- વિજય વ્યાસ
પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં ફરી એક વાર લોકો રસ્તા પર ઉતર્યાં છે અને ‘પાકિસ્તાન આર્મી આઉટ’ના નારા ગુંજી રહ્યા છે. છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા પીઓકેનાં લોકોના વિરોધને દબાવી દેવા માટે પાકિસ્તાનની સરકારે લશ્કર ઉતારીને અમાનુષી અત્યાચારો કર્યા છે પણ કાશ્મીરી પ્રજા આરપારની લડાઈના મૂડમાં છે તેથી ગોળીઓ ખાઈને પણ પાકિસ્તાનનો વિરોધ કરી રહી છે.
પાકિસ્તાન આર્મીએ શાંતિથી દેખાવો કરી રહેલા લોકો પર કરેલા ગોળીબારમાં 100થી વધારે લોકોનાં મોત થયાં છે. પાકિસ્તાન આર્મીને એમ હતું કે, જીવ જવાના ડરે લોકો ઘરોમાં ભરાઈ જશે પણ લોકોમાં ડર નથી. લોકોને ઢીલા પાડવા માટે ખોરાક સહિતની ચીજોનો પુરવઠો બંધ કરી દેવાયો છે પણ તેના કારણે પણ કાશ્મીરીઓ હિંમત હાર્યા નથી. વરસોથી પાકિસ્તાનના દમન અને અત્યાચારનો ભોગ બની રહેલા કાશ્મીરીઓ ખરાખરીનો જંગ ખેલી રહ્યા છે.
પાકિસ્તાન વિરોધી આંદોલન માટે કાશ્મીરી પ્રજાએ જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC) બનાવી છે. લોકોના અવાજને દબાવી દેવા પાકિસ્તાન સરકારે જેએએસીના નેતાઓને જેલમાં ધકેલી દીધા છે તો લોકો સ્વયંભૂ બહાર આવીને આંદોલન ચલાવી રહ્યા છે. પીઓકેની વસતી 43 લાખની આસપાસ છે. આ વસતી પહાડી વિસ્તારોમાં છૂટીછવાઈ ફેલાયેલી છે છતાં જેએએસીની સભાઓમાં બે-બે લાખ લોકો ઊમટે છે તેના પરથી જ લોકોમાં કેવો આક્રોશ છે તેનો અંદાજ આવી જાય.
પીઓકેના લોકોના આક્રોશનું કારણ વરસોથી પાકિસ્તાને કરેલું શોષણ છે. પાકિસ્તાન આર્મી અને શાસકોએ પોતાના ફાયદા માટે કાશ્મીરીઓને હથિયારો આપીને આતંકવાદના રવાડે ચડાવ્યાં પણ બદલામાં કશું ના આપ્યું. પીઓકે સાવ પછાત વિસ્તાર છે અને લોકો અનાજ માટે પણ પાકિસ્તાન પર નિર્ભર છે. કોઈ વિકાસ નથી, કોઈ આર્થિક પ્રગતિ નથી ને લોકો કશુંક માગે તો પાકિસ્તાન તેમને ફટકારે છે. વરસો સુધી પીઓકેની પ્રજાએ આ બધું સહન કર્યું કેમ કે પ્રજાને પાકિસ્તાનના બદઈરાદાની ખબર નહોતી ને સંગઠિત પણ નહોતા. હવે લોકો પાકિસ્તાનની ખોરી દાનત સમજી ગયા છે અને સંગઠિત પણ થયા છે તેથી આક્રોશ ફાટ્યો છે અને લોકો મેદાનમાં આવી ગયાં છે.
વિશ્ર્લેષકોના મતે, ભારત માટે પીઓકે પાછું લેવાની આ શ્રેષ્ઠ તક છે. પીઓકે ભારતનો જ ભાગ છે અને પીઓકેનાં લોકો ભારતનાં જ લોકો છે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં પીઓકેના પ્રતિનિધિઓની બેઠકો પણ ખાલી રખાય છે. અત્યારે પાકિસ્તાન ભારતનાં લોકોને મારી રહ્યું છે ત્યારે તેમને બચાવવા માટે ભારત દખલ કરી શકે ને પીઓકેમાં ઘૂસીને પાકિસ્તાનને ખદેડીને પીઓકેનો કબજો લઈ શકે.
ભારતને ભૂતકાળમાં લશ્કરી કાર્યવાહી દ્વારા પીઓકે લેવાની ઘણી તકો મળી હતી પણ હિંમતવાન શાસકોના અભાવે એ તકો ગુમાવી.1947માં પાકિસ્તાને પહેલી વાર કાશ્મીર હડપવા આક્રમણ કર્યું ત્યારે જવાહરલાલ નહેરુ દોઢડાહ્યા થઈને યુનાઈટેડ નેશન્સમાં ના ગયા હોત તો ભારતીય લશ્કરે પાકિસ્તાનના સૈનિકો અને તેના ભાડૂતીઓને તગેડીને આખું કાશ્મીર કબજે કરી લીધું હોત. 1965ના યુદ્ધમાં ભારત જીતી ગયેલું ને આપણું લશ્કર છેક લાહોરના પાદર લગી પહોંચી ગયેલું પણ રશિયા અને અમેરિકાના દબાણમાં લાલબહાદુર શાસ્ત્રીએ યુદ્ધવિરામ સ્વીકાર્યો તેમાં બાજી બગડી ગઈ. શાસ્ત્રી કરાર કરવા રશિયાના તાશ્કંદ ગયા પછી ત્યાં જ રહસ્યમય રીતે ગુજરી ગયા. આ રહસ્ય પણ કદી ના ઉકેલાયું.
ઈન્દિરા ગાંધીએ 1971માં ભારે મુત્સદ્ીગીરી વાપરીને પૂર્વ પાકિસ્તાનમાં જનાક્રોશ ભડકાવ્યો ને પાકિસ્તાનને આક્રમણ માટે મજબૂર કરીને છેવટે પાકિસ્તાનનાં ઊભાં ફાડિયાં કરી નાખ્યાં. એ વખતે પાકિસ્તાનના 93 હજાર સૈનિકો ભારતના કેદી હતા ને તેમને છોડવાના બદલામાં ઈન્દિરા પીઓકે ખાલી કરાવી શકે તેમ હતાં પણ અમેરિકા સહિતના દેશોના દબાણ સામે ઝૂકીને સિમલા કરાર કરીને ખેલ બગાડી દીધો. ભારતને કોઈ ફાયદા વિના પાકિસ્તાની સૈનિકોને છોડી મૂકીને ઈન્દિરાએ પણ ભવ્ય વિજયને રોળી નાખ્યો.
કારગિલ યુદ્ધ વખતે ભારતની સેના આગેકૂચ કરીને પીઓકે કબજે કરવાની સ્થિતિમાં હતી પણ અટલ બિહારી વાજપેયીએ અમેરિકા સામે ઝૂકીને યુદ્ધવિરામ સ્વીકારીને ફરી તક વેડફી. નરેન્દ્ર મોદી સરકારે ઓપરેશન સિંદૂર વખતે ભારત જીતી રહ્યું હકું એવો દાવો કર્યો છે પણ માત્ર બે દિવસમાં યુધ્દવિરામ સ્વીકારી લીધો તેના કારણે આ જીતનો અર્થ ના રહ્યો. મોદીએ હાથ પર લીધેલું પૂરું કરીને પીઓકે પાકિસ્તાન પાસેથી આંચકી લેવાની જરૂર હતી પણ મોદી એ મર્દાનગી ના બતાવી શક્યા. ભારતના બીજા શાસકોની જેમ મોદીએ પણ અમેરિકા સામે ઝૂકીને મોટી તક વેડફી નાંખી.
ભારત માટે ફરી આ તક આવી છે ત્યારે ભારતે ઘા કરી દેવાની જરૂર છે કેમ કે આવી તક ફરી ક્યારે આવશે એ ખબર નથી. વાસ્તવમાં એવી તકની જરૂર નથી. હિંમતવાન શાસક હોય તો એ જાતે તક ઉભી કરીને પાકિસ્તાનનો ખુરદો બોલાવી દે. ઈન્દિરા ગાંધીએ તેમનામાં હિંમત હોવાની ઝલક બતાવેલી પણ પછી એ પણ પાણીમાં બેસી ગયેલાં. આશા રાખીએ કે, ભારતને સાચો હિંમતવાન શાસક મળે કે જે પરિણામોની ચિંતા કર્યા વિના પીઓકે પર કબજો કરવા માટે આપણા લશ્કરને લીલી ઝંડી આપે. અત્યારના શાસકોની જેમ ખાલી વાતો ના કર્યા કરે કે, એક દિવસ પીઓકે ભારતની ઝોળીમાં આવીને પડશે.
પીઓકે ભારતને મળે તો ભારતની ઘણી સમસ્યાઓનો અંત આવી જાય ને પ્રગતિનો નવો અધ્યાય શરૂ થાય. પીઓકે અત્યારે આતંકવાદી છાવણીઓનો અડ્ડો છે. પીઓકેમાં ટ્રેઈનિંગ લેનારા આતંકવાદી જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસીને આતંકવાદ ફેલાવે છે તેથી ભારતીયો જ નહીં પણ વિદેશીઓ પણ કાશ્મીરથી દૂર ભાગે છે. પૃથ્વી પરનું સ્વર્ગ માનાત કાશ્મીરમાં જઈશું તો સીધા સ્વર્ગમાં પહોંચી જઈશું એ ડરના કારણે નથી ભારતીયો કાશ્મીરમાં જઈને વસતા કે નથી વિદેશીઓ કાશ્મીરના પ્રવાસે આવતા. કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ની નાબૂદી પછી પણ આંગળીના વેઢે ગણાય એટલા ભારતીયોએ કાશ્મીરમાં જમીન ખરીદી છે કે રહેવા ગયા છે કેમ કે મોતનો ડર છે. વિદેશી પ્રવાસીઓ તો બિલકુલ કાશ્મીર આવતા જ નથી કેમ કે મોતનો ડર છે, આતંકવાદનો ખોફ છે.
આતંકવાદ બંધ થાય તો કાશ્મીર વિદેશી પ્રવાસીઓથી ઊભરાવા માંડે ને ભારતીયો પણ કાશ્મીરમાં જઈને વસવા માંડે. કાશ્મીર દેશના મુખ્ય પ્રવાહમાં આવી જાય, કાશ્મીરના કુદરતી સ્રોતનો લાભ આખા દેશને મળવા માંડે. ભારત આતંકવાદ સામે લડવા માટે અબજોનું આંધણ કરે છે એ બંધ થાય. આ રકમ કાશ્મીરના વિકાસ માટે વાપરી શકાય ને કાશ્મીરમાં વિકાસ, આર્થિક ઉન્નતિનો નવો અધ્યાય શરૂ થાય. વિશ્વમાં ભારતની મર્દાનગીનો ડંકો વાગે એ તો અલગ.
ભારતીય લશ્કર તૈયાર બેઠું છે, તેનામાં પાકિસ્તાનને પછાડીને પીઓકે કબજે કરવાની તાકાત પણ છે અને હામ પણ છે. સવાલ શાસકોની મર્દાનગીનો છે. અત્યાર સુધી એવો કોઈ મરદ શાસક આપણને ના મળ્યો પણ આશા રાખીએ કે, હવે પછી મળે, આખું કાશ્મીર આપણું થાય.
તાલિબાન પીઓકેમાંથી પાકિસ્તાનને ભગાડવામાં ભારતને મદદ કરી શકે
અફઘાનિસ્તાનના તાલિબાન અને પાકિસ્તાન અત્યારે સામસામે આવી ગયાં છે જ્યારે ભારતના તાલિબાન સાથેના સંબંધો ઉષ્માપૂર્ણ છે તેનો લાભ ભારત પાકિસ્તાનને પીઓકેમાંથી તગેડવા કરી શકે છે. જમ્મુ અને કાશ્મીરમાં ભારત અને પાકિસ્તાનને અલગ પાડતી નિયંત્રણ રેખા (LoC) અને અફઘાનિસ્તાન સરહદ વચ્ચેનું સીધું અંતર માંડ 20 કિલોમીટર છે. પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં શક્સગામ ખીણનો વિસ્તાર અફઘાનિસ્તાનની નજીક છે.
ભારત તાલિબાનની મદદથી પીઓકેમાં પ્રોક્સી વોર શરૂ કરાવી શકે ને સીધો હુમલો પણ કરાવી શકે. પ્રોક્સી વોર દ્વારા તાલિબાન પીઓકેમાં ઘૂસીને પાકિસ્તાનના પીઠ્ઠુ આતંકવાદીઓના કેમ્પ સાફ કરવા માંડે તો પાકિસ્તાન આપોઆપ ઢીલું પડી જાય ને ભારતમાં પણ શાંતિ થઈ જાય. તાલિબાન સતત હુમલા કરીને પાકિસ્તાનને પરેશાન કરે ને ભારત તેનો લાભ ઉઠાવીને ધીરે ધીરે પીઓકેમાં આગળ વધી શકે. ભારત પર અમેરિકાના દબાણની અસર થાય પણ તાલિબાનને કોઈની અસર ના થાય એ જોતાં તાલિબાનનો ઉપયોગ કરવાની વ્યૂહરચના અક્સીર સાબિત થાય.