અમિત ત્રિવેદી
ભગવદ ગીતા પરની ઘણી ટિપ્પણીઓ સામાન્ય રીતે પરિસ્થિતિ સમજાવવાથી શરૂ થાય છે. તેમાં પ્રથમ તથા છેલ્લો શ્ર્લોકનો ઉલ્લેખ થાય છે.
ભગવદ ગીતાનો પ્રથમ શ્ર્લોક:
धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सव: |
मामका: पाण्डवाश्चैव किमकुर्वत संजय ॥
ભગવદ ગીતાનો અંતિમ શ્ર્લોક:
यत्र योगेश्वर: कृष्णो यत्र पार्थो धुनर्धर: |
तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम ॥
ગીતાના અંતિમ શ્ર્લોકનો છેલ્લો શબ્દ છે : मम,, જ્યારે પ્રથમ શ્ર્લોકનો પહેલો શબ્દ છે : धर्म. ટીકાકારોના મંતવ્ય પ્રમાણે ગીતાનો સાર આ બે શબ્દમાં સમાયેલો છે
:मम धर्म.
ભગવદ ગીતા ભલે ભગવાન કૃષ્ણે કુરુક્ષેત્રના યુદ્ધ ક્ષેત્રમાં અર્જુનને ઉપદેશ રૂપે સંભળાવી છે, પરંતુ તેનું મૂળ વિષય मम धर्म’.. એટલે કે ‘મારો ધર્મ’ અથવા મારું કર્તવ્ય છે.
વ્યક્તિગત નાણાકીય વ્યવસ્થા એટલે પર્સનલ ફાઇનાન્સનો વિષય પણ મારો ધર્મ જેવો જ છે. અહીં પર્સનલ શબ્દ ફાઇનાન્સ કરતાં પહેલો આવે છે એટલે આ વિષય પહેલાં વ્યક્તિ વિશે અને પછી પૈસા વિશે છે. દરેક વ્યક્તિ કે પરિવારના નાણાકીય નિર્ણય તેમના જરૂરિયાત, પરિસ્થિતિ અને લક્ષ મુજબ અલગ-અલગ હોવા જોઈએ.
આ સમજવું મહત્વનું છે, કારણ કે ઘણા લોકો મીડિયા, સોશ્યલ મીડિયા અથવા અન્ય લોકો પાસેથી મળતી સામાન્ય સલાહ પર આધાર રાખે છે. થોડાં ઉદાહરણ જોઈએ:
-સામાન્ય સલાહ 1
દરેક રોકાણકારે SIP કરવું જોઈએ.
પ્રતિવાદ:
નિવૃત્ત વ્યક્તિ પોતાના રોકાણમાંથી પૈસા ઉપાડીને જીવનખર્ચ પૂરા કરશે. આવી સ્થિતિમાં SIP યોગ્ય રહેશે નહીં.
-સામાન્ય સલાહ 2
ઉંમર 100માંથી ઘટાડીને (100 વ્યક્તિની ઉંમર) એટલું ટકા ઇક્વિટી રાખવું જોઈએ એટલે કે 60 વર્ષની વ્યક્તિએ પોર્ટફોલિયોનો 40 ટકા હિસ્સો ઇક્વિટીમાં રોકાણ કરવો જોઈએ, જ્યારે 30 વર્ષના વ્યક્તિએ પોર્ટફોલિયોનો 70 ટકા હિસ્સો ઇક્વિટીમાં રોકાણ કરવો જોઈએ.
પ્રશ્ન: હવે જો બે વ્યક્તિ સમાન ઉંમરના હોય તો શું તેમની નાણાકીય જરૂરિયાતો અને જોખમ સમાન હશે?
જો પરિવારના સ્તરે વાત કરીએ તો પરિવારના કયા સદસ્યની ઉંમર ગણવી? અને કોઈ વ્યક્તિની ઉંમર 100 વર્ષથી વધુ હોય તો શું કરવું?
સામાન્ય સલાહ 3:
દરેક રોકાણકારે SWP કરવું જોઈએ.
પ્રતિવાદ:
કોઈ વ્યક્તિ જો સંપત્તિ સંગ્રહ (accumulation)ના તબક્કામાં હોય અને તેના દીર્ઘકાલીન લક્ષ્યો હોય તો તેને SWP(Systetic Witharawal Plan) પસંદ ન કરવું જોઈએ, કારણ કે તે કમ્પાઉન્ડિંગ (ચક્રવૃદ્ધિ)ની પ્રક્રિયામાં વિક્ષેપ પેદા કરશે.
આ તો માત્ર થોડાં ઉદાહરણ છે. આવી સામાન્ય સલાહો કયો શૅર ખરીદું અથવા બજાર ઉપર જશે કે નીચે જેવા પ્રશ્ર્નોમાં પણ જોવા મળે છે. ઘણી વખત લોકો બજાર વધે ત્યારે ખુશ થાય છે અને ઘટે ત્યારે દુ:ખી થાય છે, પરંતુ આવા સંજોગોમાં ખરીદનાર અને વેચનાર બંનેની લાગણીઓ અલગ અલગ ન હોવી જોઈએ?
આ જ રીતે, ચાલો AMFI દ્વારા ચલાવવામાં આવેલી લોકપ્રિય ઝુંબેશ Mutual Funds Sahi Hai પર નજર કરીએ. ઝુંબેશ સાચી છે, પરંતુ એ જરૂર પૂછવું જોઈએ:
પણ મારા માટે કયું મ્યુચ્યુઅલ ફંડ સહી છે?
આમાંથી પાઠ એ છે કે સામાન્ય નિયમો દરેકને લાગુ ન કરી શકાય. દરેક વ્યક્તિની (અથવા પરિવારની) સ્થિતિ, જરૂરિયાતો અને લક્ષ અલગ હોય છે. દરેક વ્યક્તિની જોખમ લેવાની ક્ષમતા પણ અલગ હોય છે.
અહીં આપણે માત્ર રોકાણ સંબંધિત બાબત પર ચર્ચા કરી, પરંતુ આ मम धर्म નો સિદ્ધાંત વ્યક્તિગત નાણાકીય આયોજનનાં તમામ પાસાં, જેવાં કે લોન, વીમો, કર આયોજન વગેરે પર પણ એટલી જ લાગુ પડે છે. આમાં એક સામાન્ય નિયમ એ પણ લાગુ કરી શકાય: સલાહ એની જ માનવી જેને તમારી વ્યક્તિગત વિગતો-નાણાકીય લક્ષ્યો, જોખમ લેવાની ક્ષમતા, રોકાણનો સમય ગાળો, આવક અને ખર્ચ તેમ જ સંપત્તિ અને જવાબદારીઓની વિગતો-વિશે પૂરી જાણકારી હોય. જોકે તમે વિષય નિષ્ણાતો પાસેથી સામાન્ય જ્ઞાન અને ખ્યાલો અને સિદ્ધાંતોની સમજ મેળવી શકો છો, ભલે આ નિષ્ણાતો તમને ઓળખતા પણ ન હોય. વ્યક્તિગત નાણાકીય વ્યવસ્થા (એટલે પર્સનલ ફાઇનાન્સ) વ્યક્તિગત જ હોવી જોઈએ.
મૂડીબજાર, મ્યુચ્યુઅલ ફંડ, વ્યક્તિગત નાણાકીય આયોજન અને વેલ્થ મૅનેજમેન્ટ ક્ષેત્રે ત્રણ દાયકાથી વધુનો અનુભવ ધરાવતા જાણીતા ટ્રેનર-લેખક અને વક્તા છે. તે NISMના Adjunct Faculty છે. છ પુસ્તકોના લેખક એવા અમિતભાઈ રોકાણકાર જાગૃતિ તથા નાણાકીય સાક્ષરતા ક્ષેત્રે સક્રિય યોગદાન આપી રહ્યા છે. આજની પૂર્તિથી શરૂ થઈ રહી છે એમની માહિતીદર્શક નવી કૉલમ: ‘રોકાણનું જમા-ઉધાર’.