Tue Oct 06 2026

Logo

સુરતમાં રેગિંગના લીધે ડોક્ટરનો આપઘાત, તુંડ મિજાજી સીનિયર ડોક્ટર શું કહેતી ?

2026-08-11 12:43:00
Author: Mayur Patel
સુરતમાં રેગિંગના લીધે ડોક્ટરનો આપઘાત, તુંડ મિજાજી સીનિયર ડોક્ટર શું કહેતી ?

સુરતઃ નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત સરકારી મેડિકલ કોલેજના બોયઝ પી.જી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડન્ટ ડોક્ટરે રેગિંગના લીધો આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી. આ મુદ્દે ડો. નિરાલી વસાવે, ડો. અનુજ મહેશ્વરી, ડો. દીક્ષિતા ઘેવરિયા તથા ડો. હિના ભુતને 6 મહિના માટે સસ્પેન્ડ કરાયા હતા. આ તમામ સીનિયર ડોક્ટર હતા. જે પૈકી ડો. દીક્ષિતા ઘેવરીયા તુંડ મિજાજી હોવાનું સામે આવ્યું છે.

તુંડ મિજાજી સીનિયર ડોક્ટર શું કહેતી ?

તુંડ મિજાજી ડો. દીક્ષિતા અને અન્ય સીનિયર ડોક્ટરો 10 જુનિયરનું રેગિંગ કરતા હતા. તેઓ અમે તમારા બોસ છીએ, તમે અમારા નોકર છો, મેડમ બોલાવે એટલે ગમે તે કામ છોડીને તરત જ આવવું પડશે, પહેલા જ દિવસે બધું કામ કેમ નથી આવડતું તેમ કહેતા હતા. ઉપરાંત કલાકો સુધી ઊભા રાખીને શાબ્દિક ટોર્ચર કરતા હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સીનિયર ડોક્ટરના ત્રાસના કારણે જૂનિયરોએ વિભાગના વડાને રજૂઆત કરી હતી. જોકે તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. જેથી તમામ જૂનિયર ડોકટરો ભેગા થઈને ડીનને ફરિયાદ કરવા જવાના હતા પરંતુ તે પહેલાં જ ડોક્ટર હર્ષે આપઘાત કરી લીધો હતો. જેથી ડીન સુધી વાત પહોંચી નહોતી.

શું છે સમગ્ર મામલો

સુરતની નવી સિવિલ હોસ્પિટલના બોયઝ પી.જી. હોસ્ટેલના રૂમ નંબર 1005માં રહેતા આશાસ્પદ 30 વર્ષીય રેસિડેન્ટ તબીબે રૂમમા પંખા પર દોરી બાંધીને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઘટનાના પગલે નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.મૂળ અરવલ્લીના મોડાસાના વતની ડોક્ટર હર્ષ પંડ્યા સુરત નવી સિવિલ હોસ્પિટલના બોય્ઝ પીજી હોસ્ટેલના રૂમ નંબર 1005માં રહેતો હતો. નવી સિવિલ હોસ્પિટલના માઈક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો અને રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતો હતો. તે ફરજ પર હાજર ન થતાં સિનિયર ડોક્ટરે તેને ફોન કર્યો હતો. ફોન બંધ આવતા સિનિયર ડોક્ટરે હોસ્ટેલમાં રહેતા અન્ય રેસિડેન્ટ ડોક્ટરને તેના રૂમ પર જઈ તપાસ કરવા કહ્યું હતું.

ડોક્ટર ત્યાં પહોંચતા રૂમ અંદરથી બંધ હતો. ફોન કરવા છતાં ફોન રિસીવ ન કરવામાં આવતાં ડોક્ટરે સિક્યુરિટી ગાર્ડને બોલાવ્યો હતો. સિક્યુરીટી ગાર્ડએ બુમો પાડી હતી પણ કોઈ જવાબ આવ્યો નહોતો, જેથી રૂમનો દરવાજો સિક્યુરીટી ગાર્ડએ તોડી નાખ્યો હતો.ત્યારે પંખા પર દોરી બાંધીને ગળે ફાંસો ખાઈ લઈને લટકેલી ડોક્ટર હર્ષ પંડયાની લાશ મળી આવી હતી.

સુરત સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતની ઘટના

* વર્ષ 2018માં ડો.ધવલ દિનેશભાઈ ચૌહાણ
* વર્ષ2024 ડો.લોકેશ આ વિદ્યાર્થી મૈસુરનો વતની હતો
* વર્ષે 2023માં પણ એક સર્જરીમાં અભ્યાસ કરતા તબીબ વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો
* વર્ષ 2026માં ડો.હર્ષ પંડયા નામના વિદ્યાર્થીએ આપઘાત કર્યો

ગુજરાતમાં રેગિંગની ફરિયાદ છેલ્લા ચાર વર્ષમાં દોઢગણી વધીઃ કોંગ્રેસ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રવક્તા ડૉ પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં રેગિંગના લીધે મેડિકલ કોલેજના વિધાર્થીની આત્મહત્યાની કરુણ ઘટના ખૂબ દુઃખદ છે.

રેગિંગની સેંકડો ફરિયાદ હોવા છતાં વિદ્યાર્થીઓનું રેગિંગ અટકાવવામાં શૈક્ષણિક સંસ્થાઓ નિષ્ફળ છે. ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૧૨થી ૨૦૨૨ દરમિયાન યુજીસીની વેબસાઇટ મુજબ ૧૦૫ રેગિંગની ફરિયાદ થઈ હતી. જ્યારે વર્ષ ૨૦૨૨થી ૨૦૨૬ સુધીમાં ફરિયાદ દોઢ ગણી કરતા વધારે થઈ ગઈ છે. યુજીસીની વેબસાઇટ મુજબ છેલ્લા ૪ વર્ષમાં ૮૬ ફરિયાદ થઈ છે.  પાટણની ધારપુર કોલેજના વિદ્યાર્થીનો રેગિંગના પાપે જીવ ગુમાવવો પડ્યો હતો. છેલ્લા ચાર વર્ષમાં ૨૩ રેગિંગની ફરિયાદ ગુજરાતની મેડિકલ કોલેજમાં નોંધાઈ છે. ગુજરાતની કુલ રેગિંગની ફરિયાદ પૈકી ૨૬% થી વધુ ફરિયાદ માત્ર મેડિકલ કોલેજમાં મળી આવી છે. છેલ્લા ચાર વર્ષમાં સમગ્ર દેશમાં ૫૧૧૩ રેગિંગની ફરિયાદ નોંધાઇ હોવાનું તેમણે જણાવ્યું હતું. 

સ્ટેટ ઓફ રેગિંગ ઇન ઇન્ડિયા ૨૦૨૨- ૨૦૨૪ રિપોર્ટમાં ચોંકાવનારો મૃત્યુ આંક સામે આવ્યો છે. રેગિંગ સંબંધિત કિસ્સાઓમાં દેશમાં ૫૧ વિધાર્થીઓના મોત થયા છે, તે પૈકી ૨૩ મૃત્યુ મેડિકલ કોલેજના વિધાર્થીઓના હતા, તેમ તેમણે ઉમેર્યું હતું. ગુજરાતમાં વર્ષ ૨૦૨૬માં બી.જે મેડિકલ કોલેજમાં ૨ રેગિંગના કેસ, ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર માં ૧ કેસ, જીએમઈઆરએસ હિંમતનગર, ગાંધીનગરમાં એક-એક કેસ , ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ જામનગર, ડેન્ટલ કોલેજ વિસનગરમાં એક-એક ફરિયાદના કેસ બન્યા છે.