Thu Jul 23 2026

Logo

ભારે વરસાદને પગલે મહારાષ્ટ્ર વિધાનસભા મુલતવી રાખવામાં આવી

2026-07-06 19:02:11
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:  મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભાની કાર્યવાહી દિવસભર માટે મુલતવી રાખવામાં આવી હતી.ઉપલા ગૃહને મુલતવી રાખવામાં આવે તે પહેલાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ મિનિસ્ટર ગિરીશ મહાજને જણાવ્યું હતું કે મુંબઈ અને પડોશી પાલઘર અને રાયગઢ જિલ્લામાં રેકોર્ડબ્રેક વરસાદ પડ્યો છે અને છેલ્લા ત્રણથી ચાર દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૧૩ લોકોનાં મોત થયાં છે.

મહાજને ઉપલા ગૃહમાં વધુમાં જણાવ્યું હતું કે હવામાન વિભાગે આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી કરીને રેડ અલર્ટની  ચેતવણી જારી કરી છે. રવિવારે ભારે વરસાદને કારણે મુંબઈના માનખુર્દ વિસ્તારમાં ચાલ ધરાશાયી થતાં છ લોકોનાં મોત થયાં હતાં. છેલ્લા બે દિવસમાં મુંબઈમાં ઝાડ પડવાની ઘટનાઓમાં બે લોકોનાં મોત થયાં હતાં, જ્યારે ૩૦ જૂને એક ઝાડ ઉખડીને ચાલતી સ્કૂલ બસ પર પડી જવાથી ૧૧ વર્ષના છોકરાનું મોત થયું હતું.