નવી દિલ્હીઃ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે વ્યૂહરચના બનાવી હતી, તેને લઈને એક મોટો ખુલાસો થયો છે.'ઓપરેશન સિંદૂર' અંતર્ગત ભારતીય નૌસેના સમુદ્ર માર્ગે પાકિસ્તાન પર મોટો હુમલો કરવાની તૈયારીમાં હતી, પરંતુ અંતિમ મિનિટોમાં આ કાર્યવાહી રોકવી પડી હતી.આ મુદ્દે હવે સૈન્યના જ ઉચ્ચ અધિકારીએ ઑપરેશન સિંદૂરની મહત્ત્વની વાત કહી છે. બુધવારના રોજ નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીએ આ અંગે મહત્વની માહિતી આપતા જણાવ્યું હતું કે,ભારતીય નૌસેનાના જહાજો અને મિસાઈલો પાકિસ્તાન પર પ્રહાર કરવા માટે સજ્જ હતા.
છેલ્લી ઘડીએ ફેરફાર
જ્યારે નૌસેના હુમલો કરવા માટે બિલકુલ તૈયાર હતી, ત્યારે જ ઓપરેશન રોકી દેવાનો અને કાર્યવાહી સ્થગિત કરવાનો ઑર્ડર મળ્યો હતો. નૌસેના અલંકરણ સમારોહ 2026માં નેવીના ઉચ્ચ અધિકારીએ આ વાત કહી છે. નૌસેના પ્રમુખ એડમિરલ ત્રિપાઠીએ પાકિસ્તાન વિરુદ્ધના ગુપ્ત ઓપરેશન અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.આ સમારોહમાં તેમણે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન અસાધારણ સેવા આપનારા નૌસેનાના બે વરિષ્ઠ અધિકારીઓને 'યુદ્ધ સેવા મેડલ' એનાયત કર્યા હતા. એડમિરલ ત્રિપાઠીએ મિશનની ગંભીરતા જણાવતા કહ્યું કે, હવે આ કોઈ છૂપી વાત નથી કે ભારતીય નૌસેના સમુદ્ર માર્ગે પાકિસ્તાન પર પ્રહાર કરવાથી માત્ર ગણતરીની મિનિટો જ દૂર હતી. એ જ સમયે પાકિસ્તાન તરફથી સૈન્ય કાર્યવાહી રોકવા માટે આજીજી કરવામાં આવી હતી.
શક્તિશાળી યુનિટ સમુદ્રમાં હતું
ગત વર્ષે પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય નૌસેનાએ અત્યંત ટૂંકા ગાળામાં પોતાની શક્તિશાળી યુનિટ્સને સમુદ્રમાં તૈનાત કરી દીધી હતી. સમગ્ર ઓપરેશન દરમિયાન ભારતીય નૌસેનાએ ભારે આક્રમક અભિગમ જાળવી રાખ્યો હતો, જેનાથી પાકિસ્તાની સેનામાં ફફડાટ વ્યાપી ગયો હતો. નૌસેના પ્રમુખે ઉમેર્યું કે,ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ પોતાની ક્ષમતા સાબિત કરી છે અને દેશના સુરક્ષા પ્રત્યેના ભરોસાને વધુ મજબૂત બનાવ્યો છે. ભારતીય નૌસેનાએ પાકિસ્તાનને પાયમાલ કરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી, પરંતુ રાજદ્વારી કે સૈન્ય દબાણને વશ થઈ પાકિસ્તાને છેલ્લી ઘડીએ હુમલો અટકાવવાની વિનંતી કરી હતી.
ઑપરેશન સિંદૂર વિશે વાત કહી
નૌસેના અલંકરણ સમારોહ-2026માં એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીએ ભારતીય નૌસેનાની માત્ર આક્રમક શક્તિ જ નહીં, પરંતુ તેની માનવતાવાદી અને ક્ષમતાની પણ પ્રશંસા કરી હતી.'ઓપરેશન સિંદૂર' ઉપરાંત ભારતીય નૌસેનાએ પશ્ચિમી તટ પર 17 કલાક સુધી ચાલેલી ઐતિહાસિક 'નાઇટ ડિપ્લોયમેન્ટ' દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પોતાની યુદ્ધ ક્ષમતાઓનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન નૌસેનાની રાત્રિ દરમિયાન ઓપરેશન કરવાની અદભૂત ક્ષમતાને દર્શાવે છે. ભારતીય નૌસેના માત્ર ભારત જ નહીં, પરંતુ સમગ્ર ક્ષેત્રમાં મુશ્કેલીના સમયે સૌથી પહેલા મદદ પહોંચાડનારી શક્તિ (First Responder) તરીકે ઊભરી આવી છે.
ઓપરેશન બ્રહ્મા વિશે જાણો
મ્યાનમારમાં મુશ્કેલ સંજોગોમાં ચલાવવામાં આવેલું રાહત અને બચાવ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ઓપરેશન સાગર બંધુમાં શ્રીલંકામાં કટોકટીના સમયે હાથ ધરવામાં આવેલી મદદની કામગીરી પહોંચાડી હતી. એડમિરલ ત્રિપાઠીએ નૌસેનાની વધતી તાકાત અંગે ગૌરવ વ્યક્ત કરતા કહ્યું કે, ભારતીય નૌસેના હવે માત્ર જહાજો ખરીદનારી નહીં, પરંતુ પોતાના જહાજો અને સબમરીન જાતે બનાવનારી સેના બની રહી છે. છેલ્લા એક વર્ષમાં જ ભારતીય નૌસેનામાં 12 નવા જહાજો અને સબમરીન સામેલ કરવામાં આવ્યા છે. નૌસેનાની અસલી તાકાત તેના અધિકારીઓ અને જવાનો છે, જેઓ પોતાની પ્રતિબદ્ધતા, ચારિત્ર્ય અને અસાધારણ ક્ષમતા સાથે સતત દેશની સેવા કરી રહ્યા છે.