Fri Sep 04 2026

Logo

નવી મુંબઈમાં યુવતીનો પીછો કરી તેનો વિનયભંગ કરનારો પોલીસના સકંજામાં

2026-05-29 16:27:00
Author: Yogesh D. Patel
નવી મુંબઈમાં યુવતીનો પીછો કરી તેનો વિનયભંગ કરનારો પોલીસના સકંજામાં

મુંબઈ: નવી મુંબઈના ઐરોલી વિસ્તારમાં 22 વર્ષની યુવતીનો સ્કૂટી પર પીછો કરી તેનો વિનયભંગ કરનારા 21 વર્ષના થાણેના યુવકને પોલીસે ઝડપી પાડી લોકઅપભેગો કરી દીધો હતો. આરોપીની ઓળખ કૃષ્ણા મહેન્દ્ર કનોજિયા તરીકે થઇ હોઇ તેણે આ સિવાય અન્ય ગુના પણ આચર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર ઐરોલીના સેક્ટર-6માં સેલિબ્રેશન બિલ્ડિંગના ગેટ સામે 26 મેના રોજ આ ઘટના બની હતી. ઐરોલીમાં રહેનારી યુવતી તેની બહેનપણીના ઘરે જઇ રહી હતી ત્યારે સ્કૂટી પર આરોપીએ તેનો પીછો કર્યો હતો અને ઘટનાસ્થળે પહોંચ્યા બાદ તેનો વિનયભંગ કરીને આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

આ ઘટના બાદ યુવતીએ રબાળે પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને આ પ્રકરણે ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન પોલીસે ઘટનાસ્થળે જઇને તપાસ કર્યા બાદ ત્યાંના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાં આરોપી નજરે પડ્યો હતો. ત્યાર બાદ ટેક્નિકલ બાબતોને અભ્યાસ કરીને મળેલી માહિતીને આધારે આરોપીને તાબામાં લેવાયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.