Wed Jul 22 2026

Logo

પાલીતાણાની બે ધર્મશાળાના નામે ફેક વેબસાઈટ બનાવી ઓનલાઈન છેતરપિંડી

2026-07-22 21:10:11
Author: Pooja Shah
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભાવનગરઃ
 જિલ્લાના પ્રસિદ્ધ તીર્થધામ પાલીતાણામાં મેવાડ ભવન ધર્મશાળા અને સુણતર ભવન ધર્મશાળાના નામે અજાણ્યા શખસોએ નકલી (ફેક) વેબસાઈટો બનાવીને યાત્રિકો સાથે નાણાકીય છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

બનાવની વિગત અનુસાર, બંને ધર્મશાળાનું મેનેજમેન્ટ સંભાળતા વિશાલભાઈ મનસુખભાઈ દેવલુકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પાલીતાણા આવતા યાત્રિકો અગાઉથી ઓનલાઈન બુકિંગ કરાવ્યું હોવાનું કહીને રૂમની માંગણી કરતા હતા. જોકે ધર્મશાળાના રેકોર્ડમાં આવું કોઈ બુકિંગ ન દેખાતા, મેનેજમેન્ટે યાત્રિકો પાસેથી બુકિંગ કરાવેલી વેબસાઈટની વિગતો મેળવી હતી.

રૂમ બુકિંગના નામે પૈસા પડાવવા ફેક વેબસાઈટ બનાવી તપાસ કરતા માલૂમ પડ્યું કે, ઠગબાજોએ બંને ધર્મશાળાના નામ, સરનામા અને ફોટોગ્રાફ્સનો ગેરકાયદે ઉપયોગ કરીને ફેક વેબસાઈટો બનાવી હતી. આ વેબસાઈટના માધ્યમથી યાત્રિકોને વિશ્વાસમાં લઈ રૂમ બુકિંગના બહાને તેમની પાસેથી ઓનલાઈન નાણાં પડાવી લેવામાં આવતા હતા.

આ છેતરપિંડી અંગે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા શખ્સો સામે બીએનએસ એક્ટની કલમ 318(4), 319(2), 61(2) તથા આઈટી એક્ટની કલમ 66(C) અને 66(D) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.