હાસ્ય વિનોદ - વિનોદ ભટ્ટ
એવા ઘણા લોકો છે જે ભૂતપ્રેતમાં સહેજ પણ નથી માનતા. પણ આવા લોકોય જ્યોતિષશાસ્ત્ર તેમજ જ્યોતિષીઓમાં માનતા હોય છે. સદ્ભાગ્યે જ્યોતિષીઓને પણ આ વાતની ખબર છે. એક છાપામાં જ્યોતિષીઓની અમે એવી 19 જાહેરખબરો જોઈ. આમાં એક જ્યોતિષીએ તો બબ્બે જાહેરાતો આપી છે, જેમાંની એકમાં કોઈ પણ કામની સફળતા માત્ર 21 કલાકમાં જ દેખાશે એવી સો ટકાની ગૅરંટી આપી છે, ને બીજીમાં સવા દિવસમાં કોઈપણ કામનો નિકાલ થવાની એકસો ને એક ટકા ગૅરંટી આપી છે. જોકે આ તમામ જ્યોતિષીઓ એક વાતે સંપી ગયા છે, આમાંના કોઈએ એવું નથી લખ્યું કે કામ ન થાય તો પૈસા પરત. કેટલાક દુકાનદારો પાટિયું મારતા હોય છે કે માલ બદલી આપવામાં આવશે પણ કોઈ પણ સંજોગોમાં વેચેલ માલનાં નાણાં પાછાં નહીં મળે. એ રીતે જ્યોતિષી પણ બહુ બહુ તો આપેલ સમયમર્યાદા વધારી આપી શકે. કોઈ પુરુષને બાર મહિનામાં છૂટાછેડા થવાની બાંયધરી આપી હોય ને તેમ ન થાય તો તેમાં એકાદ-બે વરસની મુદત વધારી આપે કે એક આગાહીની સામે બીજી આગાહી બદલી આપે, પરંતુ ગ્રાહકે આપેલ પૈસા તે પરત શા માટે કરે? બહુ બહુ તો પોતે કયા ગ્રહની અવળચંડાઈને લીધે ખોટો પડ્યો એનો ખુલાસો કરી શકે. આમ તો માલિકે પાળેલ કૂતરો તેના માલિકને પણ કરડતો હોય છે, જ્યારે આ ગ્રહો તે કંઈ જ્યોતિષીના પાળેલા છે તે તેનું કહેવું માનીને જ જાતકના ઘરમાં પ્રવેશી જાય યા ઘરમાંથી નીકળી જાય!
તો પણ જ્યોતિષ એ શ્રદ્ધાનો વિષય છે. પોલિટિશિયનોને જેટલી શ્રદ્ધા તેમના હાઈકમાન્ડમાં નથી હોતી તેટલી, કદાચ તેથીય વધારે શ્રદ્ધા જ્યોતિષમાં હોય છે. જે લોકોને ખુરસી નથી મળી તે લોકો તેમને ખુરસીયોગ ક્યારે થવાનો છે એ જાણવા જ્યોતિષી પાસે દોડી જાય છે ને જેમને બેસવા માટે ખુરસી મળી છે તેમને ખુરસીમાંથી કોઈ પાડી ન નાખે એ અંગેનું માર્ગદર્શન મેળવવા જ્યોતિષીને પકડે છે - ખુરસી ન છૂટે એ વાસ્તે જ્યોતિષીને પકડે છે.
એક મેગેઝિનમાં મદ્રાસના એક જ્યોતિષી ઓમ્ ઉલગનાથન અંગેની કેટલીક વિગતો છપાઈ હતી જે જાણીને પ્રભાવિત થઈ જવાયું. ઓમ્ ઉલગનાથન વડા પ્રધાન અટલબિહારી બાજપાઈ તથા ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીના ફૅમિલી એસ્ટ્રોલૉજર હોવાનો દાવો કરે છે. આ ભવિષ્યવેત્તા પોતાના વર્તમાનકાળ વિશે પણ એટલો જ જાગૃત છે. આવા કિસ્સાઓમાં મોટા ભાગે એવું બનતું હોય છે કે દાવેદાર તો ગમે તેવો દાવો કરે, પણ સામેની વ્યક્તિ એનો છેદ ઉડાડતાં કહી દે કે એને મેં ધોળો કે કાળો જોયો જ નથી, એને હું ઓળખતો જ નથી. હિ ઈસ એ ગ્રેટ ફ્રોડ વગેરે, વગેરે, વગેરે... ને આવું કશું આ એસ્ટ્રૉલોજરના કિસ્સામાં ન બને એટલે તેણે બાજપાઈ તેમ જ અડવાણી સાથેના પોતાના ફોટોગ્રાફ પણ આપ્યા છે. તેનો એવો દાવો છે કે ભારતના વડા પ્રધાન અત્યારે સારું-ખોટું જેવું રાજ્ય ચલાવે છે તેની પાછળનો દોરીસંચાર મારો છે. મારી સલાહ પ્રમાણે જ તે ચાલે છે. ક્યારે ને શું કરવું (અથવા તો શું ન કરવું) વગેરેની સલાહ-સૂચનાઓ હું જ આપું છું. ગ્રહો મને દોરે છે. હું વડા પ્રધાનને દોરું છું અને વડા પ્રધાન સમગ્ર ભારતને દોરે છે. આ ઉપરાંત ભા.જ.પ.ના લગભગ મોટા ભાગના પોતાને દિગ્ગજ માનતા નેતાઓ મારા સતત સંપર્કમાં રહે છે, કેમકે તેમને ખબર છે કે મારી પાસે ગૂઢ દૈવી શક્તિ છે ને તેમના વિશે હું જે કંઈ ભાખું છું એ પ્રમાણે જ બનતું હોય છે.
1996માં તો ખુદ અટલજીને પણ ખબર નહોતી કે તે ભારતના વડા પ્રધાન બનવાની તાકાત ધરાવે છે, પણ આ જ્યોતિષી ભાઈ ઉલગનાથને (પોતાની) છાતી તેમ જ બાજપાઈનો બરડો ઠોકીને તેમને કહી દીધું કે રાજ્જા, હવે તો તમે જ ભારતના વડા પ્રધાન બનવાના છો. આ અંગે મારે આકાશમાં દેખાતા ને નહીં દેખાતા ગ્રહો સાથે વાત થઈ ગઈ છે, એ બધા સર્વાનુમતે એવું ઇચ્છી રહ્યા છે કે અબકી બારી અટલબિહારી.... અલબત્ત એ વખતે માત્ર 13 દિવસ પૂરતી જ સત્તા ટકેલી. આવું કેમ થયું, ફક્ત 13 દિવસ જ સત્તા કેમ રહી એનો ખુલાસો પણ જ્યોતિષી પાસે છે. તે કહે છે કે ઈશુ ખ્રિસ્તની જેમ અટલજી પણ 25મી ડિસેમ્બરના દિવસે જન્મેલા. અટલજી વડા પ્રધાનની ખુરસી પર બેઠા હોય છે ત્યારે તેમના ચહેરા પર અપાર વેદના દેખાય છે, જાણે તેમને પણ શૂળીએ ચડાવી દેવાયા ન હોય! (તેમનો ચહેરો બારીકાઈથી જોજો, તમને રડમસ લાગશે.) ભગવાન ઈશુએ `લાસ્ટ સપર' - છેલ્લું ભોજન લીધું ત્યારે તેમની સાથે 13 જણા હતા, એટલે આ તેરના આંકડાએ અટલજીના જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આ કારણે પછી મારી સલાહ માનીને તે વિશ્વાસનો મત લેવા રોકાયા વગર રાજીનામા સાથે રાષ્ટ્રપતિ પાસે પહોંચી ગયેલા. તેરના આંકડાનો જ નહીં, આ જ્યોતિષી ઉલગનાથનનો પણ બાજપાઈ પર ઘેરો પ્રભાવ છે.
1997માં આ જ્યોતિષીએ બાજપાઈને કહેલું કે આ વખતે વડા પ્રધાનની ખુરસીની નજર કુંવારી વ્યક્તિ તરફ હોવાથી તમને સત્તા પર આવતા કોઈ રોકી શકવાનું નથી.
લગભગ દરેક મહત્ત્વના મુદ્દા પર સલાહ આપવાનું કામ હું જ કરું છું. અટલજીએ કેવા રંગની બંડી પર કયા શેડનો ખેસ રાખવો એ પણ હું નક્કી કરતો હોઉં છું.
કારગિલ યુદ્ધ તેમ જ વિમાન અપહરણ અંગેની ચેતવણી આ જ્યોતિષીએ સરકારને એ બન્યા પહેલાં આપી હતી. તમે (અર્થાત્ વાચક-મિત્રો) નહીં માનો. પણ ઉલગનાથનને પોતાની દિવ્યશક્તિઓને કારણે પોતે દોરેલ નકશામાં (અને કદાચ ઓમ લખેલ તિલસ્મી ગોળામાં) અપહરણ થયેલ વિમાન, અપહરણ થયું તે પહેલાં દેખાયું હતું ને આ વિમાન ઇન્ડિયન એરલાઇન્સનું છે તેની પણ જાણ થઈ ગઈ હતી. ઇન્ડિયન એરલાઇન્સનો સ્પેલિંગ પણ તેણે બરાબર વાંચ્યો હતો. જોકે એ ભવિષ્યવેત્તાની જગ્યાએ અમે હોત તો બંધ આંખેય અમે એ વિમાન ઇન્ડિયન એરલાઇન્સનું છે તે પામી ગયા હોત. એટલા માટે કે આ વિમાનનું અપહરણ કરવાનું સાવ સહેલું છે.
ઉલગનાથન કહે છે કે ગમે ત્યારે પ્લેન હાઇજેક થવાનું છે એ માહિતી તેણે ઉડ્ડયનમંત્રીને આપી હતી, પ્લેનને ઊડતું અટકાવવા જણાવ્યું હતું, પણ એ રાંકનું કહેવું તેમણે કાન પર ન ધર્યું. કહી દીધું કે આવા બધા જ્યોતિષવેડામાં હું માનતો નથી. છેવટે થવાનું થઈને જ રહ્યું. પણ આ ઇન્ડિયા છે, બાકી ચીન કે રશિયા હોત તો જ્યોતિષીની આવી બનત. આતંકવાદીઓ સાથે સાંઠગાંઠ કરી, પ્લેનઅપહરણ કરનારાઓને, હાઇજેકિગ માટેનું શુભ મુહૂર્ત કાઢી આપવાનો ગુનો કરવા બદલ તેની સામે કામ ચલાવવામાં આવ્યું હોત. જોકે એ વિમાનનું અપહરણ થયા બાદ એક પ્રધાને ઉલગનાથનને પૂછેલું કે હવે શું થશે? ત્યારે તેણે આગાહી કરી હતી કે જે એક મુસાફર મર્યો છે એથી વધારે જાનહાનિ થવાની નથી, આ વિમાન-કાંડનો અંત સુખદ આવશે. બસ, તેની આ આગાહી અપહરણકારોના કાન સુધી પહોંચી ગઈ હોય કે ગમે તે થયું હોય, પણ માત્ર ચોવીસ કલાકમાં જ બધું સમુસુતરું પાર પડી ગયું. ઘીના ઠામમાં ઘી ઠલવાઈ ગયું ને છૂટા કરાયેલા ત્રણ ખૂંખાર ત્રાસવાદીઓ હસતા હસતા હવામાં ગોળીબાર કરતા પાકિસ્તાન પહોંચી ગયા.
ભારતના ભાવિ વિશે તેને આગાહી કરવાનું કહેતાં તે સ્પષ્ટપણે જણાવે છે કે ભારતમાં જે પ્રશ્નો ઊભા થયા છે અને થાય છે તેનું એક જ કારણ છે અને તે છે પાર્લમેન્ટ હાઉસ. વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ જોતાં આ મકાન ગરબડવાળું એટલે કે અપશુકનિયાળ છે. તે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બંધાયું નથી. તેમાં સુધારા-વધારા કરવા જ જોઈએ. જો શાસકો મારું માનશે તો દેશની સાથે તે પણ સુખી થશે, બાકી તો -