પાર્ટીના બધા જ સૂત્રો પાર્થ પાસે?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એનસીપીના અજિત પવાર જૂથમાં પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેની નિમણૂકને લઈને ખાસ્સી ચર્ચાઓ થઈ રહી છે અને મહાયુતિમાં પણ એનસીપીમાં બધું સમુસૂતરું નથી એવી ચર્ચા ચાલી રહી છે, ત્યારે શનિવારે રાત્રે એનસીપીના નેતા પાર્થ પવાર રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને તેમના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે મળ્યા હતા. મોડી રાત્રે થયેલી આ ગુપ્ત બેઠક બાદ રાજ્યના રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
નોંધનીય છે કે, આ મહત્વપૂર્ણ બેઠક દરમિયાન પાર્થ પવાર એકલા ગયા હતા. સૂત્રો પાસેથી મળતી આધારભૂત માહિતી મુજબ એનસીપીના કોઈ વરિષ્ઠ નેતા કે અન્ય સાથીદાર તેમની સાથે હાજર નહોતા. એવું માનવામાં આવે છે કે બંને નેતાઓએ લગભગ પંદર મિનિટ સુધી ચર્ચા કરી હતી, પરંતુ આ બેઠકનું સત્તાવાર કારણ હજુ પણ ખાનગી રાખવામાં આવ્યું છે.
આ બેઠક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં હાલમાં ચાલી રહેલા તીવ્ર આંતરિક વિવાદો અને બદલાયેલા રાજકીય સમીકરણોની પૃષ્ઠભૂમિમાં થઈ હતી. આ કારણે, તેને ખાસ રાજકીય મહત્વ પ્રાપ્ત થયું છે. પાર્ટીમાં આંતરિક ફેરબદલ, આગામી ચૂંટણીઓ માટેની રણનીતિ અથવા બીજું કશુંક રંધાઈ રહ્યું છે તે અંગે મિશ્ર ચર્ચાઓ થઈ રહી છે.
અજિત પવાર જૂથના યુવા ચહેરા તરીકે જાણીતા પાર્થ પવાર સીધા મુખ્ય પ્રધાનને મળવા ગયા છે, જેના કારણે વિપક્ષી છાવણીમાં પણ હિલચાલ વધી ગઈ છે. અજિત પવારના અવસાન પછી, પાર્ટીનું નેતૃત્વ સુનેત્રા પવાર પાસે ગયું છે. પાર્થ પવાર અને જય પવારને પાર્ટીમાં વિવિધ જવાબદારીઓ સોંપવામાં છે. જોકે, એનસીપીમાં એવી ચર્ચા છે કે સંગઠનાત્મક સ્તરે પાર્થ પવારનો હસ્તક્ષેપ વધી ગયો છે.
ફડણવીસ સાથેની આ મુલાકાત પછી મહારાષ્ટ્રનું સમગ્ર ધ્યાન હવે એનસીપી કે મહાયુતિમાં કોઈ નવો રાજકીય ભૂકંપ આવશે કે નહીં તેના પર કેન્દ્રિત છે. દરમિયાન, આ મુલાકાત અંગે બંને પક્ષો દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.