પુણે: મહારાષ્ટ્ર રાજ્ય માનવ અધિકાર પંચએ પુણે પોલીસના વરિષ્ઠ અધિકારીઓ વિરુદ્ધ કસ્ટડીમાં અત્યાચાર, ગેરકાયદે અટકાયત અને સગીરોને વાહનના બોનેટ પર બાંધીને ફેરવવાના આરોપો અંગે ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) નોંધવાની ભલામણ કરી છે.
માનવાધિકારના ગંભીર ઉલ્લંઘન અને કાયદાના શાસનનો ભંગ કરવાનો ઉલ્લેખ કરી પંચના અધ્યક્ષ ન્યાયમૂર્તિ એએમ બદર અને સભ્યો સંજય કુમાર અને સ્વપ્ના જોશીની ખંડપીઠે મહારાષ્ટ્ર પોલીસ મહાનિર્દેશક (ડીજીપી)ને તેના તથ્ય-શોધક તપાસ અહેવાલને એફઆઈઆર તરીકે ગણવાનો નિર્દેશ આપ્યો છે.
પ્રાથમિક તથ્ય-શોધ તપાસ ત્રણ સભ્યની સમિતિ દ્વારા હાથ ધરવામાં આવી હતી જેમાં સ્પેશિયલ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ દત્તાત્રેય કરાલે, પોલીસ અધિક્ષક વિશ્વાસ પંઢારે અને પંચના રજિસ્ટ્રાર વિજય કેદારનો સમાવેશ થતો હતો.
પંચના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે 'અમે ભલામણ કરીએ છીએ કે હાલના પોલીસ કમિશનર અમિતેશ કુમાર અધિક પોલીસ મહાનિર્દેશકના રેન્કના અધિકારી છે અને તેમની પર આરોપો મૂકવામાં આવ્યા હોવાથી તપાસ અધિક પોલીસ મહાનિર્દેશક અથવા તેનાથી ઉપરના રેન્કના અધિકારીને સોંપવાની જરૂરી કાળજી પોલીસ મહાનિર્દેશક દ્વારા લેવામાં આવે.'
અહેવાલ અનુસાર આ વર્ષે 21 જુલાઈએ ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ હત્યાના કેસમાં અટકાયતમાં લેવાયેલા ત્રણ સગીરોને સાઇડ મિરર સાથે બાંધેલા દોરડાનો ઉપયોગ કરીને પોલીસ વાહનના બોનેટ સાથે બાંધી દીધા હતા.
તપાસમાં વધુમાં જાણવા મળ્યું હતું કે સગીરોને કસ્ટડીમાં ફાઇબરના ડંડા અને વાંસની લાકડીઓથી મારપીટ કરવામાં આવી હતી.