અમૃતસરઃ આગામી દિવસોમાં પંજાબમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થશે. આ માટે કોંગ્રેસે પણ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે. પંજાબ કોંગ્રેસમાં બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પંજાબમાં વિધાનસભાની ચૂંટણી થાય એ પહેલા કોંગ્રેસ હાઈકમાન્ડે નેતાઓ સાથે બેઠક યોજીને રણનીતિ તૈયાર કરી છે. આ વખતે રાહુલ ગાંધીની પાર્ટી ક્યા મુદ્દા સાથે પ્રજાનું સમર્થન મેળવવા મેદાને ઊતરશે એ જોવાનું છે. પંજાબ કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચા છે.
દિલ્હીમાં ખાસ મુલાકાત યોજાઈ
આ માહોલ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પંજાબ કોંગ્રેસના પાંચ કદાવર નેતા સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. આ પછી પંજાબના રાજકારણમાં અનેક પ્રકારના મુદ્દાઓ ઊઠી રહ્યા છે. આ બેઠક બાદ કોંગ્રેસે કોઈ સ્પષ્ટતા કરી નથી કે, પાર્ટી કઈ દિશામાં વિચાર કરી રહી છે અને ક્યા મુદ્દાઓ પર આગળ વધી રહી છે. સૂત્રોમાંથી વિગત એવી મળી છે કે, જે તે મુદ્દાઓ નક્કી થઈ ચૂક્યા છે અને એજન્ડા પ્રમાણે આગળ વધવાનું છે.
આજે નવી દિલ્હીમાં યોજાયેલી બેઠક મુદ્દે વિજય સિંગલાએ કહ્યું કે આ બેઠકમાં પંજાબના રાજકારણ અંગે ચર્ચા થઈ છે.કોંગ્રેસ સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીને ટક્કર આપવા માટે તૈયારીઓ કરી રહી છે. આ માટે યોજનાઓ બની રહી છે. આ મહિનાની શરૂઆતમાં હાઈકમાન્ડે કેટલાક સુપરવાઈઝરોને ચંદીગઢ મોકલ્યા હતા.
પાર્ટીમાં કોઈ મતભેદ નથી
સુપરવાઈરસ સાથે સાંસદ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને જિલ્લા અધ્યક્ષે દિલ ખોલીને વાતચીત કરી હતી. સંગઠનનું કામ, ચૂંટણીને લઈને યોજના, પ્રજાને સ્પર્શતા મુદ્દાઓ અને પક્ષને સશક્ત કરવા જરૂરી મુદ્દાઓ પર વાતચીત થઈ છે. આ બેઠક બાદ કોંગ્રેસ નેતા અમરિંદર સિંહ રાજા વારિંગે નેતૃત્વને લઈને કોઈ વાત કરવા કરતા રાજનીતિ પર ધ્યાન કેન્દ્રીત કરવા પ્રયાસ કર્યા છે.
ખાસ કરીને ભાજપ અને આમ આદમી પાર્ટી (આપ)ને કારણે પંજાબમાં રચાતા સમીકરણને લઈને કોંગ્રેસે બેઠક યોજી છે. અમરિંદર સિંહે કહ્યું કે, મને માત્ર એટલી ખબર છે કે, કોંગ્રેસે કેવી રીતે ચૂંટણી લડવાની છે, ક્યા મુદ્દાઓને લઈને પ્રજા વચ્ચે જવાનું છે?અમારી પાર્ટીમાં કોઈ પ્રકારના મતભેદ નથી. આમ આદમી પાર્ટીને હરાવીશું, દિલ્હીમાં જે હાલ થયો એ હાલ હવે પંજાબમાં આમ આદમી પાર્ટીોનો થવાનો છે.
રાહુલ ગાંધીએ પંજાબના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વારિંગ, વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવા, પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, પૂર્વ મુખ્યમંત્રી સુખવિંદર રંધાવા તથા વિજય આંદર સિંગલા સાથે અલગથી મુલાકાત કરી છે.
સ્થાનિક નેતાઓનો મત અનિવાર્ય
કોંગ્રેસ કમિટીએ રજૂ કરેલા રિપોર્ટને હાઈકમાન્ડ સામે રજૂ કરવામાં આવ્યા હતા. આ પછી પંજાબ કોંગ્રેસને લઈને હાઈકમાન્ડને જરૂરી નિર્ણય લેવા માટેની મોકળાશ મળી છે. આને ચૂંટણી પહેલાની પ્રક્રિયા તરીકે જોવામાં આવે છે. કોઈ પણ પક્ષ માટે આ પ્રક્રિયા સામાન્ય હોવાનું પણ મનાય છે. હકીકત એવી પણ છે કે, પંજાબમાં હવે પછીની વિધાનસભા ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર કરવાની છે.
પ્રજાના મુદ્દાઓ ઊઠાવીને પ્રજાનો મત જીતવા માટે પ્રયાસ થશે. સુપરવાઈઝરે કરેલા રિપોર્ટ પરથી એવી વાત પણ જાણવા મળી છે કે, સ્થાનિક નેતાઓનો પણ ફીડબેક લેવામાં આવી રહ્યો છે. આ પરથી એટલું કહી શકાય કે, આવનારા સમયમાં પંજાબ કોંગ્રેસમાં કંઈક મોટી ઉથલ-પાથલ થવાની છે.