Sat Sep 05 2026

Logo

પાકિસ્તાનમાં અમેરિકા ઈરાન યુદ્ધ અંગે ચર્ચા કરશે ત્રણ  દેશના વિદેશ પ્રધાનો, મધ્યસ્થતાના પ્રયાસ

Islamabad   2026-03-28 17:36:43
Author: Chandrakant Kanoja
પાકિસ્તાનમાં અમેરિકા ઈરાન યુદ્ધ અંગે ચર્ચા કરશે ત્રણ  દેશના વિદેશ પ્રધાનો, મધ્યસ્થતાના પ્રયાસ

 ઇસ્લામાબાદ : મિડલ ઈસ્ટમાં અમેરિકા -ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસરો સમગ્ર વિશ્વ પર પડી રહી છે. ત્યારે પાકિસ્તાન દ્વારા અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા મધ્યસ્થતા કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં  ઇસ્લામાબાદમાં ઇસ્લામિક રાષ્ટ્રોની એક મોટી બેઠક બોલાવવામાં આવી છે. જેમાં પાકિસ્તાન, સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને તુર્કીના વિદેશ પ્રધાનો હાજર રહેશે. 

બેઠક દરમિયાન  વિવિધ મુદ્દાઓ પર ચર્ચા

આ  બેઠક દરમિયાન  વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. જેમાં ઇરાન સાથેના સંઘર્ષ વચ્ચે પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો કરવાના પ્રયાસોનો સમાવેશ થાય છે. આ બેઠકમાં પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારના આમંત્રણ પર, સાઉદી અરેબિયાના વિદેશ પ્રધાન પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સઉદ, તુર્કીના વિદેશ પ્રધાન હકાન ફિદાન અને ઇજિપ્તના વિદેશ પ્રધાન બદ્ર અબ્દેલટ્ટી  રવિવાર અને સોમવારે ઇસ્લામાબાદની મુલાકાત લેશે. 

ત્રણેય વિદેશ પ્રધાનો પ્રાદેશિક તણાવ ઓછો કરવાના પ્રયાસો અંગે ચર્ચા કરશે 

આ અંગે પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત દરમિયાન, ત્રણેય વિદેશ પ્રધાનો પ્રાદેશિક તણાવ ઓછો કરવાના પ્રયાસો સહિત વિવિધ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરશે.  આ  નેતાઓ વડાપ્રધાન શહબાઝ શરીફ સાથે પણ મુલાકાત કરશે. પાકિસ્તાન તેના મિત્ર  રાષ્ટ્રો - સાઉદી અરેબિયા, તુર્કી અને ઇજિપ્ત સાથેના સંબંધોને ખૂબ મહત્વ આપે છે. આ મુલાકાત આ દેશો સાથે પાકિસ્તાનના સહયોગ અને સંકલનને વધુ મજબૂત બનાવવાની તક પૂરી પાડશે.

ઇશાક ડારે નેતાઓને ઇસ્લામાબાદ આવવા વિનંતી કરી

મીડિયા અહેવાલ મુજબ આ બેઠક મૂળ તુર્કીમાં થવાની હતી. જોકે, તેમના વ્યસ્ત સમયપત્રકને કારણે, ઇશાક ડારે નેતાઓને ઇસ્લામાબાદ આવવા વિનંતી કરી. નાયબ વડાપ્રધાને જણાવ્યું છે કે પાકિસ્તાન ચાલુ વિવાદોને ઉકેલવા માટે પ્રયાસ કરી રહ્યું છે. તેમજ  ઈરાન સાથે ચર્ચાઓ ચાલુ છે.પરંતુ સંવેદનશીલ મુદ્દાને કારણે અધિકારીઓ જાહેર નિવેદનો આપવાનું ટાળી રહ્યા છે.