Wed Sep 16 2026

Logo

રાજકોટ ડીમોલિશનમાં અધિકારીઓએ લાખો રૂપિયાનું ખાધું-પીધું! જ્યારે આ ટ્રસ્ટે માત્ર 1 લાખમાં જંગલેશ્વરને જમાડ્યું!

2026-06-27 19:27:48
Author: Devayat Khatana
રાજકોટ ડીમોલિશનમાં અધિકારીઓએ લાખો રૂપિયાનું ખાધું-પીધું! જ્યારે આ ટ્રસ્ટે માત્ર 1 લાખમાં જંગલેશ્વરને જમાડ્યું!

રાજકોટ: તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 16ના જંગલેશ્વર વિસ્તારમાં ઐતિહાસિક મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ વર્ષે 23 અને 24 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલિશન ઓપરેશન દરમિયાન 1000થી વધુ મકાનોનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.  

જો કે આ દબાણ હટાવવાની કામગીરી પાછળ પાણીની જેમ પૈસા વાપરી દીધાના અહેવાલોએ પ્રજાના ટેક્સના પૈસાનો કેવો ધુમાડો કરી દેવામાં આવ્યા હોવાના મુદ્દે અનેક સવાલો થયા હતા. કારણ કે સ્ટાફ અને અધિકારીઓના ભોજનનું રૂપિયા 27 લાખનું મસમોટું બિલ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે મુકાતા જ ભારે રાજકીય હોબાળો મચી ગયો હતો.

જેની ચારે બાજુ ચર્ચા જાગી છે તે રૂપિયા 27 લાખના ખાણી-પીણીના બિલમાં ડિમોલિશન સ્ટાફ અને અધિકારીઓ માટે સમોસા, ગાંઠિયા, જલેબી, ભોજનની થાળી તેમજ પ્રીમિયમ મીઠાઈઓ જેવી કે કાજુકતરી અને ખજૂર રોલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે અહીથી ન અટકતા અધિકારીઓ અને સ્ટાફ રૂપિયા 12 લાખનું મિનરલ વોટર પણ પી ગયાં હતાં. જો કે, સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરાયેલી દરખાસ્તમાં મિનરલ વોટરનો કોઈ ઉલ્લેખ જ નહોતો.

જો કે પ્રજાના લાખો રૂપિયાના ધુમાડાની સામે શહેરના બોલબાલા ટ્રસ્ટે જંગલેશ્વરમાં ડિમોલેશન કામગીરી દરમિયાન પ્રતિ દિન 7,000 કરતાં વધુ લોકોને માત્ર એક લાખ રૂપિયામાં જમવા તેમજ પાણીની વ્યવસ્થા પૂરી પાડી હતી. આ અંગે બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાયએ મુંબઈ સમાચાર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "રાજકોટમાં કોઈ ભૂખ્યું સુવે નહિ તે માટે બોલબાલા ટ્રસ્ટ કામગીરી કરી રહ્યું છે. કોરોના, ભૂકંપ બાદ જંગલેશ્વરમાં ડિમોલિશન ઓપરેશન દરમિયાન પણ ટ્રસ્ટે કામગીરી કરી હતી. તેમણે કહ્યું હતું કે  ડિમોલિશન કામગીરીના આગળના દિવસે જ્યારે વીજળીના તાર કાપી નાખવામાં આવ્યા ત્યારે અમને જાણ કરવામાં આવી હતી કે આજે ચૂલો જગી શકે તેમ નથી. આથી અમે ત્યારે જ આ બાજુ કામ કર્યું. 

આગળ તેમણે જણાવ્યું હતું કે, બીજા દિવસે  ડિમોલિશનના દિવસે અમારી કુલ 8 જેટલી ગાડીઓ પહોંચી ગઈ હતી. જેમાં ભોજનની સાથે છાશ, દૂધ, કેળાં અને પાણી સહિતની ગાડીનો પણ સમાવેશ થયો હતો. જેમાં અમારી સગવડ મુજબ ગૂંદી, ગાંઠિયા, દાળ ભાત, મગ ભાત સહિતની વસ્તુઓ પૂરી પાડવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે આ દરમિયાન અમને લગભગ રોજનો એક લાખ રૂપિયાનો ખર્ચ થતો હતો, જો કે દાત્તાઓનો પણ ખૂબ સહયોગ મળ્યો હતો. સતત 4-5 દિવસ દરમિયાન અમે સેવા આપી હતી અને 5 થી 5.50 લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો અને અમારા 35 જેટલા કાર્યકરોએ સેવા આપી હતી. જો કે અધિકારીઓના લાખો રૂપિયાના બનેલા બિલ પર તેમણે કહ્યું હતું કે અમને તેની કોઈ જાણ નથી.