જ્યોત્સના તન્ના
(ગતાંકથી ચાલુ)
શ્રીકૃષ્ણની સંગિની રાધાનું સ્થાન શ્રીકૃષ્ણના જીવનમાં આટલું મહત્ત્વનું હોય તો પછી એ નવાઈની વાત નથી કે રાધાનું મહત્ત્વ સ્થાપતા સંપ્રદાયનો ઉદય થાય. એ છે રાધાવલ્લભ સંપ્રદાય. તેના સ્થાપક વૃંદાવનમાં રહેતા હરિવંશ કે હિતહરિવંશ, શ્રીકૃષ્ણની મુરલીના અવતાર મનાય છે.
તેમણે કહ્યું - શ્રી વૃંદાવનનાથ-પટ્ટમહિષી રાધૈવ સેવ્યા મમ, શ્રી વૃંદાવનનાથ શ્રીકૃષ્ણની પટરાણી રાધાની જ હું સેવા કરીશ. અહીં રાધા જ સંપ્રદાયની સ્થાપક, આચાર્ય, મંત્રદાયી, સદ્ગુરુ અને પરમ આરાધ્ય છે. જ્યાં રાધા અને કૃષ્ણમાં કોઈ જુદાઈ નથી. રાધા મધુર ઉજ્જવળ પ્રેમની પ્રાણસ્વરૂપા, શૃંગારલીલાની ચરમ અવધિ. પરા અને સ્વતંત્ર શક્તિ છે, જે શ્રીકૃષ્ણની પણ આરાધ્યા છે. ધ્રુવદાસ ગાઈ ઊઠ્યા.
‘શ્યામ સંગ શ્યામા રંગી, શ્યામા કે સંગ શ્યામ
એક પ્રાણ તન મન સહજ કહિબો કૌં દોઉ નામ.’
સારસ ચક્વીને ટોણો મારે છે કે આખી રાત પોતાના પ્રિયતમથી વિખૂટી પડીને તે હજી જીવી રહી છે. તે કેવો પ્રેમ? ચક્વીએ જવાબ આપ્યો કે પ્રેમની પીડા સારસ ન જાણે. વિયોગની વેદના વેઠીને પ્રેમ કરવાનો હોય છે. હિતહરિવંશનું આ ઉદાહરણ પ્રેમની સાચી સમજણ આપે છે. પ્રેમવિરહ, મિલનમાં પણ પ્રેમનું ભાન. અહીં રાધાકૃષ્ણના નિત્ય મિલનમાં વિયોગ તો નથી. પ્રેમની ક્ષીણતા પણ નથી.
રાધા માટે એક નામ પ્રસિદ્ધ છે, કિશોરી. તો કૃષ્ણ માટે પણ એવું જ નામ છે (નંદ) કિશોર. બંગાળમાં તો ‘કિશોરી ભજા’ નામનો વૈષ્ણવ સંપ્રદાયનો એક ફાંટો છે. ત્યાંના બાઉલ ગીતોમાં ‘કિશોરી’ની મનોસ્થિતિનું વર્ણન કાયમ થતું હોય છે. ચંડીદાસ કહે છે.
‘ઉઠિતે કિશોરી, બસિતે કિશોરી, કિશોરી ગલાર હાર,
કિશોરી ભજન, કિશોરી પૂજન, કિશોરી ચરણસાર.’ ઋગ્વેદમાં વિષ્ણુ માટે એક શબ્દ છે - નવીયસ્, એટલે ચિર નવીન કે નૂતન ‘ચિર નવીન એટલે યુવાન. ‘વંદે મદનગોપાલં કૈશોરાકારમદ્ભૂતં (પદ્મપુરાણ) રૂપગોસ્વામીના મત પ્રમાણે ભગવાન પ્રાય: કિશોર અવસ્થામાં ભક્તોને દર્શન દે છે.
વૃંદાવનમાં રાધા અધીશ્વરી છે. તેની સાથે તેની અનેકાનેક સખીઓ અને દાસીઓ સેવામાં રત હોય છે. સાધકના જીવનનો ઉદ્દેશ્ય પણ સખી કે દાસીભાવે રાધાના ચરણોની સેવા કરવાનો હોય છે. સખીઓ તો હોય જ સખીઓ. અને તેમને દાસીઓને ‘મંજરી’ કહેવાય અને તેમના જીવનની કૃતાર્થતા જુગલજોડી રાધાકૃષ્ણની સેવામાં જ છે. આ રીતે ભક્તે વૃંદાવનમાં સ્ત્રીભાવે સ્ત્રીરૂપે જવાનું હોય છે. એક સંપ્રદાય છે, સખીસંપ્રદાય. તેના સ્થાપક તાનસેનના ગુરુ હરિદાસ કહેવાય છે.
સખીરૂપે આરાધના કરી રાધાકૃષ્ણનો પ્રેમ સંપાદન કરવાનો હોય છે. તેમણે પોતાના ગ્રંથ ‘કેલિમાલા’માં રાધાકૃષ્ણની કેલિ અને એકતારૂપનું વર્ણન કર્યું છે. બીજી એક કથા પ્રમાણે ત્રિપુરાદેવીની કૃપાથી અનુષ્ઠાન, પૂજા, સ્નાન વગેરે કરીને અર્જુન પણ અર્જુની રૂપે દૈવી વૃંદાવનમાં પહોંચ્યો હતો. નારદમુનિ સ્વયં એ જ રીતે દૈવી રહસ્યમય વૃંદાવનમાં રાધા સમીપ જઈને શ્રીકૃષ્ણ સાથે રમ્યા હતા.
ગર્ગસંહિતાના ઉલ્લેખ પ્રમાણે રાસમંડળમાં આવતા ભગવાન શંકર અને આસુરિ મુનિને ગોપીઓએ રોક્યા હતા. રાસમંડળ વૃંદાવનમાં પુરુષ ફક્ત શ્રીકૃષ્ણ જ. તેથી તેઓ માનસ-સરોવરમાં ડૂબકી મારી પછી ગોપીરૂપે ક્રીડામાં જોડાયા હતા. અહીં મીરાંબાઈના જીવનની એક વાત યાદ આવે. પોતાને સ્ત્રી હોવાથી મળવાનો ઈનકાર કરતા જીવ ગોસ્વામીને મીરાંબાઈએ કહેવડાવ્યું હતું કે વૃંદાવનમાં તો શ્રીકૃષ્ણ સિવાય કોઈ પુરુષ છે જ નહીં!
જયદેવે લખ્યું કે જેમ ચંદ્રને જોઈ સાગરના તરંગો ઊંચા ઊછળે તેમ કૃષ્ણ રાધાનું મુખ જોઈને બહુ ભાવવિભોર થયા. તેણે રાધાના મુખનું વર્ણન કર્યું છે. સાથે કુસુમાયુધ કામદેવનાં પાંચ બાણનો હવાલો આપી દીધો. શ્રીકૃષ્ણના શબ્દોમાં કહેવાયું, હોઠ બંધૂક ફૂલ જેવા. કપાળ મધૂક (મહુઆ)ના ફૂલ જેવું. આંખો તો નીલકમળની સુંદરતાને પણ પાછળ મૂકી દે. નાક તલના ફૂલ જેવું અને દાંત કુંદફૂલ જેવા. પ્રીતમદાસે ‘રૂપરાશી શી રાધિકા, પ્રેમસાગર પ્યારી’ની સુંદરતા વર્ણવી છે.
‘સુંદરતા પર સુંદરી : નાખે સરવસ વારી,
પ્યારી તણું મુખ જોઈને : ગાયો ઈંદુ આકાશે,
નેન તણી છબિ નિરખાનાં : નાવ્યાં ખંજન પાસે,
કંઠને જોતાં કોકિલા : વસ્યાં જૈને રે વનમાં;
પંકજ પેઠાં પંકમાં : લજવાયાં રે મનમાં.
ચરણ તણી છબિ જોઈને : કેળ કંપવા લાગે,
જાત રૂપ તન જોઈને: જઈ બાળિયું રે આગે.
શ્રીરાધાના રૂપથી : રવિ ઝાંખો પડિયો;
કટિને જોઈએ કેસરી : રાતમાં રડવડિયો.
ચાલ જોતાં ચતુરાતણી : ગજ જંગલ સેવે;
કુણ કવિ સંસારમાં : કશી ઉપમા દેવે.’
શ્રીકૃષ્ણ તો સાક્ષાત્ મન્મથમન્મથ, કામદેવથી પણ સુંદર. સુરદાસ ગોપીઓના માધ્યમથી કહે છે, ‘દેખો ભાઈ સુંદરતા કો સાગર, દેખિ સુરૂપ સકલ ગોપીજન.’ તો વળી રાધા પણ એટલી જ સુંદર છે. ‘વિરાજતિ રાધા રૂપનિધાન’. અને પછી યુગલની સુંદરતાની વાત કહે છે, ઝૂલત શ્યામ-શ્યામા સંગ. ‘નિરખિ દંપતી અંગ-સોભા, લજત કોટિ અનંગ.’
‘શ્યામ સમીપે’ પુસ્તકમાંથી સાભાર.
પ્રકાશક: એન.એમ. ઠક્કરની કંપની (ક્રમશ:)