રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અયોધ્યા મુલાકાત દરમિયાન એક અત્યંત દુર્લભ અને પવિત્ર ભેટની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે. સામે આવી રહેલાં અહેવાલ મુજબ, અયોધ્યામાં રામલલાના દરબારમાં તમિલનાડુથી લાવવામાં આવેલું વિશ્વનું એકમાત્ર 'રામ યંત્ર' અર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે ચાલો જાણીએ અયોધ્યામાં સ્થાપિત તામિલનાડુમાં તૈયાર કરાયેલા રામ યંત્રની વિશેષતાઓ વિશે...
અયોધ્યાના રામ મંદિરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે આજે રામ યંત્રની સ્થાપના કરવામાં આવી. અયોધ્યાના રામ મંદિરમાં સ્થાપિત આ વિશેષ રામ યંત્ર તમિલનાડુમાં અત્યંત શુદ્ધતા અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે તૈયાર કરવામાં આવ્યું છે. આ રામ યંત્ર સોના અને ચાંદી જેવી પવિત્ર ધાતુઓમાંથી તૈયાર કરવામાં આવ્યું આવ્યું છે. માનવામાં આવે છે કે આ યંત્રમાં પ્રભુ શ્રી રામની આધ્યાત્મિક શક્તિઓનો વાસ છે અને મંદિરમાં આ યંત્રની સ્થાપનાથી સમગ્ર પરિસરમાં એક સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.
રાષ્ટ્રપતિ મુર્મૂએ અયોધ્યા પહોંચીને શ્રી રામલલાના દર્શન કર્યા હતા. એટલું જ નહીં પણ તેમણે રામ યંત્રની સ્થાપના પૂર્વે જ આ પવિત્ર રામ યંત્ર વિશે પણ જાણકારી મેળવી હતી. આ પ્રસંગે અયોધ્યાના સંતો અને મહંતોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની આ અયોધ્યા મુલાકાત ભારતની સાંસ્કૃતિક એકતાનું પ્રતીક છે, જ્યાં દક્ષિણ ભારતની કળા (તમિલનાડુનું યંત્ર) અને ઉત્તર ભારતની આસ્થા (અયોધ્યા) નો સંગમ જોવા મળ્યો હતો.
વાત કરીએ 150 કિલોના વજનના રામ યંત્રની વિશેષતાની તો આ યંત્ર પર વિશેષ મંત્રો અને આકૃતિઓ અંકિત કરવામાં આવી છે જે પ્રાચીન વૈદિક વિજ્ઞાન પર આધારિત છે. આ રામ યંત્ર વિશ્વમાં પોતાનું પ્રકારનું એકમાત્ર યંત્ર છે જે ખાસ કરીને અયોધ્યાના ભવ્ય રામ મંદિર માટે જ બનાવવામાં આવ્યું છે.