Tue Oct 06 2026

Logo

રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ! પતિએ હથોડીના ઘા ઝીંકીને ક્રૂરતાપૂર્વક પત્નીને પતાવી દીધી

2026-05-29 21:46:03
Author: Vimal Prajapati
રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ! પતિએ હથોડીના ઘા ઝીંકીને ક્રૂરતાપૂર્વક પત્નીને પતાવી દીધી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ રાજકોટ શહેરમાં લોહીયાળ ઘટનાઓ વધી રહી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાના ચિથરા ઉડાવતી વધુ એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના પોશ બિલ્ડિંગમાં એક પતિએ કૌટુંબિક ઝઘડાના આવેશમાં આવીને પોતાની જ પત્નીને હથોડીના ઘા ઝીંકીને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં માત્ર ચાર દિવસની અંદર જ હત્યાની આ બીજી ઘટના પ્રકાશમાં આવતાં સમગ્ર પંથકમાં ભારે સસ્પેન્સ અને અરેરાટી વ્યાપી ગઈ છે.

ઘરકંકાસમાં ઉગ્ર બોલાચાલી બાદ ખૂની ખેલ ખેલાયો

સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે, શહેરમાં આવેલી 'શિવાલિક બિલ્ડિંગ'ના પ્રથમ માળે ફ્લેટ નંબર 102માં અલ્તાફભાઈ લાલાણી પોતાના પરિવાર સાથે રહે છે. ગઈકાલે સવારના સમયે કોઈ કારણોસર અલ્તાફની તેમની પત્ની શિલ્પાબેન અલ્તાફભાઈ લાલાણી સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે અલ્તાફભાઈએ ગુસ્સા પરનો કાબૂ ગુમાવી દીધો અને ઘરમાં પડેલી લોખંડની હથોડી વડે શિલ્પાબેનના માથાના ભાગે આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું.

આરોપી પતિ અલ્તાફ લાલાણી ઘટનાસ્થળેથી ફરાર

હથોડીના ઘા વાગવાના કારણે લોહીલુહાણ હાલતમાં શિલ્પાબેન ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત શિલ્પાબેનને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાના કારણે ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પત્નીના મોતની ખાતરી થતાં જ હુમલાખોર આરોપી પતિ અલ્તાફ લાલાણી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. આ મામલે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો અને આરોપી પતિને ઝડપી લેવા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.