Sun Jul 26 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ રાજનની ફેડ રિઝર્વમાં નિમણૂક: ઘર કી મુર્ગી દાલ બરાબર

2026-07-17 07:57:07
Author: Bharat Bharadwaj
Article Image

ભરત ભારદ્વાજ

અમેરિકાની રિઝર્વ બૅંક એટલે કે  ફેડરલ રિઝર્વના ચેરમેન કેવિન વોર્શે  પાંચ ટાસ્ક ફોર્સની રચના કરી છે. તેમાંથી એક ટાસ્ક ફોર્સના વડા તરીકે રઘુરામ રાજનની નિમણૂક કરી છે. આમ તો કેવિન વોર્શે રચેલી પાંચ ટાસ્ક ફોર્સમાં કેટલા મૂળ ભારતીયો છે પણ રાજનની નિમણૂક એટલા માટે મહત્ત્વ ની કહેવાય કે, રાજન એક સમયે રિઝર્વ બૅંક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર હતા. કૉંગ્રેસની ડૉ. મનમોહનસિંહની સરકાર વખતે રિઝર્વ બૅંકના ગવર્નર નિમાયેલા રાજનને 2016માં નરેન્દ્ર મોદી સરકારે બીજી ટર્મ નહોતી આપી. મોદી સરકારે રાજનના જ્ઞાનનો બીજી કોઈ રીતે લાભ પણ નહોતો લીધો ને તેમને વિદાય જ કરી દીધેલા. 

રાજન મૂળ તો અમેરિકામાં અર્થશાસ્ત્રના પ્રોફેસર હતા તેથી રિઝર્વ બૅંકનું ગવર્નરપદ જતું રહ્યું કે બીજો કોઈ સરકારી હોદ્દો ના મળ્યો તેનો વસવસો કરવાના બદલે પાછા છોકરાંને ભણાવવા માટે અમેરિકા જતા રહેલા. રાજન પહેલાં યુનિવર્સિટી ઓફ શિકાગોમાં ભણાવતા હતા ને પાછા ત્યાં જ જતા રહેલા. રાજન અત્યારે પણ યુનિવર્સિટી ઓફ શિકાગોની બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાં ફાયનાન્સના પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે ને ભારત સાથે બહુ નાતો રહ્યો નથી પણ રાજન સમયાંતરે ભારતીય અર્થતંત્રની હાલત વિશે લેખો લખ્યા કરે છે, પ્રવચનો પણ આપે છે. 

મીડિયા ક્યારેક ક્યારેક રાજનના લેખ કે પ્રવચનની અછડતી નોંધ લઈ લે છે પણ ભારત સરકાર રાજનનું અસ્તિત્વ જ ના હોય એ રીતે વર્તીને તેમની સદંતર ઉપેક્ષા કરે છે પણ અમેરિકાએ એવું ના કર્યું. અમેરિકાએ રાજનના જ્ઞાનનો લાભ લેવા માટે તેમને ફેડરલ રિઝર્વમાં ‘બેલેન્સ શીટ પૉલિસી’ ટાસ્ક ફોર્સમાં બેસાડી દીધા.  કેવિને વોર્શે રચેલી ટાસ્ક ફોર્સીસ બૅંકની નાણાકીય નીતિ એટલે કે મોનેટરી પૉલિસી સારી છે કે નહીં ને સરખી રીતે કામ કરે છે તે નહીં તેના પર નજર રાખવાની છે. 

રાજન જે ટાસ્ક ફોર્સમાં છે એ  ટાસ્ક ફોર્સમાં હાર્વર્ડના પ્રોફેસર જેરેમી સ્ટેઈન, વોલમાર્ટના પૂર્વ પ્રમુખ અને સીઈઓ ડગ મેકમિલોન અને યુનિવર્સિટી ઓફ શિકાગોના પ્રોફેસર કેવિન મર્ફી જેવાં બીજાં જાણીતાં નામ પણ છે. આ ટાસ્ક ફોર્સ ફેડરલ રિઝર્વની બેલેન્સ શીટ સિસ્ટમના ફાયદા અને નુકસાનનો અભ્યાસ કરશે. બેલેન્સ શીટ પાછળ દર વરસે કરોડોનું આંધણ થાય છે એ યોગ્ય છેે કે નહીં તેનો પણ ટાસ્ક ફોર્સ અભ્યાસ કરશે. તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા કે ફેરફારો પણ સૂચવશે. 

કેવિન વોર્શે નિમેલી ટાસ્ક ફોર્સમાં નિમાયેલા બીજા બે ભારતીયોમાં રાજ ચેટ્ટી  લિક્વિડિટી ડિપેન્ડન્સ એટલે કે રોકડ પરની વધારે પડતી નિર્ભરતાનો અભ્યાસ કરશે જ્યારે આશા શર્મા પ્રોડક્ટિવિટી અને એમ્પ્લોયમેન્ટ (ઉત્પાદકતા અને રોજગાર) ટાસ્ક ફોર્સમાં છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં પબ્લિક ઇકોનોમિક્સના પ્રોફેસર રાજ ચેટ્ટીને હાર્વર્ડમાં જ ‘ઓપોર્ચ્યુનિટી ઇનસાઇટ્સ’ના ડાયરેક્ટર પણ છે. આ સંસ્થા અભાવો વચ્ચે ઉછરેલાં બાળકોને સફળતાની સારી તકો મળે તે માટેના રસ્તા સૂચવે છે. આશા શર્મા માઇક્રોસોફ્ટના ગેમિંગ યુનિટમાં ચીફ એક્ઝિક્યુટિવ છે. 

આશા શર્મા  તો યુએસમાં જન્મેલાં છે અને યુએસમાં જ ઉછર્યાં અને ભણેલાં છે. રાજ ચેટ્ટી 11 વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર અમેરિકા જતો રહેલો તેથી તેમને પણ ભારત સાથે ઝાઝી લેવાદેવા નથી પણ રઘુરામ રાજન તો હજુ એક દાયકા પહેલાં લગી ભારત સાથે જોડાયેલા હતા અને આ દેશની બૅંન્કિંગ સિસ્ટમમાં સૌથી મોટા હોદ્દા પર હતા. રિઝર્વ બેંકના ગવર્નર બન્યા એ પહેલાં રાજને ભારત સરકારના આર્થિક સલાહકાર તરીકે પણ કામ કરેલું તેથી ભારતીય અર્થતંત્ર સાથે તેમણે લાંબા સમય સુધી પનારો પાડ્યો છે.
 
રાજન નખશિખ ભારતીય છે કેમ કે ભારતમાં જ ભણ્યા છે અને મોટા ભાગનો સમય ભારતમાં જ રહ્યા છે. રાજનના પિતા આર. ગોવિંદરાજન ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં હતા અને રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ (રો)માં કામ કરતા તેથી બાળપણમાં રાજન થોડો સમય બીજા દેશોમાં રહ્યા પણ પછી દિલ્લીમાં જ ભણ્યા. આઈઆઈટી અને આઈઆઈએમ બબ્બે પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ભણી ચૂકેલા રાજને મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી ડૉક્ટરેટ કર્યું છે પણ એ ભારતીય અર્થતંત્રને વધારે સારી રીતે સમજે છે કેમ કે તેમનાં મૂળિયાં ભારતમાં જ છે. 

કોઈને લાગશે કે એક માણસ માટે આટલું લાંબું લપસિંદર શાને વાસ્તે પણ આ વાત એક વ્યક્તિની નથી. રાજનને અત્યારે નિમણૂક મળી તેથી તેમની વાત છેડી એટલે રાજન તો એક પ્રતીક છે. મૂળ મુદ્દો ભારતના બ્રેઈન ડ્રેઈનનો છે ને સવાલ એ છે કે, રાજન જેવા અનુભવી ને નિવડેલા સમર્થ અર્થશાસ્ત્રીનો લાભ આપણે કેમ નથી લઈ શકતા? આપણે ત્યાં ઘર કી મુર્ગી દાલ બરાબર છે. 

રાજન તો એક ઉદાહરણ જ છે પણ આ સ્થિતિ બધાં ક્ષેત્રોમાં છે. ભારતમાંથી સારી ટેલેન્ટ બહાર ભાગી જાય છે કેમ કે નીચલા સ્તરથી માંડીને ઉચ્ચ સ્તર સુધી બધે ટેલેન્ટની નહીં પણ ચાપલૂસી. અનામત, ધર્મ, જ્ઞાતિવાદ વગેરેની કદર છે. અમેરિકા સહિતના દેશોમાં ભારતમાંથી ગયેલા લોકો સાયન્સ ને ટેકનોલોજીના ક્ષેત્રોમાં ડંકા વગાડે છે, મોટી મોટી કંપનીઓના સર્વેસર્વા બનીને માત્ર કંપનીઓની કમાણી જ નથી વધારતા પણ જંગી પ્રમાણમાં નવી નવી રોજગારીઓ પણ પેદા કરે છે પણ તેમની ક્ષમતાનો આપણને લાભ નથી મળતો. 

તેનું કારણ એ કે, ભારતમાં નેતાઓ અને તેમના ચાપલૂસ અધિકારીઓએ તંત્ર પર એ હદે ભરડો લીધેલો છે કે સાચી ટેલેન્ટની કદર જ નથી થતી. આપણે ત્યાં વ્યક્તિનું મૂલ્ય તેના જ્ઞાન કે દેશ માટે તેની ઉપયોગિતાના આધારે નક્કી નથી થતું પણ સત્તામાં બેઠેલા લોકોની કેટલી ચાપલૂસી કરી શકે છે તેના આધારે થાય છે ને હોદ્દા પણ તેના આધારે મળે છે. એટલે જ તો આ દેશમાં રિઝર્વ બેંકમાં સર્વોચ્ચ એવા ગવર્નરના હોદ્દા પર અર્થશાસ્ત્રીના બદલે આઈએએસ ઓફિસર બેસે છે. 

રાજનની નિમણૂકે અમેરિકા કેમ મહાન છે એ પણ ફરી લોકોને બતાવી દીધું. અમેરિકામાં મૂળ નિવાસી લોકો તો હજુય જંગલોમાં રહે છે ને આદિવાસી તરીકે જ જીવે છે જ્યારે બહારથી આવેલા લોકો દેશ ચલાવે છે. આ લોકોએ અમેરિકાને સમૃદ્ધ જ નહીં પણ સર્વોપરિ બનાવ્યું છે. બહારથી આવેલાં આ લોકોને કારણે આખી દુનિયાની ટેલેન્ટને આવકારવાનું ને અમેરિકાના ફાયદા માટે તેમનો ઉપયોગ કરવાની પરંપરા જ સ્થાપિત થઈ ગઈ. 

અમેરિકા હજુય આ પરંપરા નિભાવે છે ને એટલે જ રાજન જેવા બીજા દેશની રિઝર્વ બૅંકના ગવર્નર રહી ચૂકેલા માણસને પોતાના અર્થતંત્રમાં સુધારો કરવા માટેની ટાસ્ક ફોર્સમાં નિમે છે. આપણે ત્યાં એ જ રાજન પર ભાજપના સુબ્રમણ્યમ સ્વામીએ બીજા દેશના જાસૂસ હોવાનો આક્ષેપ મૂકેલો. 

ભારતે વિકાસ કરવો હોય તો અમેરિકા જેવા બનવું પડે પણ જે દેશ પોતાની ટેલેન્ટની કદર નથી કરી શકતી એ બહારનાં લોકોને તો ખુલ્લા દિલે ક્યાંથી આવકારી શકે?