સંવેદનશીલ અને ગુપ્ત માહિતી ભેગી કરી ગેરકાયદે શસ્ત્રોની તસ્કરી માટે સ્લીપર સેલ બનાવવાનો મનસૂબો: એટીએસે રાજ્યમાંથી 102ને તાબામાં લીધા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દેશની સંવેદનશીલ અને ગુપ્તા માહિતી ભેગી કરી ગેરકાયદે શસ્ત્રોની તસ્કરી સહિતનાં અન્ય કામો માટે સ્લીપર સેલ અથવા એજન્ટ તૈયાર કરવાનો મનસૂબો ધરાવતા પાકિસ્તાની ગૅન્ગસ્ટર શહજાદ ભટ્ટીએ ગરીબીમાં સબડતા યુવકોને ટાર્ગેટ કરીને તેમને દેશવિરોધી પ્રવૃત્તિ માટે ટાર્ગેટ કરવાનો કારસો ઘડ્યો હતો. એટીએસે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડી તાબામાં લીધેલા 100થી વધુ યુવાનોની પૂછપરછમાં આ રહસ્યસ્ફોટ થયો હતો.
પાકિસ્તાની ગૅન્ગસ્ટર સહજાદ ભટ્ટી અને તેના સાથીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્યના યુવકોના સંપર્કમાં હોવાની માહિતી મહારાષ્ટ્ર એન્ટિ-ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)ને મળી હતી. માહિતીને આધારે એટીએસના 14 યુનિટની 58 ટીમે શુક્રવારની સવારે સાત વાગ્યાની આસપાસ એકસાથે કાર્યવાહી કરી હતી.સૂત્રોના જણાવ્યા મુજબ એટીએસે મુંબઈ, પુણે, નાગપુર, નાલાસોપારા, મીરા રોડ, અકોલા, નાંદેડ, નાશિક અને જળગાંવમાં દરોડા પાડ્યા હતા. ભટ્ટીનું ભારતમાંનું નેટવર્ક તોડી પાડવા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન 102 જણને તાબામાં લેવાયા હતા. પકડાયેલા યુવકોની વધુ પૂછપરછ એટીએસ કરી રહી છે.
એટીએસના જણાવ્યા મુજબ ભટ્ટી અને તેના સાથી આબિદ જાટ ઉર્ફે આબિદ છલ, અજમલ ગુજર, હમ્માદ મેમણ, રાણા હુનેન, અશરફ બશીર આલમ ભારતમાં તેમનું નેટવર્ક ફેલાવી રહ્યા છે. આ માટે સોશિયલ મીડિયાના માધ્યમથી આથિર્ક રીતે દુર્બળ અને બેરોજગાર યુવકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા. ઑનલાઈન બ્રેનવૉશ કરીને નાણાંની લાલચે યુવકોને દેશવિરોધી પ્રવૃત્તિ માટે ઉશ્કેરવામાં આવતા હતા.
આવા યુવકોને દેશની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી ભેગી કરવા, ડ્રગ્સ અને ગેરકાયદે શસ્ત્રોની તસ્કરી તેમ જ અન્ય કામો માટે સ્લીપર સેલ અથવા એજન્ટ તરીકે તૈયાર કરવાનો મનસૂબો ભટ્ટીએ સેવ્યો હતો. આ માટે ભટ્ટી અને તેના સાથી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને વૉટ્સઍપના માધ્યમથી યુવકોના સંપર્કમાં રહેતા હતા. ધાર્મિક અથવા સામાજિક મુદ્દાઓનો આધાર લઈને તેમને ભડકાવવામાં આવતા હતા. ધીરે ધીરે બ્રેનવૉશ કરીને દેશવિરોધી પ્રવૃત્તિ માટે ઉશ્કેરવામાં આવતા હતા.