Mon Sep 07 2026

Logo

કચ્છના ખાવડા નજીક વન્યજીવ સાંઢાનો શિકાર કરતા એક શખ્સ ઝડપાયો, વન વિભાગે કરી કાયદેસરની કાર્યવાહી

2026-08-02 14:08:41
Author: Vimal Prajapati
કચ્છના ખાવડા નજીક વન્યજીવ સાંઢાનો શિકાર કરતા એક શખ્સ ઝડપાયો, વન વિભાગે કરી કાયદેસરની કાર્યવાહી

ભુજઃ ખાવડા નજીક અંધૌની સીમમાં આવેલી સરકારી પડતર જમીનમાં વન્યજીવ સાંઢાનો શિકાર કરતા એક શિકારીને પૂર્વ કચ્છ વન વિભાગની ટીમે રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વન વિભાગમાંથી મળતી અધિકૃત વિગતો મુજબ, વન સંરક્ષક ધીરજ મિત્તલ અને નાયબ વન સંરક્ષક આયુષ વર્માના માર્ગદર્શન હેઠળ ભુજ ઉત્તર રેન્જના સ્ટાફે ગત તારીખ ૩૦ જુલાઈના રોજ અંધૌ ગામની સર્વે નંબર 314 પૈકીની જમીન પર દરોડો પાડ્યો હતો. 

આ કામગીરી દરમિયાન 1 સાંઢાનો શિકાર કરી રહેલા સોડા અરજણ કોલી (રહે. ખાવડા) નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી મૃત સાંઢો, શિકાર માટે વપરાતી ખુરપી, દરમાં ફૂંક મારવાનું માટીનું સાધન તેમજ રૂપિયા 18,000ની મોટરસાયકલ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

વધારે વિગતે વાત કરવામાં આવે તો, વન વિભાગ દ્વારા આરોપી વિરુદ્ધ વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ ગુનો દાખલ કરી તેને ભુજની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં અદાલતે તેને જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે. આવા લોકો સામે વન વિભાગ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આ શિકારી સામે પણ વન વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. 

(ઉત્સવ વૈદ્ય)