Fri Sep 04 2026

Logo

પાટણના ચાણસ્મામાં મંદિરના દાન બાબતે હિંસાઃ પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું, 8 પોલીસકર્મી સસ્પેન્ડ

2026-03-19 16:32:11
Author: Devayat Khatana
પાટણના ચાણસ્મામાં મંદિરના દાન બાબતે હિંસાઃ પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું, 8 પોલીસકર્મી સસ્પેન્ડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
પાટણ
: જિલ્લાના ચાણસ્મા તાલુકામાં મંદિરના દાનના વિવાદને લઈને થયેલી હિંસાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. થોડા દિવસ પહેલા પંદરથી 20 જેટલા અસામાજિક તત્વો આઠેક વાહનોમાં આવીને ફાર્મહાઉસ પર હુમલો કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં હુમલાખોરો તલવારો અને લાકડીઓ સાથે મિલકતને નુકસાન પહોંચાડતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા કેદ થયા હતા. આ ઘટનામાં જહુ શંકર ઠાકોર મુખ્ય કાવતરાખોર હોવાનું બહાર આવ્યું છે, જ્યારે જીતુભા અને દલપુજી જેવા નામો પણ પ્રકાશમાં આવ્યા હતા. સમગ્ર પ્રકરણમાં ફરજમાં બેદરકારી બદલ પીઆઈ સહિત અન્ય સ્ટાફ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ ઘટનામાં સૌથી વધુ ચર્ચા પોલીસની ભૂમિકાને લઈને થઈ રહી છે, કારણ કે હુમલા સમયે પોલીસની બે ગાડી ત્યાં હાજર હોવા છતાં તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા. હુમલાખોરોએ ફાર્મહાઉસમાં તોડફોડ કરવા ઉપરાંત પોલીસ વાહનને પણ નુકસાન પહોંચાડ્યું હતું. 

વીડિયો વાયરલ થયા બાદ વધતા દબાણને પગલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી 18 આરોપીઓની ધરપકડ કરી હતી. આ મામલે બે અલગ-અલગ ફરિયાદ નોંધવામાં આવી હતી અને કોર્ટે આરોપીઓને 23 માર્ચ સુધી પોલીસ રિમાન્ડ પર સોંપ્યા હતા.

પોલીસે પકડાયેલા આરોપીઓનું ચાણસ્મા પોલીસ સ્ટેશનથી બસ સ્ટેન્ડ સુધી જાહેરમાં સરઘસ કાઢ્યું હતું, જ્યાં તેઓને ઉઠબેસ કરાવી લાકડીઓ વડે ફટકારવામાં આવ્યા હતા. આરોપીઓએ જાહેરમાં હાથ જોડીને માફી માંગી હતી અને ત્યાર બાદ તેઓને ગુનાના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે ફાર્મહાઉસ લઈ જવામાં આવ્યા હતા. 

બીજી તરફ, ફરજમાં બેદરકારી બદલ પાટણના એસપીએ ચાણસ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ આર. એચ. સોલંકી સહિત ત્રણ અધિકારી અને પાંચ કર્મચારીને સસ્પેન્ડ કર્યા હતા, જ્યારે પાંચ જીઆરડી જવાનોને સેવામાંથી મુક્ત કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. હાલમાં પોલીસે તમામ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતા જેલમાં મોકલ્યા છે, જ્યારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.