનેરો હોય છે. કૃષ્ણજન્મ અને લોકમેળાને કારણે આ તહેવાર ખૂબ જ ધામધમૂ સાથે મનાવવામાં આવે છે. ખાસ કરીને રાજકોટના લોકમેળાનું કાસ આકર્ષણ હોય છે. પરંતુ જિલ્લાના અમુક પરિવારો માટે તહેવારમાં પણ માતમ છવાઈ ગયું હતું.
રાજકોટ તાલુકાના પાડાસણ ગામમાં અશ્વિનભાઈ સોરઠીયાની દોઢ વર્ષની દીકરી સવારે ઘરના આંગણામાં રમી રહી હતી. તે દરમિયાન અચાનક લોખંડનો ભારેખમ દરવાજો બાળકીના માથા પર પડ્યો હતો. બાળકી પર દરવાજો પડતા તે લોહીલુહાણ થઈ ગઈ હતી. પરિવારે તેને તાબડતોબ રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં ખસેડી હતી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આજીડેમ પોલીસે અકસ્માતનો કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજી બાજુ શહેરના રૈયા રોડ પર રહેતા જયેશ નકુમ નામના 36 વર્ષીય વ્યક્તિએ આર્થિક ભીસથી કંટાળી તળાવમાં છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી. જયેશભાઈને ચાર નાની દીકરી હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે સાધુ વાસવાણી રોડ પર ઈલાબેન વેકરિયા નામનાં 51 વર્ષીય મહિલાએ લાંબી બીમારીથી કંટાળી આત્મહત્યા કરી લીધી હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી. બન્ને કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ત્રણેય પરિવારોમાં આ ઘટનાને લીધે માતમ છવાયો હતો. એક બાજુ ચાર દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી તો બીજી બાજુ એક માતા-પિતાએ દોઢ વર્ષની ફૂલ જેવી દીકરી ગુમાવી હતી. ઘણા સમયથી રાજ્યમાં આત્મહત્યાના કેસ ખૂબ જ વધી રહ્યા છે ત્યારે માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે વધારે જનજાગૃતિ કેળવવાની જરૂર છે, તેમ નિષ્ણાતો જણાવે છે. જયેશભાઈ મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું જાણવા મળ્યું હતું.