અમદાવાદઃ શહેરમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. ગઈકાલે બપોરે અને સાંજે પડેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હાલ એસ જી હાઈવે, બાપુનગર, ઈન્ડિયા કોલોની, વસ્ત્રાલ, હાથીજણ, ઓઢવ, અમરાઈવાડી, વટવા, નિકોલ, નરોડા, એરપોર્ટ રોડ, ઇન્દિરા બ્રિજ, મોટેરા, ચાંદખેડા, જગતપુર, ચેનપુર, એસપી રીંગ રોડ, બોપલ, પ્રહલાદનગર, શિવરંજની ચાર રસ્તા સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાણી ન ભરાય તે માટે એક જાણીતી સોસાયટી બહાર માટીના થેલા ભરીને મૂકવા પડ્યા છે.
મળતી વિગત પ્રમાણે, પાણી ન ભરાય તે માટે શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલી શ્રીનંદનગર સોસાયટી બહાર સ્થાનિકોએ માટીના થેલા ભરીને મૂક્યા છે. દર વર્ષે થોડા વરસાદમાં આ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે. થોડા દિવસ પહેલા પડેલા વરસાદના કારણે અહીંયા બે દિવસ સુધી પાણી ઓસર્યા નહોતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદી આંકડા મુજબ, શહેરના પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ મુશળધાર વરસાદ નોંધાયો છે. જોકે, આજે સવારથી શહેરમાં વરસાદનું જોર ઘટ્યું છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નોંધાયેલા ટોપ 10 વિસ્તારોના આંકડા વિશે વાત કરીએ તો, થલતેજમાં સૌથી વધુ 4.09 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ બોપલમાં 3.90 ઇંચ, બોડકદેવમાં 3.82 ઇંચ, અસારવામાં 3.82 ઇંચ, સાયન્સ સિટીમાં 3.76 ઇંચ, ચાંદલોડિયામાં 3.72 ઇંચ, મોટેરામાં 3.64 ઇંચ, કાલુપુરમાં 3.54 ઇંચ, રાણીપમાં 3.39 ઇંચ અને દૂધેશ્વરમાં 3.37 ઇંચ વરસાદ ખાબક્યો છે.