Tue Sep 08 2026

Logo

નખત્રાણાના ફુલાય પંચાયતના 11 ગામોમાં સોલાર પ્રોજેક્ટ સામે વિરોધનો વંટોળ

2026-08-03 13:26:00
Author: Mumbai Samachar Team
નખત્રાણાના ફુલાય પંચાયતના 11 ગામોમાં સોલાર પ્રોજેક્ટ સામે વિરોધનો વંટોળ

AI Image


રોજગારી અને માર્ગો બંધ થતાં સ્થાનિકોમાં ભારે આક્રોશ

ભુજઃ કચ્છના નખત્રાણા તાલુકાની ફુલાય ગ્રામ પંચાયત હેઠળ આવતા 11 જેટલા ગામોમાં ચાલી રહેલી સોલાર પ્રોજેક્ટની કામગીરીને પગલે સ્થાનિક ગ્રામજનો અને પશુપાલકોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. ફુલાય, છારી, મોતીચૂર, પૈયા, વેઢાર, અઝોરિયા વાંઢ સહિતના ગામોના રહેવાસીઓએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, સોલાર કંપનીને સરકારી જમીનની ફાળવણી કર્યા બાદ કરવામાં આવેલી કિલ્લેબંધીના કારણે ગ્રામજનોના પરંપરાગત હક્કો, પશુપાલન અને સ્થાનિક રોજગારી પર માઠી અસર પડી રહી છે. આ પરિસ્થિતિને પગલે મોટી સંખ્યામાં ગ્રામજનોએ એકત્રિત થઈને પોતાના અધિકારોના રક્ષણ માટે લડત આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર, સોલાર પ્રોજેક્ટ વિસ્તારમાં ગૌચર, ગામતળ, તળાવો અને કુદરતી પાણીના વહેણોની આસપાસ કંપની દ્વારા અવરોધો ઊભા કરી દેવાયા છે. જેના કારણે આ વિસ્તારના આશરે દસ હજારથી વધુ પશુઓ માટે ઘાસચારા અને ચરિયાણની વિકટ સમસ્યા સર્જાઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે જો આ પરિસ્થિતિમાં તાત્કાલિક સુધારો કરવામાં નહીં આવે, તો પશુપાલન પર નભતા અનેક પરિવારો માટે જીવનનિર્વાહ અશક્ય બની જશે અને તેમને અનિચ્છાએ સ્થળાંતર કરવાની નોબત આવશે.

પ્રોજેક્ટમાં સ્થાનિક કૌશલ્ય અને માનવબળની ઘોર ઉપેક્ષા થતી હોવાનો પણ ગ્રામજનો દ્વારા આક્રોશ વ્યક્ત કરાયો છે. મોટા ભાગના કામો બહારના કોન્ટ્રાક્ટરો અને વેન્ડરોને સોંપી દેવાતા સ્થાનિક યુવાનો અને મશીનરી માલિકો રોજગારીથી વંચિત રહી ગયા છે. આ ઉપરાંત, કંપનીના અધિકારીઓ દ્વારા સ્થાનિકો પ્રત્યે દમનકારી વલણ અપનાવાતું હોવાનો અને ગામના પરંપરાગત રસ્તાઓ બંધ કરી અવરજવર પર પ્રતિબંધ જેવો માહોલ ઊભો કરાયો હોવાનો આરોપ પણ તેઓએ લગાવ્યો છે.

આ ગંભીર પ્રશ્ને યોજાયેલી ગ્રામજનો અને રાજકીય આગેવાનોની બેઠકમાં સરપંચો, જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. બેઠકમાં સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો કે ગ્રામ પંચાયત અને સ્થાનિકોની સંમતિ વિના કોઈપણ નવા કામને મંજૂરી આપવામાં આવશે નહીં.

ગૌચર જમીનો, તળાવો અને કુદરતી વહેણો પરથી અવરોધો તાત્કાલિક હટાવવા, પરંપરાગત રસ્તાઓ ગ્રામજનો માટે ખુલ્લા કરવા,પ્રોજેક્ટમાં સ્થાનિક યુવાનો અને મશીનરીને રોજગારીમાં પ્રથમ પ્રાથમિકતા આપવી, પંચાયતની લેખિત મંજૂરી વિના નવી કોઈ કામગીરી શરૂ ન કરવી સહિતની સ્થાનિક વહીવટી તંત્ર અને કંપની સમક્ષ ગ્રામજનોએ  માંગણીઓ મૂકી છે.

આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો તંત્ર અને સોલાર કંપની દ્વારા તેમની વાજબી માંગણીઓનો ઉકેલ લાવવામાં નહીં આવે, તો 11 ગામોના લોકો એકજૂટ થઈને ગાંધીચિંધ્યા માર્ગે તબક્કાવાર ઉગ્ર આંદોલન શરૂ કરશે.

ઉત્સવ વૈદ્ય