Wed Aug 19 2026

Logo

રાજકોટ એરપોર્ટ તૈયાર છતાં વિદેશની ફ્લાઈટ કેમ નહીં? લોકસભામાં સામસામે 'ખો-ખો' ની રમત જેવું ચિત્ર

2026-08-11 08:53:00
Author: Mumbai Samachar Team
Article Image

રાજકોટઃ રાજકોટના આંગણે ઈન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર થઈ ગયું છે પણ હજુ સુધી કોઈ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઊતરી નથી. ટૂંકમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઑપરેશન શરૂ થયા નથી. રાજકોટથી ડાયરેકટ કોઈ દેશની ફ્લાઈટ હજુ સુધી ક્નેક્ટ થઈ નથી. આ મુદ્દે સરકાર જાણે સામસામે 'ખો-ખો' રમી હોય એવું ચિત્ર જોવા મળ્યું છે. આ વિષય પર જ્યારે લોકસભામાં સાંસદ પરસોત્તમ રૂપાલાએ નાગરિક ઉડ્ડયન મંત્રીને સવાલ કર્યા એ સમયે મંત્રીએ કંપનીઓને ખો આપી દીધી હતી. 

લોકસભામાં વિગત માગી
લોકસભામાં સાંસદ પરસોત્તમ રૂપાલાએ કેન્દ્રીય ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધરે સ્પષ્ટતા કરી હતી કે, કસ્ટમસને રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની મંજૂરી મળી ચૂકી છે. ઈમિગ્રેશન માટે જે પ્રક્રિયા થવાની હોય એ ચાલુ છે. ટૂંક સમયમાં આ કામ પણ પૂર્ણ થઈ જશે. જ્યારે ફ્લાઈટ શરૂ કરવાનો નિર્ણય એ કંપનીઓના હાથમાં છે. આ અંગે સરકાર કોઈ પ્રકારનો હસ્તક્ષેપ કરતી નથી. રાજકોટના સંસાદ પરસોત્તમ રૂપાલાએ આ વિષય પર લોકસભામાં સવાલો કર્યા હતા.

ઈમિગ્રેશન સર્વિસ માટે ગૃહ મંત્રાલય અને કસ્ટમને લઈને નાણામંત્રાલય પાસે વિગતો માગી હતી. આ મુદ્દા પર કેન્દ્રીય મંત્રીએ લેખિતમાં જણાવ્યું હતું કે, નાણા મંત્રાલય દ્વારા રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને કસ્ટમ નોટિફાઈડ એરપોર્ટ તરીકે જાહેર કરી દેવામાં આવ્યું છે. કસ્ટમ સુવિધાઓ ઊભી કરી દેવામાં આવી છે. ઈમિગ્રેશન ચેકપોસ્ટ તરીકે પણ નોટિફાઈ કરી દેવામાં આવ્યું છે. 

ફ્લાઈટ અંગે કંઈ ન બોલ્યા
ભારતીય એરલાઈન્સ રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ફ્લાઈટ ઑપરેશન શરૂ કરી શકે છે. ડાયરેક્ટ ફ્લાઈટ રાજકોટથી કોઈ વિદેશના સ્થળ માટે શરૂ કરવી એ જે તે એરલાઈન્સ કંપનીઓનો નિર્ણય હોય છે. ટૂંકમાં કેન્દ્રીય મંત્રીએ રાજકોટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ક્યારે ટેકઓફ કરશે એ અંગે ખાસ કોઈ સ્પષ્ટતા ન કરી.

આનાથી જાણે સરકારને પણ ખબર ન હોય એવુ ચિત્ર સામે આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી રાજકોટ-સૌરાષ્ટ્રના વેપારીઓ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થાય એની માગ કરી રહ્યા છે. આ માટે પૂરતા રીસોર્સની વાત કરીને મંત્રીએ માત્ર સર્વિસની વાત કરી દીધી પણ ફ્લાઈટનો પ્રશ્ન હાંસિયામાં જ રહ્યો હતો.