Sat Apr 18 2026

Logo

અમદાવાદમાં T20 વર્લ્ડ કપ ફાઈનલને લઈ રેલવે દોડાવશે સ્પેશિયલ ટ્રેન, જાણો વિગત

2026-03-06 13:16:00
Author: Mayurkumar Patel
Article Image

અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મુંબઈમાં રમાયેલી ટી 20 વર્લ્ડ કપની બીજી નોકઆઉટ મેચમાં ટીમ ઈન્ડિયાનો માત્ર 7 રને રોમાંચક વિજય થયો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 વર્લ્ડ કપની ફાઈનલ રમાશે. 8 માર્ચે રમાનારી ફાઈનલ મેચ જોવા અનેક ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદ પહોંચશે. 

જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ આઈસીસી કે મોટી ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચે ત્યારે ક્રિકેટ પ્રેમીએ મેચ નિહાળવા અનેક કિલોમીટરની મુસાફરી કરતા હોય છે. આ સ્થિતિમાં ભારત અને ન્યૂઝીલેન્ડના ફાઈનલ મુકાબલાને ધ્યાનમાં રાખી વેસ્ટર્ન રેલવેએ મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે સ્પેશિયલ ભાડાની બે સુપરફાસ્ટ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. ક્રિકેટ પ્રેમીઓ સરળતાથી મુસાફરી કરી શકે તે હેતુથી ભારતીય રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન ચલાવાશે.

ટ્રેન નંબર 09027/09028 મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ એસી સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ (બે ફેરા)

ટ્રેન નંબર 09027 શનિવાર 7 માર્ચ, 2026ના રોજ મુંબઈ સેન્ટ્રલથી 11.45 કલાકે પ્રસ્થાન કરશે અને 8.30 કલાકે અમદાવાદ પહોંચાડશે.

ટ્રેન નંબર 09028 અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેન સોમવાર, 9 માર્ચ, 2026ના રોજ અમદાવાદથી સવારે 3 કલાકે ઉપડશે અને 11.45 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.

આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, ભરૂચ અને વડોદરા સ્ટેશન પર થોભશે. ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2 ટાયર અને એસી 3 ટાયર કોચ હશે.

ટ્રેન નંબર 09021/0902 મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ એસી સુપરફાસ્ટ સ્પેશિયલ (2 ફેરા)

ટ્રેન નંબર 09021 મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ સ્પેશિયલ ટ્રેન રવિવાર, 8 માર્ચ 2026ના રોજ મુંબઈ સેન્ટ્રલથી સવારે 6.20 કલાકે પ્રસ્થાન કરશે અને બપોરે 12.40 કલાકે અમદાવાદ પહોંચશે.

ટ્રેન નંબર 09022 અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ રવિવાર 8 માર્ચ 2026ના રોજ અમદાવાદથી બપોરે 3.10 કલાકે ઉપડશે અને રાત્રે 9.45 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, ભરૂચ અને વડોદરા સ્ટેશન પર થોભશે. ટ્રેનમાં વિસ્ટાડોમ,  એક્ઝિક્યુટિવ અનુભૂતિ, એક્ઝિક્યુટિવ ચેર કાર અને એસી ચેર કાર કોચ હશે.

ટ્રેન નંબર 09027-09028નું બુકિંગ આજથી શરૂ થઈ ગયું છે, જ્યારે ટ્રેન નંબર 09021-09022નું બુકિંગ આવતીકાલથી શરૂ થશે. 

ફ્લાઈટનું ભાડું વધ્યું

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાનારી વર્લ્ડ કપની ફાઈનલ મેચને પગલે હવાઈ ભાડામાં મોટો વધારો થયો છે. દિલ્હી, બેંગ્લુરુ અને મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઈટોના ભાડા સામાન્ય દિવસો કરતા બે થી ત્રણ ગણા વધી ગયા છે. ખાસ કરીને મુંબઈથી અમદાવાદનું જે ભાડું સામાન્ય રીતે રૂ. 3 હજારથી 5 હજારની વચ્ચે હોય છે, તે રવિવારે બપોર સુધીની ફ્લાઈટો માટે રૂ. 15 હજારથી રૂ. 22 હજાર સુધી પહોંચી ગયું છે. મુંબઈથી આવતી ફ્લાઈટો અત્યારથી જ હાઉસફૂલ થઈ ગઈ છે. દિલ્હી અને બેંગ્લુરુથી પણ સવારની ફ્લાઈટોનું ભાડું પણ રૂ.20 હજાર સુધી પહોંચી ગયું છે.

હોટલોના ભાડા વધવા

ભારત ફાઈનલમાં પહોંચતા જ ક્રિકેટ પ્રેમીએ અમદાવાદની વિવિધ હોટલોમાં રૂમ બુક કરાવી રહ્યા છે. જેના કારણે હોટલોના રૂમ ભાડામાં પણ વધારો થયો છે. કેટલીક હોટલોમાં તમામ રૂમ પેક થઈ ગયા છે.