Sun Sep 13 2026

Logo

રૂમ ખોલતા જ પોલીસ પણ ચોંકી ગઈ! ગાંધીધામના અંતરજાળમાં ચાલતા સેક્સ રેકેટનો પોલીસે આ રીતે કર્યો પર્દાફાશ

2026-05-26 14:13:00
Author: Mayur Patel
રૂમ ખોલતા જ પોલીસ પણ ચોંકી ગઈ! ગાંધીધામના અંતરજાળમાં ચાલતા સેક્સ રેકેટનો પોલીસે આ રીતે કર્યો પર્દાફાશ

ભુજઃ ગાંધીધામના અંતરજાળ વિસ્તારમાં રહેણાક મકાનની આડમાં ધમધમતા સેક્સ રેકેટ પર પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે અનૈતિક વ્યાપાર ચલાવતા મુખ્ય સૂત્રધારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે દેહવ્યાપારના દળદલમાં ધકેલાયેલી એક મહિલાને મુક્ત કરાવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, અંતરજાળના રાજનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં બહારથી યુવતીઓ લાવીને ગ્રાહકો માટે દેહવિક્રયનો વ્યવસાય ચલાવવામાં આવતો હોવા અંગેની બાતમી પોલીસને મળી હતી જેનવા આધારે પોલીસે રેડ કરવા માટે આયોજનબદ્ધ વ્યુહરચના ગોઠવી હતી અને એક ડમી ગ્રાહક તૈયાર કરીને નિયત કરાયેલી ચલણી નોટો આપીને મકાનમાં મોકલ્યો હતો. ડમી ગ્રાહક અંદર પહોંચીને ઇશારો કરતાં જ પોલીસે મકાન પર ત્રાટકીને છાપો માર્યો હતો.

પોલીસે મકાનની અંદર તપાસ કરતાં એક બંધ રૂમમાંથી ડમી ગ્રાહક અને મહિલા કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. સ્થળ પરથી પોલીસે કૂટણખાણું ચલાવતા મુખ્ય સંચાલક યોગેશ પરસોત્તમ દવે (મૂળ રહે. સાંતલપુર, પાટણ)ની ધરપકડ કરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી શરીરસુખ માણવાના સાધનો તેમજ રોકડ રકમ સહિત કુલ રૂ ૮,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આરોપી યોગેશ દવે ગ્રાહકો પાસેથી પ્રતિ ગ્રાહક રૂ ૩,૦૦૦ વસૂલતો હતો, જેમાંથી રૂ.૧,૦૦૦ પીડિતાને આપીને બાકીના રૂ ૨,૦૦૦ પોતે કમિશન તરીકે રાખતો હતો. પોલીસે આરોપી વિરૂદ્ધ અનૈતિક વ્યાપાર નિવારણ ધારા હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આ શખ્સે અત્યાર સુધીમાં કેટલી મહિલાઓ કે યુવતીઓને આ દળદલમાં ધકેલી છે તેમજ તે ગ્રાહકોના સંપર્ક કઈ રીતે મેળવતો હતો, તે દિશામાં પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. 

(ઉત્સવ વૈદ્ય)