ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા પંચાયતમાં અધિક મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવતા રાહુલ રસિકભાઈ પરમારે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. રાહુલ પરમાર કોડીનારના દક્ષિણામૂર્તિ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા અને તેઓ બે-ત્રણ મહિના પહેલાં જ તાલુકા પંચાયતમાં ફરજ પર જોડાયા હતા. ઘટનાની જાણ થતાં કોડીનાર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક રાહુલ સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા
આપઘાત કરનાર રાહુલ કોડીનાર તાલુકા પંચાયતમાં સેક્શન ઓફિસર તરીકે પોતાની ફરજ બજાવતા હતા. યુવાન અને જવાબદાર હોદ્દા પર ફરજ બજાવતા કર્મચારી દ્વારા આ પગલું ભરવામાં આવતા સહકર્મીઓ અને પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા છે.
ઘટનાસ્થળેથી મળી આવેલી સ્યુસાઇડ નોટ
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન મૃતક પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે, જેમાં "કોમલ" નામ તેમજ "love" શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે, અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આપઘાત પાછળનું સાચું અને સચોટ કારણ બહાર આવશે તેમ પોલીસે જણાવ્યું છે.
5 ઓગષ્ટની રાત્રે આપઘાત કર્યો
મળતી માહિતી મૂજબ મૃતક રાહુલ પરમારે 5 ઓગષ્ટની રાત્રે આપઘાત કર્યો હતો અને ત્યારથી તેના ફોન રિસીવ થવાના બંધ થઈ ગયા હતા. ત્યારબાદ 6 ઓગષ્ટે સવારથી બપોર સુધી રાહુલ પરમારના ફોનમાં આવેલા એક પણ ફોન રીસીવ થયા ન હતા. જુનાગઢમાં રહેતી તેની બહેને પણ રાહુલને ફોન કરતાં ફોન સ્વિચઓફ આવતો હતો.રાહુલની બહેને કોઈ વ્યક્તિ નો સંપર્ક કરી રાહુલના ઘરે મોકલ્યા હતા તે વ્યક્તિએ મકાનની બારીમાંથી ડોકું કરતા રાહુલની લાશ લટકતી જોવા મળી હતી. આજે 6 ઓગષ્ટે જ્યારે તેના આપઘાતની માહિતી મળી ત્યારે તેનો મૃતદેહ લટકતી અવસ્થામાં મળી આવ્યો હતો અને મૃતદેહ કાળો પડી ગયો હતો.
બહેનનો ફોન ન ઉઠાવતા ઘટનાનો થયો ખુલાસો
પ્રાથમિક માહિતી મુજબ, રાહુલ પરમાર તેમની બહેનના વારંવાર ફોન કરવા છતાં જવાબ આપી રહ્યા ન હતા. જેના કારણે બહેને આસપાસના લોકોને જાણ કરી હતી. સ્થાનિક લોકોએ મકાનની બારીમાંથી અંદર નજર કરતાં રાહુલ પરમાર ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોવા મળ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પરિવારજનો જૂનાગઢથી કોડીનાર દોડી આવ્યા હતા.
સુસાઇડ નોટમાં માફી માંગી
સુસાઇડ નોટમાં રાહુલ પરમારે માતા-પિતા અને ભાઈ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા પોતાની જિંદગી ટૂંકી કરવા બદલ માફી માંગી હોવાનું જાણવા મળ્યું છે. નોટમાં તેમણે પોતાના જીવનમાં કેટલાક એવા વ્યવહારો અને પરિસ્થિતિઓ હોવાનો ઉલ્લેખ કર્યો છે જે પરિવારને જણાવી શક્યા નહોતા. નોંધપાત્ર બાબત એ છે કે નોટમાં "આમાંથી કોઈ ગુનેગાર નથી" એવો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.