Sun Sep 06 2026

Logo

પાલઘરની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું: નેપાળી યુવકને 10 વર્ષની સજા

2026-07-29 17:11:35
Author: Yogesh D. Patel
પાલઘરની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું: નેપાળી યુવકને 10 વર્ષની સજા

પાલઘર: પાલઘર જિલ્લાની કોર્ટે 2018માં સગીરાનું અપહરણ કરવા તેમ જ તેની સાથે દુષ્કર્મ આચરવા બદલ 34 વર્ષના નેપાળી યુવકને 10 વર્ષની સખત કેદ ફટકારી હતી.
એડિશનલ સેશન્સ જજ એ.આર. રહાણેએ આરોપી નરેન્દ્રબહાદુર ગોરખબહાદુર પાંડેને ભારતીય દંડસંહિતા તથા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ દોષી ઠેરવ્યો હતો.

આરોપી અને પીડિતા વચ્ચે સંમતિથી પ્રેમસંબંધ બંધાયો હોવાની બચાવ પક્ષના વકીલની દલીલને ફગાવી દેતા કોર્ટે કહ્યું હતું કે પીડિતા સગીર હોવાથી તેની સંમતિ કાયદેસર રીતે માન્ય નથી. કોર્ટે પાંડેને પોક્સો એક્ટની કલમ 6 હેઠળ 10 વર્ષની સખત કેદ તેમ જ પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. પાંડેને ભારતીય દંડસંહિતાની કલમ 363 હેઠળ પાંચ વર્ષની સાદી કેદ અને એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકારાયો હતો.

વિશેષ સરકારી વકીલ સંજય મોરેએ કહ્યું હતું કે આરોપી વિરુદ્ધ આરોપ પુરવાર કરવા માટે પીડિતા સહિત તપાસકર્તા પક્ષના સાત સાક્ષીદારને તપાસવામાં આવ્યા હતા. પાલઘર જિલ્લાના બોઇસરમાં રહેતી પીડિતા (એ સમયે 13 વર્ષની) આરોપીને ઓળખતી હતી, કારણ કે તેઓ અગાઉ બોરીવલીમાં એક જ વિસ્તારમાં રહેતાં હતાં. 20 જૂન, 2018ના રોજ પાંડેએ પીડિતાને બોઇસર રેલવે સ્ટેશન પર બોલાવી હતી અને ત્યાંથી તે પીડિતાને પોતાના વતન નેપાળ લઇ ગયો હતો, જ્યાં તેને એક મહિનો રાખી હતી. પીડિતા સગીર હોવા છતાં તેની સાથે આરોપીએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.

પીડિતાના પિતાએ આ પ્રકરણે બોઇસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે મોબાઇલ લોકેશનથી પાંડેને હરિયાણામાં ટ્રેસ કર્યો હતો. બાદમાં પીડિતાને ઉત્તરાખંડની સરહદ પર તમાલી ખાતેથી છોડાવવામાં આવી હતી. (પીટીઆઇ)