Thu Aug 20 2026

Logo

શામળાજી નજીક ગુજસીટોકના આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરિંગ કર્યું, જાણો છેલ્લા એક વર્ષના આવા કિસ્સા...

2026-03-14 10:48:00
Author: Mayur Patel
Article Image

હિંમતનગરઃ રાજ્યમાં દારૂ ઘુસાડવાના અનેક ગુનામાં સામેલ અને ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (GujCTOC) એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપીએ શુક્રવારે અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે તેના પર ગોળીબાર કર્યો હતો. રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ધાસા ગામનો રહેવાસી 37 વર્ષીય સુખલાલ ડાંગી (ઉર્ફે શાકાજી ડાંગી) આ ફાયરિંગમાં ઘાયલ થયો હતો અને હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

SMCની ટીમે સુખલાલને ઉદયપુરથી ઝડપી લીધો હતો અને તેને ગાંધીનગર લાવવામાં આવી રહ્યો હતો. ટ્રાન્ઝિટ દરમિયાન શામળાજી પાસે આરોપીએ પોલીસ વાહનના ડ્રાઈવરનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે વાહનનો અકસ્માત થતા રહી ગયો હતો. આ ઝપાઝપીમાં એક પોલીસ કોન્સ્ટેબલને પણ સામાન્ય ઈજા થઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરતા સ્વબચાવમાં ઇન્સ્પેક્ટર ભાવેશ રાઠોડે ચેતવણી આપીને એક રાઉન્ડ ફાયર કર્યો હતો, જે ડાંગીના જમણા હાથના ખભા અને કોણીની વચ્ચેના ભાગે વાગ્યો હતો. SMC ના એસપી મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, સુખલાલ ડાંગી સામે પ્રોહિબિશન (દારૂબંધી) ના 36 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.

 હિંમતનગર સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર, આરોપીની હાલત સ્થિર છે. તેના હાથમાં 2.2 સેમીનું એન્ટ્રી-એક્ઝિટ જખમ જોવા મળ્યું છે અને તે હાલ ઓબ્ઝર્વેશન હેઠળ છે. હાલ હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તબીબો દ્વારા આરોપીની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે. પોલીસ ટીમ પર હુમલો કરવા બદલ ડાંગી વિરુદ્ધ 'હત્યાના પ્રયાસ'નો નવો ગુનો નોંધવામાં આવ્યો છે.  

ગુજરાતમાં બનેલી પોલીસ શૂટઆઉટ અને એન્કાઉન્ટરની ઘટનાઓ

18 ડિસેમ્બર, 2025 - સુરત : બેવડા હત્યાકાંડના આરોપી શિવા યાદવે પોલીસ પર હુમલો કરી સબ-ઇન્સ્પેક્ટરની રિવોલ્વર આંચકવાનો પ્રયાસ કરતા પોલીસે તેના પગમાં ગોળી મારી હતી.

10 ડિસેમ્બર, 2025 - જસદણ (રાજકોટ) : બળાત્કારના 35 વર્ષીય આરોપીએ પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા દરમિયાન પોલીસ કર્મચારીઓ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરતા તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું

8 ડિસેમ્બર, 2025 - અમદાવાદ : મુકબધીર  મહિલા પર બળાત્કાર ગુજારવા બદલ ધરપકડ કરાયેલા મોઇનુદ્દીન બાદશાહ (ઉ.વ.30) એ ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન દરમિયાન ભાગવાનો પ્રયાસ કરતા તેના પગમાં ગોળી મારવામાં આવી હતી.

7 ડિસેમ્બર, 2025 - ગાંધીનગર: 4 વર્ષની બાળકીના અપહરણ અને બળાત્કારના આરોપી રામગણિત યાદવે તપાસ દરમિયાન પોલીસ સ્ટેશનથી ભાગવાનો પ્રયાસ કરતા તેના પગમાં ગોળી વાગી હતી.

6 નવેમ્બર, 2025 - નવસારી: ડાભેલ ગામમાં ધરપકડની કાર્યવાહી દરમિયાન હત્યાના આરોપી સલમાન મિર્ઝાએ પોલીસ ટીમ પર છરી વડે હુમલો કરતા પોલીસે તેના પર ફાયરિંગ કર્યું હતું.

24 સપ્ટેમ્બર, 2025 - અમદાવાદ: અડાલજમાં નર્મદા કેનાલ પાસે એક વ્યક્તિની હત્યાના આરોપી 24 વર્ષીય વિપુલ પરમારે ભાગવાનો પ્રયાસ કરતા કથિત એન્કાઉન્ટરમાં તેનું મોત નીપજ્યું હતું.

12 સપ્ટેમ્બર, 2025 - અમદાવાદ: અપહરણ અને ખંડણીના કેસમાં ધરપકડ કરાયેલા સંગ્રામસિંહ સિકરવારે ટ્રાન્ઝિટ અને ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસની સર્વિસ રિવોલ્વર આંચકવાનો પ્રયાસ કરતા પોલીસે તેના પગમાં ગોળી મારી હતી.

16 ઓગસ્ટ, 2025 - વાપી (સુરત જિલ્લો): ટેક્સટાઇલ બ્રોકરની હત્યાના આરોપી 28 વર્ષીય અશફાક શેખે તીક્ષ્ણ હથિયાર વડે પોલીસ અધિકારીઓ પર હુમલો કરતા પોલીસે તેના પર ફાયરિંગ કર્યું હતું.