હાલ હિન્દુ ધર્મમાં જેનું ખૂબ જ માહાત્મ્ય રહેલું છે તેવો પુરુષોત્તમ માસ કે જેને અધિક માસ પણ કહેવામાં આવે છે, તે જેઠ અધિક માસ ચાલી રહ્યો છે. હિંદુ ધર્મમાં પુરુષોત્તમ માસ ને ભક્તિ, તપ અને આરાધના માટે સર્વોત્તમ માનવામાં આવ્યો છે. આ મહિનાના અધિપતિ સ્વામી સ્વયં ભગવાન વિષ્ણુ એટલે કે શ્રીહરિ છે, તેથી જ આ મહિનાને 'પુરુષોત્તમ' નામ મળ્યું છે. શ્રીહરિને સમર્પિત આ માસમાં ‘વિષ્ણુ સહસ્ત્રનામ’નો પાઠ કરવો એ તો અતિશય પુણ્ય આપનારો અને તમામ કષ્ટોનો નાશ કરનારો માનવામાં આવે છે.
‘વિષ્ણુ સહસ્ત્રનામ’ના પાઠનું માહાત્મ્ય શું છે?
પદ્મપુરાણમાં વર્ણવેલી આ પ્રાચીન કથા અનુસાર, એકવાર દેવર્ષિ નારદજી પાપોના નાશ અને મુક્તિનો સરળ ઉપાય જાણવા મેરુ પર્વત પર બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ તેમને જણાવ્યું કે ભગવાન વિષ્ણુના નામોનું સ્મરણ જ કલિયુગમાં સર્વશ્રેષ્ઠ પ્રાયશ્ચિત અને મુક્તિનો માર્ગ છે, પરંતુ ભગવાનના હજાર નામોનું સંપૂર્ણ જ્ઞાન મેળવવા માટે તેમણે નારદજીને ભગવાન શિવ પાસે મોકલ્યા. નારદજી કૈલાશ પર્વત પર ગયા અને મહાદેવને વિષ્ણુ સહસ્ત્રનામનો ઉપદેશ આપવા વિનંતી કરી. ભગવાન શિવે જણાવ્યું કે આ સ્તોત્ર પરમ ગોપનીય અને પવિત્ર છે, જે તેમણે અગાઉ માતા પાર્વતીને સંભળાવ્યું હતું. ત્યારબાદ શિવજીએ નારદજીને આ પરમ કલ્યાણકારી વિદ્યાનો ઉપદેશ આપ્યો, જેને પાછળથી નારદજીએ નૈમિષારણ્યના ઋષિઓ સમક્ષ પ્રગટ કર્યો હતો.

આ કથામાં ભગવાન શિવે માતા પાર્વતીને વિષ્ણુ સહસ્ત્રનામનો મહિમા સમજાવતા કહ્યું છે કે કરોડો યજ્ઞો, તીર્થ સ્નાન કે ઉગ્ર તપ કરવા છતાં પણ જે ગતિ નથી મળતી, તે માત્ર ભગવાન વિષ્ણુના શરણાગત થઈ આ સ્તોત્રના પાઠ કરવાથી સહજ પ્રાપ્ત થાય છે. તેના પાઠથી ભય, રોગ, દરિદ્રતા અને પાપોનો નાશ થાય છે તેમજ ધન, ધાન્ય, આયુષ્ય અને યશની વૃદ્ધિ થાય છે. કથાના અંતે, જ્યારે માતા પાર્વતીએ આખો પાઠ ન કરી શકે તેના બદલે કોઈ એક સરળ ઉપાય પૂછ્યો, ત્યારે મહાદેવે ગુહ્ય રહસ્ય ખોલતા કહ્યું કે, "રામ" નામના માત્ર એક જપથી જ સંપૂર્ણ વિષ્ણુ સહસ્ત્રનામનું ફળ મળી જાય છે, કારણ કે રામ નામ વિષ્ણુના હજાર નામો સમાન છે.
કર્મનું શુદ્ધિકરણ થાય
વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી વ્યક્તિના પાપોનો નાશ થાય છે. નિયમિત પાઠ કરવાથી વિચારો અને કાર્યો બંને શુદ્ધ થાય છે.
સકારાત્મક ઉર્જાનો સંચાર
વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ માનસિક તાણ અને નકારાત્મકતાથી રાહત આપે છે. તેને ઘરની અંદર કરવાથી વાતાવરણમાં શાંતિ અને સકારાત્મક ઉર્જા આવે છે.
સ્વાસ્થ્ય અને દીર્ધાયુષ્ય
શાસ્ત્રોના મતાનુસાર, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી સ્વાસ્થ્ય લાભ અને આયુષ્ય મળે છે. તે શારીરિક અને માનસિક બીમારીઓથી રાહત મેળવવામાં મદદ કરે છે.
ધન અને સમૃદ્ધિનું આગમન
ભગવાન વિષ્ણુને સમગ્ર જગતના રક્ષક અને પાલક દેવ માનવામાં આવે છે અને આથી જ તેમની કૃપાથી જીવનમાં ધન, સમૃદ્ધિ અને સૌભાગ્યનું આગમન થાય છે.

મોક્ષની પ્રાપ્તિ
જે વ્યક્તિ ભક્તિભાવથી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરે છે તે જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થાય છે અને જીવની મોક્ષ તરફ ગતિ થાય છે.
(નોંધ: અત્રે આપવામાં આવેલી માહિતી માત્ર ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે, જેનું મુંબઈ સમાચાર સમર્થન કરતું નથી.)