Tue Oct 06 2026

Logo

ભુજમાં પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન: શેખ ફળિયામાંથી 34 ઘાતક હથિયારો સાથે બે શખ્સો ઝબ્બે

2026-07-22 14:32:43
Author: Mumbai Samachar Team
ભુજમાં પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન: શેખ ફળિયામાંથી 34 ઘાતક હથિયારો સાથે બે શખ્સો ઝબ્બે

ભુજ: સરહદી કચ્છના મુખ્ય મથક ભુજ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે પોલીસે હાથ ધરેલા મેગા કોમ્બિંગ ઓપરેશન દરમિયાન શેખ ફળિયામાંથી બે શખ્સોને 34 ઘાતક હથિયારોના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ભુજ શહેર બી-ડિવિઝન, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક ગુનાશોધક શાખાની સંયુક્ત ટુકડીઓએ આ અગત્યની કાર્યવાહી કરી હતી.

પોલીસે પ્રથમ દરોડામાં રાજ ફર્નિચર નજીક શેખ ફળિયામાંથી અલીશા કરીમશા શેખ (ઉ.વ. 30)ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 21 છરી, 1 તલવાર, 1 ધારિયું, 4 કોઇતા, 2 લોખંડના પાઇપ અને 2 લાકડાના ધોકા મળી કુલ 31 ઘાતક હથિયારો કબજે કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક કાર્યવાહીમાં સરપટ નાકા બહાર શેખ ફળિયામાંથી રમજાનશા ઉર્ફે રમજુ કાસમશા શેખ (ઉ.વ. 30) પાસેથી એક છરી, એક કુહાડી અને એક ધારિયું જપ્ત કરાયું હતું.

આટલી મોટી માત્રામાં ઘાતક હથિયારો કયા હેતુથી એકઠા કરવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં થવાનો હતો કે કેમ તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત બંને આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અંગે પણ પૂછપરછ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.