મુંબઈ: લગ્નમાં યોગ્ય માનપાનના અભાવ સહિત અન્ય મુદ્દે સાસરિયાં દ્વારા અપાતા ત્રાસ પછી બન્ને નણંદે ધક્કો મારતાં ગર્ભવતી ભાભી જમીન પર પટકાઈ હતી. પરેલમાં બનેલી આ ઘટનાને કારણે ત્રણ મહિનાની સગર્ભાનો ગર્ભપાત થઈ ગયો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર ડોમ્બિવલીમાં રહેતા પોલીસ કર્મચારીની દીકરીનાં લગ્ન એપ્રિલ, 2024માં પરેલમાં રહેતા યુવક સાથે થયાં હતાં. લગ્નમાં પિયરિયાએ પાંચ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો અને જમાઈને નક્કી થયા અનુસાર સોનાના દાગીના આપવામાં આવ્યા હતા. જમાઈ સૉફ્ટવેર એન્જિનિયર છે અને નિર્વ્યસની હોવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ લગ્ન પછી બીજી જ રાતે પતિ દારૂના નશામાં ઘરે આવ્યો હોવાનું મહિલાએ ફરિયાદમાં કહ્યું હતું.
લગ્નમાં યોગ્ય માનપાન અપાયું ન હોવાનો મુદ્દો રજૂ કરીને પતિ, બે નણંદ અને સાસુ-સસરા દ્વારા મહિલાને વારંવાર ત્રાસ આપવામાં આવતો હતો. મૅરેજ ઍનિવર્સરીને દિવસે સાસરિયાં દ્વારા વિવિધ કારણોસર મહિલા સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો. તે સમયે બન્ને નણંદે ધક્કો મારતાં મહિલા જમીન પર પટકાઈ હતી. તે સમયે મહિલાને પેટમાં સખત વેદના થવા લાગી હતી, એવો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.
મહિના બાદ મહિલા તબીબી તપાસ માટે પરેલની ખાનગી હૉસ્પિટલમાં ગઈ ત્યારે તેના ગર્ભાશયમાંનું બાળક મહિના અગાઉ જ મૃત્યુ પામ્યું હોવાની તેને જાણ થઈ હતી. આ ઘટનાથી મહિલાને માનસિક આઘાત લાગ્યો હતો, જેને પગલે પિયરિયાં તેને ડોમ્બિવલીના ઘરે લઈ આવ્યા હતા. મહિલા સાસરેથી નીકળી રહી હતી ત્યારે સાસુએ મંગળસૂત્ર અને અન્ય દાગીના કઢાવી લીધા હતા અને સાસરે પાછી ન આવવા ચેતવણી આપી હતી, એવું ફરિયાદમાં જણાવાયું હતું.
કહેવાય છે કે બનેલી ઘટનાની જાણ પોલીસમાં કરી તો સંબંધ તોડી નાખવાની ધમકી સાસરિયાં દ્વારા અપાઈ હોવાથી મહિલાએ તે સમયે પોલીસ ફરિયાદ કરી નહોતી. જોકે બાદમાં સાસરે પાછા આવવું હોય તો પિયરથી ત્રણ લાખ રૂપિયા લઈને આવવું પડશે, એવી માગણી કરવામાં આવી હતી. રૂપિયાની વારંવાર માગણીથી કંટાળી મહિલાએ આખરે ડોમ્બિવલીના વિષ્ણુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.