Mon Sep 07 2026

Logo

અમદાવાદમાં ક્યો પોલીસ કર્મચારી જ નિકળ્યો બુટલેગર, નોકરી પોલીસની કરતો ને કમાણી દારૂ વેચી કરતો

2026-08-12 10:59:00
Author: Mayur Patel
અમદાવાદમાં ક્યો પોલીસ કર્મચારી જ નિકળ્યો બુટલેગર, નોકરી પોલીસની કરતો ને કમાણી દારૂ વેચી કરતો

અમદાવાદઃ શહેરમાં પોલીસ કર્મચારી જ બુટલેગર નિકળ્યો હતો. વસ્ત્રાપુર પોલીસે કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતો  પોલીસ કર્મી અશોક પટેલ (ચૌધરી) નોકરી પોલીસની કરતો હતો પણ કમાણી દારૂ વેચીને કરતો હતો. દારૂ સાથે ઝડપાયેલા એક વ્યક્તિએ પોલીસ કર્મીનું નામ આપતાં સમગ્ર ઘટના સામે આવી હતી.

શું છે મામલો

વસ્ત્રાપુર પોલીસે થલતેજમાં એક બિનવરસી ગાડીમાંથી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. તપાસ દરમિયાન આ જથ્થો ચિરાગ ચૌધરી લાવ્યો હોવાનું સામે આવતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી. જોકે, આરોપીએ પોલીસ પૂછપરછમાં આ જથ્થો શહેર  પોલીસ કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા પોલીસ કર્મી અશોક પટેલ (ચૌધરી) એ મગાવ્યો હોવાની કબૂલાત કરી હતી. જેથી વસ્ત્રાપુર પોલીસે તે પોલીસ કર્મીની પણ ધરપકડ કરી હતી.

અમદાવાદના નારણપુરામાં રહેતા ચિરાગ ચૌધરીએ રાજસ્થાનથી દારૂનો જથ્થો લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. પૂછપરછમાં તે આ જથ્થો પોલીસ કર્મી અશોક પટેલ (ચૌધરી)ના કહેવાથી તે લાવ્યો હોવાનું જણાવ્યું હતું. ચિરાગ અમદાવાદથી પોલીસ કર્મી અશોકની ગાડી લઇને રાજસ્થાન ગયો હતો અને ત્યાંથી દારૂ ભરી આવીને પોલીસ કોન્સ્ટેબલ અશોકના ઘર નજીક મૂકી દીધી હતી. જેથી આ કેસમાં વસ્ત્રાપુર પોલીસે કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ કર્મી અશોક પટેલ (ચૌધરી)ની પણ ધરપકડ કરી કેટલા સમયથી તે દારૂનું રેકેટ ચલાવતો હતો અને તેના ગ્રાહકો કોણ કોણ છે તે બાબતે તપાસ હાથ ધરી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આરોપી ચિરાગ કેટરિંગનું કામ કરે છે અને કોન્સ્ટેબલ અશોક તેનો મિત્ર છે. પોલીસ કર્મી અશોક પટેલ (ચૌધરી) વર્ષ 2012માં પોલીસ ખાતામાં જોડાયો હતો. આરોપી અશોક અગાઉ વસ્ત્રાપુર, બોડકદેવ અને આઇબીમાં નોકરી કરી ચૂક્યો છે, હાલ તે પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતો હતો. તેની સામે વર્ષ 2017માં હથિયાર બતાવીને બળજબરીથી કોઇ વસ્તુ કે નાણાં પડાવવાની પણ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ કર્મી જ બુટલેગર નીકળતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.