Wed Jun 17 2026

Logo

અફઘાનિસ્તાનની હોસ્પિટલ પર પાકિસ્તાનની એરસ્ટ્રાઈક: 400 નિર્દોષોના મોતથી અરેરાટી!

Kabul   2026-03-17 08:24:00
Author: Devayat Khatana
Article Image

કાબુલ: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. અફઘાનિસ્તાને પાકિસ્તાનની સેના પર કાબુલમાં હોસ્પિટલ પર હવાઈ હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે, જેમાં લગભગ 400 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. જો કે બીજી તરફ પાકિસ્તાને આ દાવાને ફગાવી દીધો હતો, અને કહ્યું હતું કે તેણે ફક્ત કાબુલ અને નાંગહાર પ્રાંતમાં લશ્કરી ઠેકાણાને નિશાન બનાવ્યા હતા.

મળતી વિગતો અનુસાર, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલી નશા મુક્તિ કેન્દ્ર તરીકે કાર્યરત 'ઓમર એડિક્શન ટ્રીટમેન્ટ હોસ્પિટલ' પર પાકિસ્તાની સૈન્ય દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 400 લોકોના કરુણ મોત નિપજ્યા હોવાનો દાવો અફઘાનિસ્તાને કર્યો છે. તાલિબાન સરકારના ડેપ્યુટી પ્રવક્તા હમદુલ્લા ફિતરતે જણાવ્યું હતું કે, સોમવારે રાત્રે આશરે 9 વાગ્યે થયેલા આ હુમલામાં 2,000 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલનો મોટો હિસ્સો જમીનદોસ્ત થઈ ગયો હતો. હાલમાં ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલુ છે અને મૃત્યુઆંક વધવાની આશંકા છે, જ્યારે 250 થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું નોંધાયું હતું. 

હોસ્પિટલના કર્મચારીના જણાવ્યા અનુસાર, હુમલા પહેલા આકાશમાં જેટ વિમાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જ્યારે નજીકના લશ્કરી એકમોએ જેટ પર ગોળીબાર કર્યો, ત્યારે વિમાને બોમ્બ ફેંક્યા હતા, જેના કારણે હોસ્પિટલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સ્થાનિક ટીવી ચેનલો દ્વારા પ્રસારિત ફૂટેજમાં ફાયર ફાઈટરો કાટમાળ વચ્ચે લાગેલી આગને ઓલવવા માટે ભારે જહેમત ઉઠાવતા જોવા મળ્યા હતા. અફઘાનિસ્તાનનો દાવો છે કે આ હુમલામાં માર્યા ગયેલા તમામ લોકો નિર્દોષ નાગરિકો હતા.

બીજી તરફ, પાકિસ્તાને અફઘાનિસ્તાનના આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા છે. પાકિસ્તાન સરકારનું કહેવું છે કે આ દાવો લોકોને ગેરમાર્ગે દોરવા માટે કરવામાં આવ્યો છે અને તેમના સૈન્યએ માત્ર કાબુલ અને નંગાહાર પ્રાંતમાં આવેલા લશ્કરી ઠેકાણાઓને જ નિશાન બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ અઠવાડિયાથી બંને પાડોશી દેશો વચ્ચે સરહદ પર ભારે તણાવ અને ગોળીબારની ઘટનાઓ બની રહી છે, જેમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.