મહેન્દ્રગીરી ઈસરોની સંશોધન, ટીમનો પુરૂષાર્થ અને સ્ટ્રેટજી ભલે બંધ બારણે ચર્ચાતી હોય પણ એની સફળતા દુનિયામાં ડંકો વગાડી દે છે. આ સાથે ભારતનું નામ પણ રોશન કરે છે. ઈસરોએ વધુ એક અસાધારણ કામમાં મોટી સફળતા પ્રાપ્ત કરીને અવકાશી ઊંચાઈ પ્રાપ્ત કરી લીધી છે. ફરી એકવાર ભારતે અવકાશ સંશોધનના ક્ષેત્રમાં એક એવી સિદ્ધિ હાંસલ કરી છે જેનાથી દુનિયાના અનેક દેશના વિજ્ઞાનીઓની આંખ ચાર થઈ ગઈ છે.
મુખ્ય મિશન, ગગનયાન લૉંચ કરવાની તૈયારીમાં આ એક મોટી સફળતા માનવમાં આવે છે. ઈસરો દ્વારા તાજેતરમાં જ તેના શક્તિશાળી સેમી-ક્રાયોજેનિક એન્જિનનું સૌથી ટફ ગણાતું પરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું છે, જે એક માઈલસ્ટોન સમાન છે જેણે ભારતની ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કર્યો છે. આ મોટી સફળતા બાદ, ભારતે હવે માણસોને અવકાશમાં મોકલવા માટે અંતિમ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
સૂર્ય પર સંશોધન કરનારો ચોથો દેશ
પહેલાં આ ટેસ્ટ 47% અને 60% ક્ષમતા પર હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે પ્રથમ વાર 88% એટલે કે 175 ટનની વિશાળ ક્ષમતા પર કરવામાં આવ્યું.જેમાં ઈસરોને મોટી સફળતા મળી છે. આ પરીક્ષણ દરમિયાન એન્જિનના મુખ્ય ટર્બોપંપોએ 400 અને 500 બારનું દબાણ સફળતાપૂર્વક પેદા કરીને, શક્તિનું પ્રદર્શન કર્યું.ભારતની વધતી જતી અવકાશી ક્ષમતા પર પ્રકાશ પાડતા, એ વાત નોંધવામાં આવી કે આદિત્ય-L1 મિશન સાથે, ભારત સૂર્ય પર સંશોધન કરનાર ચોથો દેશ બની ગયો છે.
હવે ભારત દક્ષિણ એશિયાઈ દેશો માટે તેની પહેલ ઉપરાંત, G-20 રાષ્ટ્રો માટે ઉપગ્રહ વિકસાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. ભારત અને જાપાન ચંદ્રયાન-5 મિશન પર સહયોગ કરી રહ્યા છે. ચંદ્રયાન-3 માટે ભારતના રોવરનું વજન ફક્ત 25 કિલોગ્રામ હતું, જ્યારે ચંદ્રયાન-5 મિશન ચંદ્ર પર 350 કિલોગ્રામનું વિશાળ રોવર તૈનાત કરવામાં આવશે. ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાને આંતરરાષ્ટ્રીય અવકાશ મથકના એક્સિઓમ-4 મિશન માટે પસંદ કરવામાં આવ્યા છે.
મહેન્દ્રગીરીમાં કરાયો ટેસ્ટ
તમિલનાડુના મહેન્દ્રગીરીમાં સ્થિત પ્રોપલ્શન કોમ્પ્લેક્સમાં 175 ટનની ક્ષમતા ધરાવતા આ સેમી ક્રાયોજેનિક એન્જિન પાવર હેડ ટેસ્ટ આર્ટિકલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ ટેસ્ટ પૂર્ણ થતા હેવ ગગનયાન મિશનને લઈને ઘણી આશાઓ ખૂબ જ સશક્ત બની ચૂકી છે. ઈસરોના નિષ્ણાંતો અને વિજ્ઞાનીઓ આ પરીક્ષણને એક માઈલસ્ટોન તરીકે માની રહ્યા છે.
કારણ કે, આ જ પરીક્ષણના કેટલાક કોમ્પોનેટ અને ટેક્નિકનો ઉપયોગ કરીને મિશન ગગનયાનને સાકાર કરવામાં એક મોટી મદદ મળી રહેશે. આ ટેસ્ટ એન્જિનના થ્રસ્ટ ચેમ્બર એટલે કે મુખ્ય ભાગને બાદ કરતા અન્ય ભાગ માટે કરવામાં આવ્યો હતો. જેમાં એક સિસ્ટમે આશરે 90 ટકા પ્રેશરને સફળતા પૂર્વક કંટ્રોલ કરી કામ કરી બતાવ્યું હતું. હવે ઈસરો આ એન્જિનને લઈને એક ફાયનલ ટેસ્ટની તૈયારીમાં લાગી ગયું છે. ગગનયાન એક અતિ હાઈટેક્નોલોજીથી યુક્ત મિશન બની રહેશે.

ગગનયાન પહેલાનો મોટો પ્રોજેક્ટ
માણસોને સ્પેસની યાત્રાએ મોકલતા પહેલા સુરક્ષા અને કેટલાક માપદંડોની કડક તપાસ કરી રહ્યું છે. આ તપાસ સિવાયનો એક પ્રોજેક્ટ આ ટેસ્ટ સંબંધિત હોવાનું સૂત્રો જણાવે છે. માણસોને અવકાશ દર્શન કરાવતા પહેલા ત્રણ મિશન માણસ વગર કરવામાં આવશે. આ ટેસ્ટ સફળ થયા બાદ જ માણસને અવકાશમાં રવાના કરવા માટેની તૈયારીઓનો આરંભ થશે.
હાલમાં જે ટેસ્ટ થયો એ પછી એક અંતિમ ટેસ્ટ અંગેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ટૂંક જ સમયમાં આગામી પ્રોજેક્ટ અંગે લૉંચિગ ડેટને જાહેર કરવામાં આવશે. આ પ્રોજેક્ટને મિશન ગગનયાન પહેલાનો અતિ મહત્ત્વનો પ્રોજેક્ટ માનવામાં આવે છે.