Tue Oct 06 2026

Logo

રાજકોટમાં કેટરિંગની નોકરીની લાલચ આપી સગીરાને ચાર દિવસ રૂમમાં ગોંધી રાખી ને પછી.......

2026-09-17 13:19:00
Author: Mayur Patel
રાજકોટમાં કેટરિંગની નોકરીની લાલચ આપી સગીરાને ચાર દિવસ રૂમમાં ગોંધી રાખી ને પછી.......

રાજકોટઃ શહેરમાં કેટરિંગના કામની લાલચ આપી 12 વર્ષની સગીરાને બળજબરીથી દેહવ્યાપારમાં ધકેલવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. પોલીસે આ મામલે કાર્યવાહી કરીને બે મહિલાઓની ધરપકડ કરી હતી.

શું છે સમગ્ર મામલો

રાજકોટમાં રહેતા એક  શ્રમિક પરિવારની 12 વર્ષની બાળકીને તેની પાડોશમાં રહેતી એક મહિલાએ કેટરિંગમાં કામ અપાવવાની લાલચ આપી હતી. 11 સપ્ટેમ્બરે આ મહિલા બાળકીને ગોંડલ ચોકડીથી માંડા ડુંગર વિસ્તારના એક મકાનમાં લઈ ગઈ હતી.  મકાનમાં હાજર પાડોશી મહિલા અને તેની બહેનપણીએ બાળકીને સતત ચાર દિવસ સુધી ગોંધી રાખી હતી. બંને મહિલાઓ બહારથી અલગ-અલગ પુરુષોને બોલાવીને બાળકી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બંધાવતી હતી. આરોપી મહિલાઓ પોતે મોટી રકમ રાખી લેતી અને સગીરાને માત્ર 500 રૂપિયા આપતી હતી.

14 સપ્ટેમ્બરે બાળકીની માતા મજૂરી કામ પર હતી ત્યારે અન્ય એક પાડોશીએ ફોન કરીને જાણ કરી કે તેમની દીકરી કોઈ મહિલા સાથે શંકાસ્પદ રીતે બહાર જઈ રહી છે. શોધખોળ બાદ સાંજે જ્યારે આરોપી મહિલા બાળકીને મૂકવા આવી અને રૂ. 500 હાથમાં આપ્યા, ત્યારે પરિવારે પૂછપરછ શરૂ કરી હતી.  આ સમયે આરોપી મહિલા ત્યાંથી સરકી જતાં માતા-પિતાએ બાળકીને વિશ્વાસમાં લઈને પૂછતાં તે ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી હતી અને પોતાની સાથે થયેલા અત્યાચારની વિગત જણાવી હતી.

પરિવારની ફરિયાદના આધારે આજીડેમ પોલીસે બંને આરોપી મહિલાઓ સામે પોક્સો એક્ટ તેમજ અન્ય કડક કલમો હેઠળ ગુનો નોંધીને તેમની ધરપકડ કરી હતી. તેમજ આ રેકેટ અંગે વધુ તપાસ શરૂ કરી હતી.