Sat Jun 13 2026

Logo

વૉટ્સઍપ પ્રોફાઈલ પર જિલ્લાધિકારીનો ફોટો રાખી છેતરપિંડી કરનારા બે ઝારખંડમાં પકડાયા

2026-06-13 08:48:00
Author: Yogesh C Patel
Article Image

Ai Image


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૉટ્સઍપ પ્રોફાઈલ પર પાલઘરનાં જિલ્લાધિકારીનો ફોટો રાખીને રૂપિયા પડાવનારા બે આરોપીની ઝારખંડમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
પાલઘર ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર પ્રદીપ પાટીલની ટીમે પકડી પાડેલા આરોપીઓની ઓળખ બલવંતકુમાર કમલપ્રસાદ મંડલ (26) અને રાજુકુમાર દુખન રવાની (22) તરીકે થઈ હતી. ઝારખંડ રાજ્યના ધનબાદ જિલ્લામાંથી બન્નેને ગુરુવારે તાબામાં લેવાયા હતા.

આરોપીએ પાલઘરનાં જિલ્લાધિકારી ઈંદુરાણી જાખડની તસવીર વૉટ્સઍપ પ્રોફાઈલ પર રાખી હતી. પછી એ વૉટ્સઍપ નંબર પરથી ફરિયાદી વિનીતકુમાર મુંશીલાલ મીણા (28)ને મેસેજ કર્યા હતા. મીણા પાલઘરમાં આવેલા રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્રમાં કાર્યરત હોવાથી જિલ્લાધિકારીએ જ મેસેજ કર્યા હોવાનું સમજ્યો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર 17 મેની સાંજે 4.45 વાગ્યે મીણાના વૉટ્સઍપ પર મેસેજ આવ્યો હતો, જેમાં તાત્કાલિક મદદની જરૂર હોવાનું લખ્યું હતું. મીટિંગમાં હોવાથી ઑનલાઈન નાણાં ટ્રાન્સફર કરવામાં ટેક્નિકલ વિઘ્ન આવી રહ્યું હોવાથી મીણાને 50 હજાર રૂપિયા એક બૅન્ક ખાતામાં ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું હતું. મેસેજમાં બૅન્ક ખાતા સંબંધી વિગતો પણ મોકલવામાં આવી હતી.

જિલ્લાધિકારીએ મેસેજ કર્યો હોવાનું માની ફરિયાદીએ તાત્કાલિક 50 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. થોડી મિનિટ બાદ ફરી મેસેજ આવ્યો હતો, જેમાં અન્ય કોઈ બૅન્ક ખાતાની વિગતો હતી. તે ખાતામાં પણ પચાસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવાનું ફરિયાદીને કહેવામાં આવ્યું હતું. પરિણામે ફરિયાદીને શંકા ગઈ હતી. ફરિયાદીએ સંબંધિત નંબર પર કૉલ કરવાનો પ્રયાસ કરતાં મોબાઈલ સ્વિચ ઑફ્ફ હોવાનું જણાયું હતું.

પોતે છેતરાયો હોવાની જાણ થતાં મીણાએ સાયબર પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે જે ખાતામાં નાણાં ટ્રાન્સફર થયાં હતાં તેની વિગતો પ્રાપ્ત કરી હતી. તાંત્રિક વિશ્ર્લેષણને આધારે પોલીસે ઝારખંડથી બન્ને આરોપીને પકડી પાડ્યા હતા.