Sat Aug 29 2026

Logo

દહેરાદૂનમાં નિવૃત બ્રિગેડિયરની હત્યા બાદ રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર

2026-03-31 18:20:37
Author: Mumbai Samachar Team
દહેરાદૂનમાં નિવૃત બ્રિગેડિયરની હત્યા બાદ રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર

દહેરાદૂનઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઉત્તરાખંડની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ કર્યા છે. દહેરાદૂનના જોહડીમાં થયેલા ફાયરિંગ કેસ અંગે તેમણે પોતાની વાત સ્પષ્ટ કરી છે.  સેવાનિવૃત બ્રિગેડિયરની હત્યાને લઈને રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી છે. એક્સ પર પોસ્ટ મૂકતા તેમણે પોલીસની વ્યવસ્થા અને સુરક્ષા પર સવાલ કર્યા છે. એટલું જ નહીં સરકાર સામે પણ પ્રશ્નો કર્યા છે. 

શું પોસ્ટ કર્યું?
દહેરાદૂનમાં મોર્નિંગવૉક કરવા માટે નીકળેલા સેવાનિવૃત બ્રિગેડિયર વી.કે. જોશીની ધોળા દિવસે હત્યા કરી દેવામાં આવી છે, જે સ્પષ્ટ કરે છે કે,ઉત્તરાખંડની કાયદો વ્યવસ્થાની સિસ્ટમ સંપૂર્ણ રીતે ખતમ થઈ ચૂકી છે. બોર્ડર પર દેશની સુરક્ષા માટે હરહંમેશ તૈયાર અને જીવન સમર્પિત કરનારા વ્યક્તિ પોતાના જ શહેરમાં અસુરક્ષિત છે. સામાન્ય નાગરિકો અને અનેક એવા સમુદાય ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. ભાજપના રાજમાં માત્ર ગુનેગારો જ બેખૌફ છે.સુરક્ષિત છે. શાંતિ અને સુરક્ષાની ઓળખસમુ રાજ્ય ઉત્તરાખંડ આજે ભાજપના બેજવાબદર નેતૃત્વમાં હિંસા, હત્યા અને ભયના માહોલમાં સમેટાયું છે.

મિડલ ઈસ્ટ અંગે પણ વાત કરી
આ પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વડાપ્રધાને દેશની ઊર્જા સિસ્ટમને અમેરિકના હવાલે કરી દીધી છે. આજે ભારત પોતાની ઈચ્છા પ્રમાણે ક્રૂડ ઓઈલ ખરીદી શકતો નથી, એમને અમેરિકાની મંજૂરી લેવી પડે એમ છે. કેરળમાં યોજાયેલી એક સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી કેરળમાં કોઈ યુડીએફની સરકાર ઈચ્છતા નથી. ભાજપને રાષ્ટ્રીય સ્તરે પડકાર ફેંકી શકે અને એમની સામે રાજકીય લડાઈ લડી શકે એવી એક પાર્ટી કોંગ્રેસ છે. ભાજપ અને RSS સામે કોંગ્રેસની વૈચારિક લડાઈ છે. જ્યારે વિપક્ષના નેતાઓની સામે કેન્દ્ર સરકારની એજન્સીઓ કાર્યવાહી કરે છે ત્યાં કેરળમાં LDF નેતૃત્વ પર ખાસ કોઈ દબાણ નથી. મારી સામે કુલ 36 કેસ થયા છે 55 કલાક સુધી મારી પૂછપરછ કરવામાં આવી હતી.