Thu Jun 18 2026

Logo

૪૯૫ કિલો હેરોઈન કેસ: ૭ વર્ષથી જેલમાં બંધ રફીક સુમરાના હાઈ કોર્ટે જામીન મંજૂર કર્યા

2026-03-21 12:34:00
Author: Mumbaisamachar Team
Article Image

સામરા ઉર્ફે મોહન પતરામલ ગઢવી


 

ભુજ: ગુજરાતના દરિયાઈ માર્ગે ફેલાયેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટના સૌથી મોટા અને ચકચારી કેસમાં ગુજરાત હાઈ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. વર્ષ ૨૦૧૮માં માંડવીના સલાયા બંદરેથી ઝડપાયેલા ૪૯૫ કિલો હેરોઈનના કેસમાં મુખ્ય આરોપી પૈકીના એક, રફીક સુમરાને અદાલતે સાત વર્ષના જેલવાસ બાદ જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા ચાલી રહેલી તપાસ અને ટ્રાયલમાં થઈ રહેલા વિલંબને ધ્યાને રાખીને નામદાર કોર્ટે આ રાહત આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, વર્ષ ૨૦૧૮માં ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા એક ઓપરેશન હાથ ધરીને માંડવીના સલાયા બંદરેથી ૪૯૫ કિલો હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તપાસમાં ખુલાસો થયો હતો કે આ ડ્રગ્સ પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે કચ્છ લાવવામાં આવ્યું હતું. દુબઈમાં બેઠેલા અર્શદ રઝાકના ઈશારે આ નેટવર્ક ચાલતું હતું, જેમાં રફીક સુમરાના ગોડાઉનનો ઉપયોગ માદક પદાર્થોને છુપાવવા માટે કરવામાં આવ્યો હતો. અહીંથી આ જથ્થો ઊંઝા એપીએમસી થઈને પંજાબના અમૃતસર સુધી મોકલવામાં આવતો હતો,જ્યાં સીમરનજીત સંધુ તેનું હેન્ડલિંગ કરતો હતો. આ સમગ્ર નેટવર્ક માટે આંગડિયા પેઢીઓ દ્વારા કરોડો રૂપિયાની હેરાફેરી થતી હતી.

રફીક સુમરા તરફથી હાઈ કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, આરોપી ઓગસ્ટ ૨૦૧૮થી એટલે કે છેલ્લા સાત વર્ષથી સતત જેલમાં છે.કેસની ટ્રાયલ અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે. અત્યાર સુધીમાં માત્ર ૪૬ સાક્ષીઓની તપાસ થઈ છે, જ્યારે હજુ ૧૩૪ સાક્ષીઓની જુબાની લેવાની બાકી છે.ટ્રાયલ નજીકના ભવિષ્યમાં પૂર્ણ થવાની કોઈ શક્યતા દેખાતી નથી.લાંબા સમય સુધી ટ્રાયલ વગર જેલમાં રાખવો એ બંધારણીય અધિકારોનું હનન છે.

બીજી તરફ, સરકારી વકીલ અને NIA એ જામીનનો સખત વિરોધ કરતા જણાવ્યું હતું કે આ કેસ રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલો છે. આરોપી પાસેથી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થો મળી આવ્યા હતા અને તેના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાથી તેને જામીન આપવા જોઈએ નહીં.

હાઈ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નોંધ્યું કે, ગુનાની ગંભીરતા હોવા છતાં, ટ્રાયલમાં થઈ રહેલો લાંબો વિલંબ અને સાત વર્ષનો જેલવાસ જામીન માટે પૂરતો આધાર બને છે. પરિણામે, કાયદાકીય જોગવાઈઓ હેઠળ આરોપીની જામીન અરજી ગ્રાહ્ય રાખવામાં આવી હતી. 

(ઉત્સવ વૈદ્ય)