૯૨ કરોડ રૂપિયાથી સીધો ૧૦૫ કરોડ રૂપિયા થયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર આવેલા અંધેરી ફ્લાયઓવર (જોગ ફ્લાયઓવર)ની જાળવણીનો ખર્ચાને લઈને મુંબઈ મહાનગરપાલિકા અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન ઓથોરિટી (એમએમઆરડીએ) વચ્ચે હજી પણ ખેંચાતાણ ચાલી રહી છે ત્યારે પુલના માળખાકીય સમારકામના કામનો ખર્ચ બીજી વખત વધી ગયો છે. સાથે જ તેની ડેડલાઈનમાં પણ ફરી વધારો થયો છે. પ્રોજેક્ટ પૂર્ણ થવાની નવી તારીખ નવેમ્બર ૨૦૨૬ની થઈ ગઈ છે. મૂળભૂત રીતે રકમ ૯૨.૬૭ કરોડનો અંદાજ ધરાવતો આ પ્રોજેક્ટ હવે કર સહિત ૧૩૦.૩૬ કરોડ રૂપિયાએ પહોંચી ગયો છે, જે ૩૭.૬૯ કરોડ રૂપિયા એટલે કે ૪૦ ટકાથી વધુનો વધારો દર્શાવે છે.
અંધેરી ફ્લાયઓવરના સમારકામ માટેનો મૂળ કૉન્ટ્રેક્ટ ૯૨.૬૭ કરોડ રૂપિયાનો હતો. ૨૦૨૩ માં વીરમાતા જિજાબાઈ ટેક્નોલોજી ઈન્સ્ટિટ્યૂટ (વીજેટીઆઈ)એ સ્ટ્રક્ચરલ ઓડિટ ( માળખાકીય સર્વેક્ષણ)માં ફ્લાયઓવરને મજબૂત બનાવવાની ભલામણ કરી હતી. જોકે અંધેરી પુલ દુર્ઘટના પછી પુલની માલિકી અને જાળવણી માટે ખરેખર કોણ જવાબદાર છે તે અંગેના વિવાદને કારણે પુલનું કામ રખડી પડયું હતું. ફ્લાયઓવરનું કામ શરૂ થયા પછી વિગતવાર ફરી ઈન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યું હતું.
એવું કહેવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછા ૧૮ મહિનાના વિલંબને કારણે પુલનું સુપરસ્ટ્રક્ચર વધુ નાજુક બની ગયું હતું. જ્યારે સમારકામનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે પુલની નીચે અને પુલ પરથી ટ્રાફિક પસાર થઈ રહ્યો હતો ત્યારે થાંભલાઓમાં કંપન અનુભવાવા લાગ્યું. તેથી સાર્વજનિક બાંધકામ વિભાગે વીજેટીઆઈ અને ઈન્ડિયન ઈન્સ્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી) મુંબઈ દ્વારા સ્ટ્રક્ચરલ ઓડિટ કરવાની સૂચના આપી હતી.
૧૦ જૂન, ૨૦૨૫ના બંને સંસ્થાઓના નિષ્ણાતોએ સંયુક્ત રીતે ઈન્સ્પેકશન કર્યું હતું. તેમના અહેવાલ મુજબ સ્પષ્ટતા કરવામાં આવી છે કે પુલના થાંભલા અને બીમને મજબૂત બનાવવું ખૂબ જ જરૂરી છે. અહેવાલમાં જણાવાયું હતું કે જો આ કામ કરવામાં નહીં આવે, તો મુખ્ય માળખું જોખમમાં મુકાશે અને જાનહાનિની શક્યતા નકારી શકાય નહીં. આ વધારાના કામ માટે અંદાજિત ૧૦.૮૭ કરોડ રૂપિયાનો ખર્ચ થવાની ધારણા છે. તેથી પ્રથમ સુધારા પછી ૯૫.૧૨ કરોડ રૂપિયાની કૉન્ટ્રેક્ટ રકમ બીજા સુધારા પછી ૧૦૫.૫૩ કરોડ રૂપિયા થશે. આ રકમ મૂળ કરાર કરતા ૧૩.૮૮ ટકા વધુ છે. જોગ ફ્લાયઓવરના સમારકામનો ખર્ચ, તમામ કર સહિત, ૧૩૦ કરોડ રૂપિયા થશે. આ ખર્ચ પણ પાલિકાએ ભોગવવો પડશે.
ફ્લાયઓવર ૨૦૨૨માં પાલિકાના નિયંત્રણ હેઠળ
આ ફ્લાયઓવરનું નિર્માણ ૧૯૯૭ની સાલમાં રાજ્ય સરકારના સાર્વજનિક બાંધકામ વિભાગ ‘બિલ્ડ, ઓપરેટ ઍન્ડ ટ્રાન્સફર’ (બીઓટી) મોડલ હેઠળ કરવામાં આવ્યું હતું અને તેના માળખાની નીચે દુકાનો તથા ઓફિસો જેવી વ્યાવસાયિક જગ્યાઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ ૨૦૨૨માં તેની જાળવણીની જવાબદારી પાલિકાને સોંપવામાં આવી હતી. આ સાથે જ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેની જવાબદારી પણ પાલિકાને સોંપવામાં આવી હતી, જે અગાઉ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) હેઠળ હતો.
એક્સિડન્ટ માટે કોણ જવાબદાર?
વેસ્ટર્ન એક્સપ્રેસવે પર જોગ ફ્લાયઓવરનો એક ભાગ ચાર જુલાઈ, ૨૦૨૪ના રોજ ફોર વ્હીલર પર પડી ગયો હતો, અને ત્યારથી અંધેરીમાં આ પુલ વિવાદમાં આવ્યો હતો. વેસ્ટર્ન એક્સપ્રેસવેને ૨૦૨૨ માં એમએમઆરડીએ દ્વારા પાલિકાને જાળવણી માટે સોંપવામાં આવ્યો હતો. પાલિકાએ વીજેટીઆઈ દ્વારા આ પુલનું સ્ટ્રકચરલ ઓડિટ કરાવ્યું હતું. તે સમયે વીજેટીઆઈએ આ પુલનું મોટા સમારકામ કરવાની ભલામણ કરી હતી. તે મુજબ પાલિકાએ આ પુલના સમારકામ માટે અંદાજિત ૯૫ કરોડ રૂપિયાના ખર્ચે ટેન્ડર મગાવ્યા હતા. જ્યારે આ ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે ફ્લાયઓવરનો એક ભાગ ચાર જુલાઈ, ૨૦૨૪ના એક કાર પર પડયો હતો. જોકે આ અકસ્માત પછી પુલ માટે ખરેખર કોણ જવાબદાર છે તે અંગે ભારે વિવાદ થયો હતો.
સમારકામ માટે કેમ વિવાદ?
આ પુલનું બાંધકામ ૧૯૯૭ માં સાર્વજનિક બાંધકામ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. બાદમાં પુલને જાળવણી માટે એમએમઆરડીએને સોંપવામાં આવ્યો હતો અને ૨૦૨૨ માં પુલને જાળવણી માટે પાલિકાને સોંપવામાં આવ્યો હતો. પુલની નીચેની ૩૩,૦૦૦ ચોરસ મીટર જમીનનો વાણિજ્યિક ઉપયોગ અને પુલની જાળવણી કરવાની શરતે જોગ અને હિરાનંદાની કંપનીને કૉન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જોકે જોગ કંપની નાદાર થયા પછી, કૉન્ટ્રાક્ટ વિવાદ કોર્ટમાં ગયો. હિરાનંદાની કંપનીએ બાંધકામ પૂર્ણ કર્યું, પરંતુ પુલની નીચેની જમીનનો વિવાદ કોર્ટમાં અટવાઈ ગયો. તેથી આ પુલની જાળવણી માટે કોઈ ન હોવાથી હવે પાલિકાએ આ ખર્ચ ઉઠાવવો પડશે.