Tue Jun 23 2026

Logo

કવર સ્ટોરી: પક્ષપલટાની પારાયણમાં લોકશાહીના આ ધજાગરા ક્યાં સુધી?

2026-06-21 08:26:00
Author: Vijay Vyas
Article Image

 

 

 

 દેશના રાજકારણમાં  આજે ‘આયારામ ગયારામ’નો ખેલ એની પરાકાષ્ઠાએ પહોંચી ગયો  છે. પ્રજાએ જેમને પોતાના પ્રતિનિધિ તરીક ચૂંટ્યા છે એમાંના અનેક લાજશરમ નેેવે મૂકીને સાગમટે પક્ષપલટો કરીને સત્તાનો તખ્તો પલટી રહ્યા છે. આ અ-નૈતિક  રીતિ-નીતિ કોઈ પણ ભોગે અટકાવવી જ પડશે, નહીંતર દેશની કહેવાતી લોકશાહી માત્ર હાસ્યાસ્પદ બનીને રહી જશે...

 

- વિજય વ્યાસ

 

થોડા ફ્લેશબેકમાં જઈએ...આ વાત 1980ની છે.

 

હરિયાણામાં જનતા પાર્ટીની સરકાર હતી ને ભજનલાલ મુખ્યમંત્રી હતા. 1977ની લોકસભાની ચૂંટણીમાં જનતા પાર્ટીને બહુમતી મળતાં દેવીલાલ મુખ્યમંત્રી બનેલા પણ ભજનલાલે બળવો કરીને દેવીલાલને હટાવવાની ફરજ પાડેલી ને પોતે ગાદી પર બેસી ગયેલા. જનતા પાર્ટીના 75 ધારાસભ્યોમાંથી 42 ધારાસભ્યોને પોતાની તરફ ખેંચીને ભજનલાલે હાઈકમાન્ડને નેતૃત્વ પરિવર્તનની ફરજ પાડી હતી. મુખ્યમંત્રી બન્યા પછી ભજનલાલે સીઆઈડીની મદદથી બાકીના ધારાસભ્યોને પણ પોતાની તરફ ખેંચીને સાવ નવરા કરી નાખેલા.

 

લોકસભાની 1977ની ચૂંટણીમાં પણ કૉંગ્રેસની કારમી હાર થયેલી તેથી કેન્દ્રમાં પણ જનતા પાર્ટીની સરકાર રચાયેલી, પણ મોરારજી દેસાઈ અને ચરણસિંહના ડખામાં સરકાર ઘરભેગી થતાં અઢી વર્ષમાં ફરી ચૂંટણી આવી. 1980ની લોકસભા ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીએ ભવ્ય જીત મેળવી ફરી સત્તા હાંસલ કરી. મોરારજી દેસાઈએ સત્તામાં આવતાં જ તમામ કૉંગ્રેસ સરકારોને બરતરફ કરી દીધેલી તેથી ઈન્દિરા ગાંધી બદલો લેવા બિન કોંગ્રેસી સરકારોને બરતરફ કરશે એ નક્કી હતું. ભજનલાલને આ વાતનો ખ્યાલ આવી જતાં ઈન્દિરા કશું કરે એ પહેલાં તેમણે એક મોટો દાવ ખેલી નાંખ્યો. ભજનલાલ જનતા પાર્ટીના તમામ ધારાસભ્યોને લઈને કૉંગ્રેસમાં જતા રહ્યા. ભારતના ઈતિહાસમાં પક્ષપલટાના કારણે સત્તાધારી પાર્ટી જ બદલાઈ જાય એવું પહેલી વાર બન્યું. સત્તા ટકાવવા માટે ખેલેલા દાવે ભજનલાલને ભારતમાં સૌથી મોટા પલટુરામ તરીકે સ્થાપિત કરી દીધા. એ પછી તો ઈન્દિરા ગાંધીની રહેમનજર હેઠળ દેશનાં બીજાં રાજ્યોમાં પણ આ બધી પ્રવૃત્તિ જબરદસ્ત ફૂલીફાલી. લોકશાહીના ધજાગરા ઉડી ગયા ને બેફામ પક્ષપલટા થવા માંડ્યા.

 

ભજનલાલને 1982ની વિધાનસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી નહીં મળી હોવા છતાં દેવીલાલની લોકદળના બળવાખોર ધારાસભ્યોની મદદથી સરકાર રચીને પક્ષપલટાની પ્રવૃત્તિને નવી ઉંચાઈ પર પહોંચાડી. પક્ષપલટાની આ પ્રવૃત્તિના કારણે ક્યા પક્ષનો ક્યો ધારાસભ્ય ક્યારે ક્યાં હશે એ નક્કી જ ના હોય તેથી ભારતમાં આ નીતિ રીતિ ‘આયારામ..ગયારામ’ના નામથી બડી બદનામ પણ થઈ. અંતે તેના કારણે દેશમાં પક્ષપલટા વિરોધી કાયદો બનાવવાની ફરજ પડી.

 

આજે ભારતીય રાજકારણમાં આ જ પ્રકારની પરિસ્થિતી છે.

 

ભારતમાં છેલ્લાં કેટલાંક વરસોથી ધારાસભ્યો અને સાંસદોની તોડફોડનો ધંધો પૂરબહારમાં ખિલ્યો છે. થોડા મહિના પહેલાં આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢા સહિતના રાજ્યસભાના સાત સાંસદ પક્ષપલટો કરીને ભાજપમાં ભળી ગયેલા. પશ્ર્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસની કારમી હાર પછી તૃણમૂલમાં ભંગાણ પડ્યું. તૃણમૂલના 80 ધારાસભ્યમાંથી 59 ધારાસભ્યને તોડીને ભાજપે ભંગાણ કરાવી દીધું ને પછી તૃણમૂલના રાજ્યસભાના ત્રણ સાંસદ અને લોકસભાના 20 સાંસદોને પણ ખેરવી નાંખ્યા. એ પછી હમણાં છેલ્લે છેલ્લે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં પણ ભંગાણ કરાવી દીધું. ઉદ્ધવના લોકસભાના નવ સાંસદમાંથી છ સાંસદએ અલગ ચોકો રચી દીધો છે જ્યારે 24 ધારાસભ્યમાંથી 19 ધારાસભ્ય પણ અલગ થવા થનગની રહ્યા હોવાના અહેવાલ છે.

 

ભાજપના નેતા આ બધી પ્રવૃત્તિમાં બહુ બહાદુરી હોય એમ દાવા કરી રહ્યા છે કે, હજુ તો અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીમાં પણ આ પ્રકારની ભાંગફોડ થશે. અખિલેશને હટાવીને તેમના કાકા શિવપાલ યાદવને સપાના મુખિયા બનાવી દેવાની ફિશિયારીઓ ભાજપના નેતા મારી રહ્યા છે.

 

રાજકારણમાં નેતા એક પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જાય કે નવી પાર્ટીમાં જાય એ નવી વાત નથી. ગાંધીજીના વેવાઈ સી. રાજગોપાલાચારી ઉર્ફે રાજાજી કૉંગ્રેસી હતા ને જવાહરલાલ નહેરુ સરકારમાં મંત્રી ને મદ્રાસ સ્ટેટના મુખ્યમંત્રી પણ રહેલા. કૉંગ્રેસમાં મતભેદ થતાં કૉંગ્રેસ છોડીને તેમણે સ્વતંત્ર પાર્ટી બનાવેલી કે જે પછીથી દેશમાં સૌથી મોટો વિપક્ષ બનેલો. ભાજપના પૂર્વાવતાર જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખરજી પહેલાં હિંદુ મહાસભામાં હતા પણ ગાંધીજીની હત્યામાં મહાસભાના નેતાઓની સંડોવણીના આક્ષેપો થતાં તેમણે મહાસભા છોડી દીધેલી. શ્યામાપ્રસાદ તાત્કાલિક કોઈ પક્ષમાં નહોતા જોડાયા પણ પછીથી જનસંઘની સ્થાપના કરી હતી.

 

આ તો બે મોટા નેતાઓની વાત કરી, પણ આવાં તો સંખ્યાબંધ ઉદાહરણો છે. ઘણા નેતા બીજા પક્ષમાં જોડાયા ને ઘણાંએ પોતાના પક્ષ સ્થાપ્યા. ભારતમાં સમાજવાદી પાર્ટી, આરજેડી સહિતના મોટા ભાગના પ્રાદેશિખ પક્ષો આ રીતે જ સ્થપાયા છે ને તેમાં કશું ખોટું પણ નથી કે અનૈતિક પણ નથી.

 

જોકે આ બધા વચ્ચે અત્યારે જે થઈ રહ્યું છે એ ખોટું પણ છે ને અનૈતિક પણ છે.

 

કૉંગ્રેસે ઈન્દિરા ગાંધીનાં સમયમાં આચરેલી અનૈતિકતા જેવી જ અનૈતિકતા ભાજપ અત્યારે આચરી રહ્યો છે. ભાજપ જનાદેશનું ઘોર અપમાન કરીને ભારતના મતદારોની મજાક પણ ઉડાવી રહ્યો છે કે, તમે ભાજપથી નારાજ થઈને ગમે તેને જીતાડો પણ અમે તો પૈસા ને સરકારી એજન્સીઓના જોરે તેને તોડીને અમારી પંગતમાં જ બેસાડી દઈશું.  

 

ભાજપને હરાવીને જીતેલા સાંસદોને પોતાની સાથે લેવા હોય તો ભાજપ લઈ શકે છે પણ પહેલાં તેમને રાજીનામાં અપાવવાં જોઈએ. લોકોને એ નક્કી કરવા દેવું જોઈએ કે, તમે ભાજપના ઉમેદવારને હરાવી દીધેલો પણ ચૂંટાયા પછી હવે એ ભાજપમાં જવા માગે છે તો તમને એ મંજૂર છે ? લોકોને મંજૂર હશે તો આ વખતે ભાજપની ટિકિટ પર ઉભા રહેલા ઉમેદવારને મત આપીને ફરી જીતાડશે ને મંજૂર નહીં હોય તો તેના પક્ષપલટા સામે નારાજગી વ્યક્ત કરીને તેને ઘરભેગો કરી દેશે. આ લોકશાહીનો સિદ્ધાંત છે પણ ભાજપ લોકશાહીના સિદ્ધાંતોને કોરાણે મૂકીને વર્તી રહ્યો છે.

 

 ભાજપે પહેલાં પણ આ પ્રકારનાં કૃત્યો કર્યાં છે પણ એ વખતે સાવ છેલ્લા પાટલે નહોતો બેઠો. ભાજપે નજીકના ભૂતકાળમાં જ પક્ષપલટા દ્વારા મધ્ય પ્રદેશમાં કમલનાથની કૉંગ્રેસ સરકારને અને કર્ણાટકમાં એચ.ડી. કુમારસ્વામીની જેડીએસ-કૉંગ્રેસ સરકારને ઘરભેગી કરી દીધી હતી, પણ આ બંને પ્રસંગે ભાજપે કૉંગ્રેસના ધારાસભ્યોને પહેલાં રાજીનામાં અપાવ્યાં હતાં. કૉંગ્રેસના ધારાસભ્યો રાજીનામાં આપીને ભાજપમાં જોડાયા અને મોટા ભાગના પછી ફરી ચૂંટણી લડીને જીતીને ધારાસભ્ય બન્યા હતા.

 

હવે ભાજપે તમામ શરમ નેવે મૂકી દીધી છે અને ધારાસભ્યો તેમજ સાંસદોને સીધા જ તોડી રહ્યો છે. આ સ્થિતી લોકશાહી માટે ઘાતક કહેવાય કેમ કે તેના કારણે ચૂંટણીનો અર્થ જ નહીં રહે. ચૂંટણીમાં લોકો ગમે તેને મત આપે પણ ચૂંટણી પછી જીતેલા ધારાસભ્યો ટોળાં બનાવીને પક્ષપલટો કરી નાંખે તો ચૂંટણીનો અર્થ શો ? આ પક્ષપલટા માટે ક્યાં કારણો જવાબદાર હોય છે એ કહેવાની જરૂર નથી. અત્યારે રાજકારણનું ભારે અપરાધીકરણ થયું છે તેના કારણે મોટા ભાગના સાંસદ ને ધારાસભ્યો કોઈ ને કોઈ કેસમાં ફસાયેલા જ હોય છે ને આ કેસ તેમની દુ:ખતી રગ હોય છે. સરકાર તેમની દુ:ખતી રગ દબાવીને તેમેન પક્ષપલટાની ફરજ પાડે છે. જેમને આ રીતે દબાવી ના શકાય તેમને નાણાં આપીને ખરીદી લેવાય છે ને એ પણ લોકશાહીની મજાક જ છે.

 

આ સ્થિતિ બદલવી જોઈએ ને પક્ષપલટા ધારામાં ફેરફાર કરવો જોઈએ. કોઈ પણ ધારાસભ્ય કે સાંસદે ચૂંટણી જીત્યા પછી પક્ષ બદલવો હોય તો ફરજિયાતપણે રાજીનામું આપવું પડે એવી જોગવાઈ કરવી જોઈએ. આ ચૂંટણીનો ખર્ચ પક્ષપલટો કરનાર ધારાસભ્ય કે સાંસદ પાસેથી વસૂલવામાં આવે એવી જોગવાઈ પણ થવી જોઈએ. એ જ રીતે પક્ષપલટાના કારણે પેટાચૂંટણી થાય એ ચૂંટણીમાં જીતનારા ધારાસભ્ય કે સાંસદને સંસદ કે વિધાનસભામાં મત આપવાનો અધિકાર ના હોવો જોઈએ. પક્ષપલટો કરનાર ધારાસભ્ય કે સાંસદને ફરી ચૂંટાય તો સાંસદ તરીકેનાં ભથ્થાં અને પગાર ના મળે એવી જોદવાઈ પણ હોવી જોઈએ.

 

ભારતની લોકશાહીને બચાવવી હોય તો આવા કડક કાયદા જરૂરી છે. બાકી તો સત્તા અને પૈસાના જોરે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને તોડવાનો ખેલ એવું ગંદુ સ્વરૂપ ધારણ કરશે કે લોકશાહી મચ્છીબજાર જેવી બની જશે, જે વધારે ભાવ આપે એ ધારાસભ્ય કે સાંસદને ખરીદી જાય. તેના કારણે ભવિષ્યમાં લોકોએ ચૂંટેવી નહીં પણ ધનિકોએ ખરીદેલા ધારાસભ્યો ને સાંસદોની બનેલી કઠપૂતળી સરકારો આ દેશમાં રાજ કરતી હશે.