(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ રાજકોટમાં જીએસટી કૌભાંડમાં બે વેપારીની ધરપકડ કરવામાં આવી હતી. બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ના રૂ. 545 કરોડના કૌભાંડની તપાસ ચાલી રહી હતી. આ તપાસમાં ભ્રષ્ટાચારની ગંધ આવી જતા અમદાવાદ ડીજીજીઆઈના અધિકારીઓએ તપાસ હાથમાં લઈને બે વેપારીની ધરપકડ કરી હતી અને જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં લીધા હતા. જેના પગલે હવે માર્ચ મહિના સુધીમાં કોઈ નવા દરોડા પાડવા નહીં તેવા ઉચ્ચ કક્ષાએથી આદેશો બહાર પડી ગયા છે.
ડાયરેક્ટર જનરલ ઓફ સેન્ટ્રલ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઈ) ના અમદાવાદ રાજકોટ અને ગાંધીધામના પાંચ ઓફિસરોની ટ્રાન્સફર કરી દેવામાં આવતા અંદાજે રૂ. 1000 કરોડના જીએસટીચોરીના કેસની ચાલી રહેલી તપાસને મોટી અસર પડી છે એટલું જ નહીં ઉચ્ચકક્ષાએથી આદેશ પણ આપી દેવામાં આવ્યા છે કે સેન્ટ્રલ જીએસટી ના અધિકારીઓ દ્વારા આડેધડ કેસ કરીને તેમજ કેસની પતાવટના નામે કથિત રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાથી માર્ચ મહિના સુધી નવી કોઈ પણ કાર્યવાહી નહીં કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.
અમદાવાદ અને રાજકોટના પાંચ ઇન્ટેલિજન્સ ઓફિસરોની નાણાકીય લેવડદેવડ કેસની પતાવટ અને પુરાવા વગર અટક કરી દેવાની અનેક ફરિયાદો મળી હતી, જેની તપાસ બાદ અધિકારીઓની બદલી પણ કરી દેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તાજેતરમાં જ એક યુનીટમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું હતું અને તેની તપાસ પણ હજુ ચાલી રહી છે.
ટોચના સૂત્રોએ જણાવ્યું કે ગત એપ્રિલ મહિનાથી ફેબ્રુઆરી મહિના સુધીમાં અંદાજે રૂ. 1000 કરોડથી વધારેની જીએસટી ચોરી અંગેના કેસ કરવામાં આવ્યા હતા અને પાંચથી વધારે વેપારીની ધરપકડ પણ કરવામાં આવી હતી. સમગ્ર કેસમાં તપાસ ચાલી રહી છે, પરંતુ આડેધડ કરાતી તપાસ અને નાણાકીય લેવડદેવડના આક્ષેપોની અનેક ફરિયાદો મળતા પાંચ ઇન્ટેલિજન્સ અધિકારીઓની ટ્રાન્સફર કરી દેવામાં આવતા રૂ. 1000 કરોડના કેસની તપાસમાં મોટી અસર પડી રહી છે અને ડીજીઆઈના હેડ ક્વાૉટર નવી દિલ્હી ખાતેથી નવા કોઈ દરોડા નહીં પાડવા અંગેની સૂચના પણ આપી દેવામાં આવી છે.
સેન્ટ્રલ ઇન્ટેલિજન્સની અમદાવાદની ઓફિસમાંથી પાડવામાં આવતા દરોડામાં અનેક અધિકારીઓના નામ બહાર આવતા ફફડાટ ફેલાઈ ગયો હોવાનું નજીકના સૂત્રોએ જણાવ્યું હતું.