Thu Apr 23 2026

Logo

યુદ્ધમાં પાકિસ્તાનનો શાંતિદૂતની ભૂમિકાનો પોકળ દાવોઃ પ્રેક્ષકોને સ્ટેડિયમમાં ન આવવા દેવા માટે અલગ કારણ આપીને મૂરખ બનાવાયા?

Rawalpindi   2026-04-08 16:51:43
Author: Ajay Motiwala
Article Image

રાવલપિંડીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા આયોજિત પાકિસ્તાન સુપર લીગ (PSL)માં સ્ટેડિયમો કેમ ખાલીખમ રાખવામાં આવ્યા છે એ વિશે અગાઉની સરખામણીમાં હવે ભિન્ન કારણ બહાર આવતાં લોકોમાં ચર્ચા છે કે ક્રિકેટપ્રેમીઓને મૂરખ બનાવવામાં આવી રહ્યા છે.

પીએસએલમાં સ્ટીવ સ્મિથ, ડેવિડ વૉર્નર, ઍડમ ઝૅમ્પા સહિત કેટલાક વિદેશી કેટલાક ક્રિકેટરો પણ ભાગ લઈ રહ્યા છે. આ ટી-20 ટૂર્નામેન્ટની મૅચો પહેલાં છ શહેરમાં રમાવાની હતી, પરંતુ ઇરાન સામેના અમેરિકા-ઇઝરાયલના યુદ્ધ (War)ને લીધે ટૂર્નામેન્ટની મૅચો માત્ર બે શહેર (લાહોર, કરાચી) પૂરતી મર્યાદિત રાખવામાં આવી છે. પીસીબીના ચૅરમૅન મોહસિન નકવીએ અગાઉ એવી સ્પષ્ટતા કરી હતી કે દેશમાં બળતણ પાછળનો ખર્ચ ખૂબ વધી જવાનો હોવાથી બે જ શહેરમાં મૅચો રાખવામાં આવશે કે જેથી ખેલાડીઓને તેમની મૅચો માટે છ શહેરમાં પહોંચાડવા પાછળનો ખર્ચ ટાળી શકાય. બીજું, મોટો ખર્ચ થઈ શકે એમ હોવાથી સ્ટેડિયમોમાં પ્રેક્ષકોને આવવાની છૂટ નહીં મળે કે જેથી લોકોએ ઓછી મુસાફરી કરવી પડે અને એ રીતે પેટ્રોલ-ડિઝલ ઓછું વપરાય.

જોકે ઇસ્લામાબાદ યુનાઇટેડ નામની ટીમના માલિક અલી નકવીએ મીડિયામાં એવું કારણ આપ્યું છે કે `પાકિસ્તાનના સ્ટેડિયમોમાં પ્રેક્ષકોને આવવાની છૂટ આપવા પાછળ ખૂબ સલામતી-વ્યવસ્થા કરવી પડે અને ખર્ચ વધી જાય એટલે એને બદલે પાકિસ્તાન સરકારે બધુ ધ્યાન અમેરિકા-ઇરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવામાં ભૂમિકા ભજવવા પર અને બન્ને દેશ વચ્ચે શાંતિ કરાવવા પર આપ્યું હતું.

અલી નકવીએ એવું કારણ પણ આપ્યું હતું કે `રાવલપિંડીમાં મૅચો ન રાખવા પાછળનું મહત્ત્વનું કારણ એ હતું કે યુદ્ધવિરામ જેવા સંવેદનશીલ વિષયને લગતી વાટાઘાટ માટે ઇસ્લામાબાદ કેન્દ્રસ્થાન રહેવાનું હોવાથી પાકિસ્તાન સરકારે સલામતીનો કડક બંદોબસ્ત કરવાનો હતો એટલે છ શહેરમાં મૅચો રાખવાને બદલે તેમ જ લાહોર-કરાચીના સ્ટેડિયમોમાં પ્રેક્ષકોને આવવા દેવાને બદલે યુદ્ધવિરામને લગતી વ્યવસ્થા કરવા પર સરકાર ધ્યાન આપવા માગતી હતી.'