શ્રીનગર: પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર (PoK)માં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં 30થી વધુ લોકોના મોત નિપજ્યાં છે અને આશરે 200 જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જ્યારે તંત્ર દ્વારા જોઇન્ટ અવામી એક્શન કમિટી (JAAC) પર પ્રતિબંધ મૂકી દેતા આ વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ સંગઠન PoKમાં આર્થિક અને રાજકીય ફરિયાદોને લઈને મોટા પાયે પ્રદર્શનોનું નેતૃત્વ કરી રહ્યું હતું. જ્યારે તાજેતરમાં જ થયેલી હિંસા બાદ આ વિવાદ વધુ ઘેરો બન્યો છે.
મળતી વિગતો અનુસાર રાવલકોટ અને મુઝફ્ફરાબાદમાં સુરક્ષા દળો અને વિરોધીઓ વચ્ચેની હિંસક અથડામણો બાદ વહીવટીતંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં કોમ્યુનિકેશન પર પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો છે. આ વણસતી સ્થિતિ વચ્ચે સમગ્ર PoKમાં સતત શટર-ડાઉન હડતાળ પાડવામાં આવી રહી છે. પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા JAACના સભ્યો અને પ્રદર્શનકારીઓ પર ટિયર ગેસના શેલ છોડવામાં આવ્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે, જેનાથી હિંસા વધુ ઉગ્ર બની છે.
ભીમ્બર અને કોટલી જેવા શહેરોમાં પણ વિરોધ પ્રદર્શનોની આગ ફેલાઈ ગઈ છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો પાકિસ્તાન વિરોધી પ્રદર્શનો કરવા રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. આ વિસ્તારોમાં પણ સંપૂર્ણ બંધ પાળવામાં આવી રહ્યો છે. જોઇન્ટ અવામી એક્શન કમિટીના સમર્થકો અને સ્થાનિક નાગરિકો પાકિસ્તાન સરકારની દમનકારી નીતિઓનો સખત વિરોધ કરી રહ્યા છે અને તંગદિલી ભર્યા માહોલ વચ્ચે પણ જનતા પીછેહઠ કરવા તૈયાર નથી.
#WATCH | Anti-Pakistan protestors gather in large numbers in Barnala, Bhimber of Pakistan-occupied Jammu and Kashmir. pic.twitter.com/BAaSvVOBM5
— ANI (@ANI) June 9, 2026
ભીમ્બરના બરનાલા વિસ્તારમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા પાકિસ્તાન વિરોધી પ્રદર્શનકારીઓએ શાસકો સામે પોતાનો ભારે આક્રોશ ઠાલવ્યો હતો. પ્રદર્શનકારીઓએ પાકિસ્તાન સરકારને પડકાર ફેંકતા "હુક્મરાનોં દેખ લો, હમ તુમ્હારી મોત હૈ" અને "શરેબ તેરે ખૂન સે ઇન્કલાબ આયેગા" જેવા ગગનભેદી નારા લગાવ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટપણે દર્શાવે છે કે PoKમાં પાકિસ્તાન શાસન સામેનો જનઆક્રોશ હવે બેકાબૂ બની ગયો છે.