Wed Jun 17 2026

Logo

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ સ્લીપર વંદે ભારતને દેખાડી લીલી ઝંડી, જાણો રૂટ, ભાડું અને સુવિધાઓ

2026-01-17 11:45:00
Author: Tejas Rajpara
Article Image

ભારતીય રેલવે હવે આધુનિકતા અને સુવિધાના નવા શિખરો સર કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના માલદાથી દેશની સૌપ્રથમ 'વંદે ભારત સ્લીપર ટ્રેન'ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું છે. આ ટ્રેન પશ્ચિમ બંગાળના હાવડાથી આસામના ગુવાહાટી (કામાખ્યા) વચ્ચે દોડશે. અત્યાર સુધી માત્ર બેસીને મુસાફરી કરી શકાય તેવી વંદે ભારત ટ્રેનો હતી, પરંતુ આ સ્લીપર સુવિધા સાથે હવે લાંબા અંતરની મુસાફરી વધુ આરામદાયક અને હાઈટેક બનશે.

હાવડા અને ગુવાહાટી વચ્ચે મુસાફરી કરનારા મુસાફરો માટે આ ટ્રેન આશીર્વાદરૂપ સાબિત થશે. અગાઉ આ અંતર કાપવામાં અંદાજે 17 કલાક જેટલો સમય લાગતો હતો, જે હવે ઘટીને માત્ર 14 કલાક થઈ જશે. આ ટ્રેન 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે સક્ષમ છે. ખાસ કરીને પૂર્વી ભારતને ઉત્તર-પૂર્વી ભારત સાથે જોડતા આ મહત્વપૂર્ણ કોરિડોર પર મુસાફરોને ઝડપી કનેક્ટિવિટી મળશે.

આ વંદે ભારત સ્લીપર ટ્રેનમાં કુલ 16 કોચ છે, જેમાં 1128 મુસાફરો મુસાફરી કરી શકશે. ટ્રેનની ડિઝાઇન એરોડાયનેમિક રાખવામાં આવી છે જેથી હવાનું દબાણ ઘટે અને ટ્રેન શાંતિથી દોડે. તેમાં મેટ્રો ટ્રેન જેવી જ 'ટ્રેક્શન મોટર' ટેકનોલોજીનો ઉપયોગ થયો છે, જે તેને ત્વરિત ગતિ પકડવામાં અને ઈમરજન્સીમાં સુરક્ષિત રીતે ઊભી રાખવામાં મદદ કરે છે. મુસાફરોને મુસાફરી દરમિયાન પ્રાદેશિક બંગાળી અને આસામી સ્વાદિષ્ટ ભોજન પણ પીરસવામાં આવશે.

ટ્રેનમાં મુસાફરોની સુરક્ષા માટે 'કવચ' (Kavach) ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ લગાવવામાં આવી છે, જે બે ટ્રેનોની ટક્કર અટકાવે છે. આ ઉપરાંત તમામ કોચમાં CCTV કેમેરા, ઈમરજન્સી ટોક બેક સિસ્ટમ અને અગ્નિશામક સાધનો ઉપલબ્ધ છે. ટ્રેનની બર્થ (સીટ) પણ ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવી છે જેથી શરીરને પૂરતો આરામ મળે. સામાન રાખવા માટે પૂરતી જગ્યા અને આધુનિક સેનિટાઈઝેશન સુવિધા ધરાવતા શૌચાલયો આ મુસાફરીને ફાઈવ સ્ટાર જેવો અનુભવ આપશે.

ભાડાની વાત કરીએ તો, મુસાફરો પોતાની સુવિધા મુજબ વિવિધ ક્લાસ પસંદ કરી શકે છે. ટ્રેનમાં 11 એસી-3 ટાયર કોચ, 4 એસી-2 ટાયર અને 1 ફર્સ્ટ એસી કોચનો સમાવેશ થાય છે. થર્ડ એસીનું ભાડું ₹2300, સેકન્ડ એસીનું ₹3000 અને ફર્સ્ટ એસીનું ભાડું અંદાજે ₹3600 નક્કી કરવામાં આવ્યું છે.